શૂન્ય પાલનપુરી : આસ્વાદ – જગદીપ ઉપાધ્યાય * Shoonya Palanpuri * Jagdeep Upadhyay

મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે,
જિન્દગી પણ ગેલમાં ક્યારેક આવી જાય છે.

જ્ઞાન જ્યાં અ‍જ્ઞાનની સીમા વટાવી જાય છે,
જે થયા છે દૂર એ પણ પાસ આવી જાય છે.

સ્વર્ગ શું ને નર્ક શું ? છે માત્ર મનની ભાવના,
માનવી  દુનિયાને  ધારે  તે બનાવી જાય છે.

ભાન  જીવન-અલ્પતાનું  કોણ રાખે છે અહીં?
જે  ઘડી  કે બે ઘડી  છે સૌ વિતાવી જાય છે.

કાર્ય  કરનારા  ને  પરવા હોય શું અંજામની
રોજ  ઉપવન  સેંકડો  ફૂલો ખિલાવી જાય છે.

જિન્દગીને  જિન્દગી  રે’વું  છે  જગમાં એટલે
પુણ્ય  સાથે  પાપને પણ એ નભાવી જાય છે.

કેમ દિલ પોષી શકે છે ગમને? સમજાતું નથી!
જ્યોત જેવી જ્યોત શમ્માને જલાવી  જાય છે. .

એટલા  માટે  જરૂરત  જોઉં  છું  મદિરા તણી,
બેખુદી  સૌ  ભેદના પરદા ઊઠાવી જાઅય છે.

રોકવા  ચાહું  છુ  તોયે  શ્વાસ  રોકાતો  નથી;
કાફલો  પોતે  જ  મંઝીલને વટાવી  જાય છે.

દિલની સૂતી વેદના જાગી  ઉઠે છે એ જ ક્ષણ, 
કોઇ જ્યારે  શૂન્યની ગઝલો  સુણાવી જાય છે.

~ શૂન્ય પાલનપુરી

વ્યવસાયે શિક્ષક અને લેખક એવા શૂન્ય પાલનપુરી એટલે કે અલી ખાન ઉસ્માન ખાન બ્લોચ (1922-1987) ગુજરાતી ભાષાના ઉત્તમ ગઝલકાર છે. તેમના સર્જનમાં છ ગઝલ સંગ્રહ અને એક અનુવાદનો સમાવેશ થાય છે. 

તેમણે મુંબઇ સમચારમાં વીસ વર્ષ સુધી તંત્રી લેખ લખ્યા. ઉર્દૂ ભાષામાં ગઝલો લખવાની શરૂઆત કરનાર આ શાયરની ગઝલોમાં ઉર્દૂભાષાનો પ્રભાવ જોવા મળતો નથી.  તેમની ગઝલોમાં સાદાઇ, સચ્ચાઇ, કાબિલેદાદ શેરિયત, સહજ કાવ્ય બાની, જ્ઞાન અને અધ્યાત્મનો પુટ વગેરે જોવામળે છે.

અઘરૂં લખવું સરળ છે પણ સરળ લખવું અઘરૂં છે. શૂન્ય સાહેબની શેરિયતની સરળતા ઊડીને આંખે વળગે છે. પણ તમે એમાંના વ્યંજનાત્મક શબ્દને ન પકડો તો શેર માથા ઉપરથી જાય. પ્રથમ શેરમાં જિંદગી ક્યારે આનંદ આપે છે? જ્યારે તે ગીતો સંભાળાવે છે, એથી આગળ તે ક્યારે ઝૂમતી લાગે છે? જ્યારે તે મસ્તી ભર્યા ગીતો સંભળાવે છે પણ કવિ એથીય આગળ કહે છે તે તેના અસલ રંગમાં ક્યારે ઝૂમતી લાગે છે? જ્યારે તે મૃત્યુના મસ્તીભર્યા ગીતો  સંભળાવે છે.  મૃત્યુની તમા ન હોય અને માણસ મસ્તીથી જીવતો હોય તે જીવનની પરાકાષ્ઠા છે.

જ્ઞાન જ્યાં અજ્ઞાનની સીમા વટાવી જાય છે ; જે થયા છે દૂર એ પણ પાસ આવી જાય છે.

એક બહુ ઊંચી કક્ષાનો ફિલસૂફ અને એક પાગલ એની દશામાં બહુ ફેર નથી હોતો એને દૂરના કે પાસના, પરાયા કે પોતીકા એવા ભેદ હોતા નથી.

આગળના શેરમાં શૂન્ય જેના વિષે લખવું મુશ્કેલ છે, એવા મન વિશે લખે છે. ગીતાકાર કહે છે,  મન એવં હી મનુષ્યાણામ્ બંધનમ્ મોક્ષ કારણાત્તો મારા પ્રિય કવિ સાહિર કહે છે કે સુખકી કલિયા દુ:ખકે કાંટે મન સબકા આધાર. શૂન્ય સાહેબ આ જ વાતને આ રીતે મૂકે છે.

સ્વર્ગ શું ને નર્ક શું ? છે માત્ર મનની ભાવના ; માનવી  દુનિયાને  ધારે  તે બનાવી જાય છે.

મનની ભાવનાઓ સુંદર છે તો અહીં જ સ્વર્ગ છે એથી ઉલટું  મનની ભાવનાઓ કલુષિત છે એટલે કે મનમાં દ્વેષ, વૈર, ક્રોધ વગેરે ભર્યા છે તો અહીં જ નર્ક છે.

જેમ પર્ણ પરથી ઝાકળ  સરી જાય તેમ પલકવારમાં જીવન સરી જાય છે એમાં જ જીવનને જીવી લેવાનું છે. સાર્થક કરી લેવાનું છે. પણ અફસોસ ! માણસ એના શ્વાસોને વેડફી નાખે છે. એના છેલ્લા શ્વાસોની વેદના જોવા જેવી હોય છે કે હું જેવું જીવવું જોઇતું હતું એવું જીવ્યો નહી.

જે માનવના ઉત્થાન માટે જીવે છે. એને પોતાનું જીવન ફના થઇ જાય એની ચિંતા હોતી નથી. જેઓ પરાયા દર્દો  માટે રડે છે તેને પોતાની આંખના આંસુઓ ખૂટી જાય તોય શું? ઉપવનને ખબર છે કે જગતને સુંદર અને સુગંધી બનાવવા એ ફૂલો ખીલવે છે પણ ફૂલો ખરી જવાના છે. એક દિવસ પોતાને પાનખર વેઠવાની છે તોય એ હજારો ફૂલો ખીલવે છે. સત્કાર્ય માટે જીવનને ઘસવું એ જ એનો આનંદ, એ જ એનું સુખ હોય  છે.

ભગવતી ચરણ વર્માની એક નવલકથા છે ચિત્રલેખા’. એની શરૂઆત આમ થાય છે, ‘ઔર પાપ ક્યા હે?’ અંતમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે પાપ કે પુણ્ય જેવું કશું છે જ નહીં. માણસને માટે જે નિયત થયેલું હોય છે એ એને કરવું પડે છે. જો માનવજીવનમાં થતી ભૂલોને પાપ ગણવામાં આવતું હોય તો કોઇપણ માણસથી જીવનમાં ભૂલો ન થાય અને એ શક્ય નથી. ખરેખર તો ભૂલો થવી એ પાપ નથી પણ એ ભૂલોને ગાયા કરવી, ફરી ફરી કરવી એ જ પાપ છે માટે એને માનવ જીવનની એક સ્વાભવિક્તા ગણી ભૂલોથી ઉપર ઉઠવું જોઇએ. એ જ તો માણસની જિન્દગી છે. કવિ કહે છે-

જિન્દગીને  જિન્દગી  રેવું  છે  જગમાં એટલે ; પુણ્ય  સાથે  પાપને પણ એ નભાવી જાય છે.

આગળના શેરમાં ગઝલકાર ગમ કે ખામોશીની ચરમ સીમાની વાત કરે છે. ગમની એક એવી સ્થિતિ કે જ્યારે માણસને ગમમાં જીવવામાં જ  રાહત મળે. ગમની દવા જાણે ગમ બની જાય. જ્યોત ખરેખર બળે છે, દાઝે છે છતા જલતી શમામાં બળ્યા કરવું એ જ એની મજા છે.

એટલા  માટે  જરૂરત  જોઉં  છું  મદિરા તણી ; બેખુદી  સૌ  ભેદના પરદા ઊઠાવી જાય છે.

આ શેરમાં ગઝલકારે મદિરા પીવાથી શું કામ છે?’ એમ જો કોઇ પૂછે તો એને માટે એક બહુ મજાનો તર્ક આપ્યો છે. તેઓ કહે છે કે માણસ મદિરા પીએ અને બેભાન થઇ જાય પછી તે અંગતમાં અંગત વાત પણ બોલી નાખે છે. જીવન આગળ દંભનો પડદો રહેતો નથી. અંદરથી જુદો અને બહારથી જુદો એવો ભેદ મટી જાય છે. સાચો માણસ એ છે કે જે પારદર્શક હોય.

રોકવા  ચાહું  છુ  તોયે  શ્વાસ  રોકાતો  નથી ; કાફલો  પોતે  જ  મંઝીલને વટાવી  જાય છે.

આપણે એમ માનીએ છીએ કે શ્વાસની કે જીવનની મંઝીલ મૃત્યુ  છે પણ ગઝલકાર અહીં જીવનનું એક ઉંડું દર્શન રજુ કરે છે. જેવી રીતના વાયુ એક જગ્યાએથી સુંગધ લઇને બીજી જાગ્યાએ જાય છે તેમ આ જીવાત્મા પણ પોતાનું મન લઇને બીજા શરીરમાં જાય છે. આમ મૃત્યુ પછી પણ જીવન છે, દેહ ભલે એને રોકે પણ શ્વાસનો કાફલો તો મૃત્યુને ઓળંગીને નવા જીવનની યાત્રાએ આગળ ચાલી નીકળે છે.

ઊંડું જીવન દર્શન, ગહન વિચારની સાદગીપૂર્ણ રજુઆત, તર્કયુક્ત વિધાનો, દૃષ્ટાંત સાથે સમર્થન, માર્મિક અભિવ્યક્તિ, અલગ અને ચોટદાર બયાન એ શૂન્ય પાલનપુરીની ગઝલના તરી આવતા લક્ષણો છે પણ એની ગઝલનું ગોત્ર કે મૂળ તો વેદના છે તેઓ લખે છે,

દિલની સૂતી વેદના જાગી  ઉઠે છે એ જ ક્ષણ, 

કોઇ જ્યારે  શૂન્યની ગઝલો  સુણાવી જાય છે.

4 Responses

  1. Varij Luhar says:

    ગઝલ અને આસ્વાદ બન્ને ખૂબ સરસ.. બન્ને કવિઓની દિવ્ય ચેતનાને વંદન

  2. ઉમદા શાયર ની ઉમદા રચના અને અેટલોજ સરસ આસ્વાદ વંદન

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    શૂન્યની પૂર્ણ સમૃદ્ધ ગઝલનો આસ્વાદલેખ પણ ઉત્તમ.

  4. ઉમેશ જોષી says:

    ગઝલ ખૂબજ સરસ છે.
    આસ્વાદ પણ ઉત્તમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: