અગન રાજ્યગુરુ ~ બે ગઝલ

છે આગવું જીવન ને અફસોસ આગવા છે.

હર સ્મિતમાં રુદન છે, હર આંખમાં વ્યથા છે.

માથે છે આભ ને આ કદમો તળે ધરા છે,

જીવવાનું તોયે એવું જાણે મજા મજા છે!

લંબાય છે આ રસ્તો પગલાંની સાથે સાથે;

જોવામાં એમ લાગે મંઝિલ બે હાથ-વા છે.

જોયું ભીતર તો ઘરનાં ચારે ખૂણા છે સરખા;

ને બારણે લખેલું શુભ-લાભ-શ્રીસવા છે.

એવું નથી કોઈ જે આવીને હાથ ઝાલે;

પડતા હો તો નિહાળે એવાં ઘણાં બધા છે!

જૂનાં થશે પછી તો આદત બનાવી લઈશું;

તકલીફ છે કે હમણાં ઝખ્મો નવાં-નવાં છે!

વિચારશો અગનતો અર્થો અપાર મળશે;

ખાલી ગઝલ નથી આ પીડાના તરજુમા છે!

 ~ ‘અગન’ રાજ્યગુરુ

પ્રથમ શેરની પીડા બીજા જ શેરમાં પોઝિટીવીટીના પ્રાણ રેડે છે. પગલાંની સાથે સાથે રસ્તો લંબાવાની વાત મજાની પણ ‘મંઝિલ બે હાથ-વા’માં ‘હાથ-વા’ શબ્દ પ્રાસ તો પેટાવે છે અને એક નવીન આભા રેડે છે.  

‘જૂનાં થશે પછી તો….’ શેર ખૂબ ગમ્યો.  

******

એવી જ ખૂબ મજાની બીજી ગઝલ

એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.

સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.

એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા

હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.

આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં

ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?

આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.

ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.

~ ‘અગન’ રાજ્યગુરુ

10 Responses

 1. નવાનવા કવિ મિત્રો ના કાવ્યો ને કાવ્યવિશ્ર્વ મા સ્થાન મળે છે તે આનંદ ની વાત છે કવિ શ્રી ની બન્ને રચના ઓ ખુબ માણવા લાયક

 2. Varij Luhar says:

  મજા મજા છે… વાહ..’ અગન ‘ રાજ્યગુરુ

 3. રેખાબેન ભટ્ટ says:

  અગન રાજગુરુની ગઝલ ખૂબ ગમી જાય એવી… ઘાવ હજુ નવા છે… વાહ… 💐💐💐

 4. ઉમેશ જોષી says:

  અગન રાજયગુરુની બન્ને ગઝલને વધાવું છું.

 5. હરીશ દાસાણી.મુંબઈ says:

  બંને ગઝલોમાં પ્રવાહિતા,શેરીયત અને વિવિધ અભિવ્યકિત મુદ્રાઓ ગમે તેવી છે.

 6. ખૂબ સરસ, ગઝલો.

 7. Minal Oza says:

  સૌ મિત્રોએ કહ્યું એમ બંને ગઝલ આગવો મિજાજ ધરાવે છે.

 8. રિયાઝ લાંગડા (મહુવા) says:

  ખૂબ સરસ…👌👌

 9. અગન રાજ્યગુરુ says:

  શ્રી લતાબેન અને સૌ મિત્રો,વડીલોનો આભાર🙏

 10. kishor Barot says:

  અગન રાજ્યગુરૂની ગઝલ અભિવ્યક્તિ ઉજળી આશા જન્માવે છે.
  શુભકામનાઓ. 🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: