જિજ્ઞા ત્રિવેદી – લઇ નમક Jigna Trivedi

લઇ નમક જેવા સ્મરણ અડશો નહીં,
ઝખ્મ છે તાજા અરે ખણશો નહીં.
આગમાં હોમાય છે ઘી એ રીતે,
સ્વપ્ન હોમે કોઈ તો બળશો નહીં.
આમ જો સંતાઇ જાશો જાતથી,
તો પછી ખુદનેય તે જડશો નહીં.
છે બહારોએ દીધાં સોગંધ કે –
તાજગીના પર્ણ છો, ખરશો નહીં.
કોઈ આવીને સતત હોવાપણું –
ઘૂમરાવે તોય ખળભળશો નહીં.
જાળવી બેલેન્સ થોડું ના શકો,
એટલા ઊંચે કદી ચડશો નહીં.
સૂર્યએ નોટિસ કાઢીને કહ્યું –
કે સમય પ્હેલા કદી ઢળશો નહીં.
ઝૂકવાનો અર્થ ના સમજી શકે,
એમની સામે કદી નમશો નહીં.
~ જિજ્ઞા ત્રિવેદી
ત્રીજા અને ચોથા શેરમાં આત્મવિશ્વાસ જાળવવાની વાત સરસ રીતે આવી છે. પાંચમો અને સાતમો શેર એ જ વાતને દૃઢાવે છે. સરસ ગઝલ
સુંદર ગઝલ. 👌🏻
ઝુકવાનો આર્થ ના સમજી શકે….. વાહ
સૂર્યની નૉટિસની વાતમાં દમ છે. ગઝલનો અંદાજ પોતીકો લાગ્યો.અભિનંદન.
જિજ્ઞાબેન ત્રિવેદીની રોચક ગઝલ છે.
અભિનંદન.
સરસ મજાની રચના બધા શેર ખુબ ગમ્યા અભિનંદન
ખૂબ ધારદાર ગઝલ
સકારાત્મક અભિગમ બતાવતા બધાજ શેર ગમ્યા.