ઉદયન ઠક્કર ~ કુટુંબ * Udayan Thakkar

મને થયું લાવ દીકરીને શીખવુંઃ

કુટુંબ એટલે શું?

હું માંડ્યો પૂછવા, ‘તારું નામ શું?”

‘ઋચા…. ઠક્કર’

બકી કોણ કરે?”

મમ્મી…. ઠક્કર’

‘પાવલો પા કોણ કરે?’

પપ્પા…. ઠક્કર’

ત્યાં તો સાઇકલ ૫૨ કપડાંની ગઠરી મૂકી

ટ્રીન… ટ્રીન… કરતું કોઈ આવ્યું

દીકરીનો ચહેરો થયો ઊજળો!

ધોબી… ઠક્ક૨!”

ચોખાના દાણાથી હાઉસફૂલ થઈ જાય એવું પંખી

હવામાં હીંચકા લેતું હતું

દીકરીએ કિલકાર કર્યો

‘ચક્કી… ઠક્કર!’

લો ત્યારે

દીકરી તો શીખી ગઈ

હું હજી શીખું છું

~ ઉદયન ઠક્કર

એકદમ સરળ અને માર્મિક કાવ્ય. કાશ, લોકો આટલું શીખી લેતા હોત ! આ ઝઘડા, ટંટા ન રહેત…

**

કવિ ઉદયન ઠક્કર એમના કાવ્યસંગ્રહ ‘રાવણ હથ્થો’માં લખે છે, ‘હું નાનો માણસ છું, કવિતાએ મને મોટો કર્યો છે. હું ભોંય પર ચાલું છું પણ કવિતાએ મને પાંખો આપી છે.

ભોંય પર ચાલનારા માણસની પાંખો સુધી પહોંચવાની સફર આમાં પહેલેથી છેલ્લે સુધી અનુભવાય. અલબત્ત કવિની આ પહેલી સફર નથી જ પણ રસ્તો આ જ હોઈ શકે.

સાત ખંડમાં વિસ્તરતી જતી આ સફર ભાવકને યુગયાત્રા સમી ભાસે ! મહાભારત અને રામાયણના પૌરાણિક કાળથી શરૂ થાય તે….  આપણાં પ્રાચીન પાત્રો અને વિશ્વના પૌરાણિક પાત્રોને સાંકળતી રહેતી આ સફર અંતે આજની કવિતાના અંકમાં વિરામ લે છે. ધર્મયુદ્ધનું કાવ્યસૌંદર્ય આધુનિક દુહા સોરઠા સુધી લંબાય અને જાણે અનેક યુગમાં વિહરી આવ્યાનો આનંદ સાંપડે.

આ સંગ્રહમાં મોટાભાગે છંદોબદ્ધ કાવ્યો છે; અનુષ્ટુપ, મિશ્રોપજાતિ, સ્રગ્ધરા, ગુલબંકી, વસંતતિલકા, વનવેલી, મનહર વગેરે….  અનેક કાવ્યોમાં અંતે ક્યાંક ‘ઉપસંહાર’ દર્શાવીને તો ક્યાંક દર્શાવ્યા વગર પણ કવિએ જે વિદ્યુત ચમકારા મૂક્યા છે એ મનમાં નોંધાયા વગર ન રહે…

જેમ કે “બખોલમાંથી ડોકાઈને સસલી પૂછે, ‘સ્થૂણાકર્ણને પાછું મળશે પુરુષત્વ ?’ સસલો ખોંખારીને કહે, ‘પાછું મળી ગયું પુરુષત્વ તો, પ્રત્યંચાના પહેલા જ ટંકારે.” 

કે પછી ‘ સીતા, / તું ડરીશ નહીં / આ રામરાજય નથી / આ કાંઠેથી /રાજ્યસત્તા સમાપ્ત / કવિસત્તા શરૂ / તારું જ ઘર છે આ / વસવું હોય ત્યાં સુધી વસ, સુખેથી / અહીં / મારા કાવ્યમાં.

પ્રાચીન યુગના પ્રથમ ભાગ પછી બીજો ભાગ સીધો લઈ જાય છે વર્તમાન અને અછાંદસમાં. કુટુંબ, ફેન્સીડ્રેસ, કાપલી અને આવાં અનેક કાવ્યો… તિરછી વાણીમાં લગભગ દરેક કાવ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે કટાક્ષ કરવાનું કવિ ચુકતા નથી. ‘વળાંક’માં એ હાસ્ય પ્રેરે છે તો ‘કાપલી’માં કરુણતા. ‘અય ચંચલનયને’ કે ‘મોજાં ભૂલતા નથી’ અંત સુધીમાં ગંભીર બનાવી દે છે. ‘ઘેર પહોંચવું સહેલું ક્યાં છે ?’માં ટામેટું ટામેટું રમતાં રમતાં જ કવિ અચાનક ભાવકને ચિંતન તરફ વાળી દે છે.      

આ સંગ્રહમાં સંપૂર્ણ ગદ્યકાવ્યો પણ મળે છે. જેમ કે ‘મારા જીવનમાં આવેલી સ્ત્રીઓ’, ‘વારતા’, ‘જેરુસલામ’, ‘ઝેરોક્સ સાહિત્ય’, ‘માટે જ તો જીવતો છું’…..

કવિને અનેકાનેક અભિનંદન

**

9 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ ઉદયન ઠક્કરની અભિવ્યક્તિ..
    અભિનંદન.

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    ઉદયન ઠક્કરની કવિતાઓ નિત નવા સાજ સજીને આવતી હોય છે. આ કવિ સતત વિકાસશીલ રહે છે. કાવ્ય વિષયોની વિવિધતા અને રજૂઆતની હળવાશ ભરેલી છતાં બળવાન કલા તેમની કવિતાઓને સ્મરણીય બનાવે છે.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    કુટુંબ વ્યવ્સ્થા જ્યારે ભાંગી રહી છે ત્યારે શ્રી ઉદયન ઠક્કરની આ કવિતા હદયને સ્પર્શી જાય છે અને વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યા ચરિતાર્થ કરી જાય છે…લતાબેન સુંદર કવિતાનું ચયન કરવા માટે આપનો પણ આભાર..!

  4. Renuka Dave says:

    વાહ… વાહ… વસુધૈવ કુટુંબ ની ભાવનાને કેટલી સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી..!!
    મજા આવી ગઈ.
    કવિશ્રી ને અને કાવ્યવિશ્વને અભિનંદન…. આભાર 🙏

  5. Varij Luhar says:

    ‘ ‘રાવણ હથ્થો ‘નુ઼ં સ્વાગત.. કવિશ્રીને અભિનંદન શુભકામનાઓ 💐

  6. વાહ સરસ મજાની રચના રાવણહથ્થો નુ સ્વાગત

  7. કવિ ઉદયન ઠક્કરને મેં ખાસ વાંચ્યા નથી, તમારો આસ્વાદીક લેખ વાંચી જરુરથી વાંયવા પડશે.

Leave a Reply to Varij Luhar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: