લતા હિરાણી ~ ઊગતી પરોઢમાં * Lata Hirani

ઊગતી પરોઢમાં કિરણોના દીવા લઈ આવીને કોણ ઊભું બારણે !
ઝરમરતી વાત ને ફરફરતી જાત થઈ સરસરતી લ્હેર કોને કારણે ?
આવીને કોણ ઊભું બારણે ?

આંખોમાં અટવાતા અંધારા આટોપી ખોલી દે અબરખ અટારીઓ
ઝાકળને ઝોળીમાં ઝાડ પર ઝુલાવે એ ટશરોની ખોલે પટારીઓ
હળું હળું ખીલતી ને ખુલતી સુગંધોને હળવે હીંચોળે છે પારણે
આવીને કોણ ઊભું બારણે ?

આખુંયે આભ વહે વાદળના ગાભ મહીં, કલરવની કરતું ઉજાણીઓ
સરવરમાં સળવળતા સોનેરી અસબાબે, અવતારી અણદીઠ સરવાણીઓ
કોળેલાં તરણાં ને ઝરણાંના કંઠમાં ગૂંજન છે અનહદને આંગણે
આવીને કોણ ઊભું બારણે ?

~ લતા હિરાણી (17.4.2022) 

પ્રકાશિત > શબ્દસર > 11-2022  

આ ગીતમાં સચવાયેલો લયહિલ્લોળ, પ્રાસની સાહજિકતા ને ગીતમાં પમાતી તાજગી લતાબહેનને વધુ ગીત લખવા પ્રેરશે એટલી આકાંક્ષા સેવવાનો ભાવક તરીકેનો મારો અધિકાર હું જતો નહીં કરું. ખૂબાખૂબ ધન્યવાદ અને શુભકામનાઓ. ~ કવિ મનોહર ત્રિવેદી

આખેઆખું સંઘેડાઉતાર ગીત છે. ગીત શબ્દની તમામ સંજ્ઞાઓ અને અર્થમાં એક ઉત્તમ ગીત બનીને બહાર આવે છે.આમાં મને એક શબ્દ પણ વધારાનો કે ઓછો લાગતો નથી અને કોઈ શબ્દ આધોપાછો કરવાની જરૂર પણ લાગતી નથી.વહેતી લાગણીઓ કે ધોધમાર વરસતી ઊર્મિઓનું આ એક છટાદાર ગીત છે. આપને આવું સુંદર,ચુસ્ત,લયાન્વિત અને ઉત્સાહભર્યુ થનગનતું ગીત રચવા બદલ હાર્દિક અભિનંદન ધટે છે. પરંપરામાં ઓગળતું નાવિન્ય એક જુદો જ તાજગીસભર અનુભવ કરાવે છે.લતાજી,બ્રેવો ! – કવિ પ્રફુલ્લ પંડ્યા

17 Responses

  1. ખુબ સરસ ગીત વર્ણાનુપ્રાસ અલંકાર નો સુંદર પ્રયોગ કાવ્ય માણવુ ગમે તેવુ ગીત અભિનંદન

  2. સરસ ગીતરચના

  3. ખૂબ જ સુંદર ગીત છે, સવારની તાજગીનો અનુંભવ થયો.

  4. ઉમેશ જોષી says:

    સ…રસ રચના છે.
    લતાબહેનને અભિનંદન.

  5. ખૂબ જ સુંદર અને ભાવવાહી ગીત છે લતાબેન.

  6. Varij Luhar says:

    કિરણોના દીવા લઈ… વાહ વાહ.. ખૂબ સરસ ગીત

  7. Varij Luhar says:

    કિરણોના દીવા લઈ… વાહ વાહ.. ખૂબ સરસ ગીત

  8. પ્રીતિ ભાર્ગવ says:

    ખળખળ વહી જતાં ઝરણા જેવું તાજગી ભર્યું રણઝણતું ગીત, એમાં અર્થ સભર શબ્દોની સરવાણી, લયબદ્ધ ઊર્મિઓ નું સંકલન સુંદર ને સહજ રચના ખૂબ ગમી આપને ખૂબ ખૂબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: