આસ્વાદ – ઉમાશંકર જોશી : રમણીક અગ્રાવત  Umashankar Joshi Ramnik Agravat

ભોમિયા વિના ~ ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી….

~ ઉમાશંકર જોશી

(ગંગોત્રી)

ભમવું ભવોભવ ભોમિયા વિના ~ રમણીક અગ્રાવત

‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ આ પંક્તિ ગુજરાતી ભાષામાં કવિ ઉમાશંકર જોશીની સહી જેવી બની ચૂકી છે. શહેરો હજી ઊઘડતાં જતાં હતાં, એક આખી પેઢીએ ગામડાઓમાંથી શહેરો ભણી દોટ મૂકી હતી. ગાંધીજી આ કટોકટીને વાંચી લેનાર પ્રથમ હતા. ગામને, ગામવાસીને, છેવાડાના જણને ધ્યાનમાં રાખવા તેમણે ભારપૂર્વક કહ્યું. જાણે ગાંધીની જ વાણી બોલતા હોય એમ એ સમયના કવિઓ લેખકો લખવા માંડ્યા. કોશિયાને સમજાઈ જાય તેમ ગાવાનું હતું. ત્યારે ઉમાશંકર કેમ બાકાત રહી શકે આમાંથી? નરવો કવિ સમૂહમાં રહીને પણ પોતાના અવાજની નરવાઈ દેખાડી જ દે છે. નરવા અવાજની ખૂબી જ એ છે કે તે સમયની આરપાર બજતો રહી શકે છે. ‘ભોમિયા વિના ભમવાની’ જિકર જાણે એક એક ગુજરાતીને મુખેથી ગવાવા લાગી.

ભોમિયા વિના શું શું કરી શકાય, શું શું કરી જોવું જોઈએ તેની યાદી આપીને સુખેથી બેસી જવું એ કવિનું કામ નથી. ભલે કોઈ રદ્દી કાગળની ચબરખી પર એ યાદી મંડાઈ હોય, પરંતુ તે જે શબ્દમાં લખાઈ છે તેમાં ભળેલી સંવેદનની દ્દઢતા એને બુલંદ બનાવે છે. જંગલની કુંજ કુંજ, જંગલનાં કોતરો અને કંદરાંઓ જોઈ લેવાની છે જ. તે પણ કોઈ રોતાં ઝરણાંની આંખ લૂછી લેવાની ધીરજ સાથે. કશા રઘવાટને અવકાશ નથી. ઉતાવળો, તમારે જ્યાં જવું હોય ત્યાં જવાની તમને છૂટ છે. અહીં તો સંવેદન પોતાની ચાલે જ ચાલશે. પોતાની ગતિને જ અનુસરશે. સૂના સરોવરની પાળે ઊભા રહીને અવકાશગમન કરતાં પંખીઓની હારોની હારો આ આંખોમાં ઊડશે. કોઈ કોકિલાને માળેથી વહેતાં સ્વરના વેદનને હૃદયની ઊંડામાં ઊંડી ગુહામાં જાળવી લેવાનું આ મુહૂર્ત!

એકલા અનંત આકાશ તળે સાવ એકલા ઊભા રહેવું એ સાવ સહેલી વાત નથી. ‘ઊભું રહેવું’ તે જ મોટી વાત છે. આકાશ આમ ભલે પંખીબોલ અને પવનસ્વરોથી ભર્યું ભર્યું હોય. એ આકાશમાં ભારોભાર મૌન પણ તોળાયેલું હોય છે. એ મૌનને ઝીલી લેવું એ જેવીતેવી વાત નથી. એની સામે હ્રદયમાંથી ઊઠતો સ્પંદ પણ ઘડીભર તો નંદવાઈ જતો લાગે. કશીક અદીઠી ધાકથી સ્તબ્ધ થઈ જવાય તેવો પૂરો સંભવ છે. ‘ઉરબોલ’ને નાણવા જઈએ તો આમ થવું બિલકુલ સંભવ છે. પોતાનો જ શબ્દ વેરાઈ જતો લાગે. પોતાના પગ પર ઊભું રહેવું પણ અસહ્ય થઈ પડે જો એક શબ્દનો ખરો રણકાર આરપાર ઊતરી જાય.

માત્ર કશીક અનોખી રઢ ખાતર ભોમિયા વિના ડુંગરો ભમવાનું આ હોંશીલું ઉદ્બોધન નથી. ફરી ફરી એની એ જ કુંજોને, કોતરોને, કંદરાઓને ખૂંદવાનો દ્દઢ નિર્ધાર હૃદયનાં ઊંડાણમાંથી આવી ચઢે છે. એ કશો ઓઢી લીધેલો ભાવ નથી. ભોમિયાઓને પણ અટવાવી દે એવી સ્થિતિ છો ને હોય. કોઈ આંખને લ્હોવાની જો પાતળી તો પાતળી શક્યતા પણ જો સાચી ઠરવાની હોય તો ફરી ફરી નીકળી પડવાનો નિર્ધાર ગીતનાં જોશીલા ઉપાડ જેમ દોહરાવાશે જ!

OP 21.7.23

7 Responses

  1. ખુબ જાણીતી રચના ભોમિયા વિના…. ખુબ સરસ આસ્વાદ

  2. Minal Oza says:

    આ ગીતનાં સ્વરાંકન પણ થયાં.. ગવાયાં.. એટલી સૌને પ્રિય એવી રચના. કવિતાનો આસ્વાદ પણ સરસ.

  3. આ ગીત ખૂબ જ હૈયાવગું છે, છેક શાળાના સમયથી. આનંદ.

  4. ઉમાશંકર જોશી આપણા ખુબજ પ્રતિષ્ઠિત કવિ છે તેમની રચનાઓ ખુબ માણવા લાયક હોય છે

  5. દરરોજ શાળા મા ગવાતુ ગીત

  6. Jayshree Patel says:

    ખૂબ સરસ

  7. Bhupendra Sheth says:

    Pleasure to read..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: