અમૃત ઘાયલ ~ ઇશારોય કેવો Amrut Ghayal

ઇશારોય કેવો મભમ થઈ ગયો છે
અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે.

દુભવવું એ દુનિયાનો ક્રમ થઈ ગયો છે
તડપવું એ દિલનો નિયમ થઈ ગયો છે.

ફરી દિલનો ઘેરો જખમ થઈ ગયો છે
ચલિત પ્રેમ સાબિત કદમ થઈ ગયો છે.

હવે ગમ હકીકતમાં ગમ થઈ ગયો છે
સુગમ કોયડો બહુ વિષમ થઈ ગયો છે.

જખમ ખુદ જખમનો મલમ થઈ ગયો છે
ઘણીવાર એવોય ભ્રમ થઈ ગયો છે.

અમે એક ફાટેલ પ્યાલો પીધો ‘તો
નવાઈ છે એ પણ હજમ થઈ ગયો છે.

અમારા જ હાથે, અમારા જ માથે
ઘણીવાર ભારે સિતમ થઈ ગયો છે.

જુવાનીના સોગન, જુવાનીના મદમાં
જુવાની ઉપર પણ જુલમ થઈ ગયો છે.

ઘણીવાર વેરણ દયા થઈ ગઈ છે
ઘણીવાર વેરી ધરમ થઈ ગયો છે.

નથી આંખમાં છાંટ સુદ્ધાં શરમની
જમાનોય શો બેશરમ થઈ ગયો છે.  

નહીં ચાલવા દે એ અંધેર આવું |
નવાં માનવીનો જનમ થઈ ગયો છે.

ન હો કેમ દર્દીલી ‘ઘાયલ’ની ગઝલો
દરદમાં જ પાગલ ખતમ થઈ ગયો છે.

 ~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: