ઇલિયાસ શેખ ~ એક દિ એકાદ ક્ષણ

એક દિ એકાદ ક્ષણ જળ સપાટી જો ઘટે,
કોતરી રાખું ફરી નામ તારું પનઘટે.
દોષ નાહક ઢોળ મા, તું વરસતા મેઘ પર,
ઓઢણી પલળી હશે પ્રેમભીની વાછટે.
મોગરો અકસીર છે હરદર્દના ઉપચારમાં,
કોઈ સુંઘે તો મટે, કોઈ બાંધે તો મટે.
‘ચાંદ સરખાં છો તમે’ એ બધાં કલ્પન ગયાં,
તું નવા કલ્પન મુજબ ‘જલપરી સાગર તટે’.
હું ય ખિસ્સામાં ભરું એક મુઠ્ઠી તેજને,
આંખ સામે ઝૂલતી આ ખજૂરી જો હટે.
~ ઇલિયાસ શેખ
મોગરાની સુગંધ જેવો બંધ – ‘કોઈ બાંધે તો મટે’
અને ‘આંખ સામે ઝૂલતી ખજુરી’ની અર્થછાયાઓ પકડવામાં રંગત છે !
સાદ્યંત સુંદર ગઝલ. દરેક શેર ભાવ અને અર્થ માધુર્યથી છલકતો છે. મુગ્ધ કરી દે એવી રમણીય રચનારીતિ.
ખૂબ સરસ ભાવવિષ્વ ગઝલમાં માણવા મળ્યું.
વાહ સકળ શેરની સુઘડતા મનને સ્પર્શી જાય છે.
અભિનંદન..
એક મુઠી તેજ… વાહ
ખુબ સરસ મજાની ગઝલ ખુબ અભિનંદન
‘જૂનુ કલ્પન છોડી નવા કલ્પનની વાત ગઝલકારે મજાની કરી છે.
અભિનંદન. (મીનળ ઑઝા)
છેલ્લો શેર ખૂબ જ સરસ રેખાચિત્ર ઊભું કરે છે. આખી ગઝલ આમ તો સચિત્ર જ છે. સુંદર.
વાહ એક સુંદર નવી કલ્પના ઉડાન વાળી ગઝલ ,પનઘટ પર નામ કોતરવાની વાત નવી…આખી ગઝલ સરસ
આભાર લતાબેન