વ્રજલાલ દવે ~ કોણ માને

કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે?

જળને તરસ્યું લાગે…  

આભની પાંખે ઊડતા ગાઢા મેઘને લાગ્યો ભાર;

તારક, સૂરજ-ચંદરે એના કોઈ મળ્યા ના તાર;

ધરતીના કણ કણને પીવા કારમી ઝંખના જાગે

જળને તરસ્યું લાગે…..

કોકનો ખોબો, ગગરી ઘડો આવતાં લાગે વાર;

વાવકૂવાનાં થાનક સૂનાં કંપતાં પી અંધાર;

કંઠને જળમાં શોષ એવો કે ઠરવાનું ઠામ માગે

જળને તરસ્યું લાગે…..

પ્રથમીને પટ મૌનને ખોળે સર હેલારે જાય;

તટ પહોંચી તરણાં ને તોય પરશ લીલા પાય;

ભોંયમાં પેસે તોય ઊંડેરાં મૂળિયાંની પ્રીત માગે,

જળને તરસ્યું લાગે……

નદીયું હો કે સાગર પોતે ભીંજી, ભીંજાવી રહેવું;

ખારપ, મીઠપ બેય સવાદી રાતદી વહેતાં રહેવું;

થાન બન્યાં જે માતનાં એની વહાલપને કોણ તાગે?

જળને તરસ્યું લાગે…..

~ વ્રજલાલ દવે (26.1.1923 – 18.7.1994)

‘જળને તરસ્યું લાગે’ કલ્પન જ ભીંજવી દે એવું છે.

*****

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
સમંદરની માયા ગગનને રસે છે !

ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !

અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?
ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે !

હવાની લીલાને તો પર્ણો હીંચોળે,
પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે.

ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.

સીધા નિર્ઝરોમાંય છલતી જવાની,
જાણું : નદીનાં જલો ક્યાં ધસે છે ?

મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
અમારાંય હૈયાં ગગનને રસે છે !

~ વ્રજલાલ દવે

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના.

12 Responses

  1. કવિ શ્રી ની બન્ને રચના ખુબજ સરસ અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    સ્મરણ વંદના.

  3. સરસ કાવ્યો

  4. વાહ!! ખુબ સરસ

  5. ખૂબ સરસ

  6. સ્મરણ વંદના

  7. સરસ મજાની રચના

  8. હરીશ દાસાણી.મુંબઈ says:

    કેટલી અપૂર્વ વાત છે!હવાની લીલાને પર્ણ હિંચોળે છે!

  9. Minal Oza says:

    કવિના બંને કાવ્યો સરસ છે. જળનું કલ્પન દ્વારા કવિ પોતાનું કામ સારી રીતે પાર પાડે છે. અભિનંદન.

  10. સરસ કાવ્યો

  11. વાહ ખુબ ગમ્યા

  12. સ્મૃતિવંદના.

Leave a Reply to હરીશ દાસાણી.મુંબઈ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: