શ્રી રમેશ તન્નાના પુસ્તક ‘સમાજની શ્રદ્ધા’માં ‘કાવ્યવિશ્વ’ અંગે





ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. તેમની સર્જકતા અને શબ્દ પ્રતિબદ્ધતાએ સાતત્ય સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ભાષા-સાહિત્યનું સાર્થક કામ સજ્જતાની સાથે સાથે નિસબત અને ધીરજથી કરવું પડતું હોય છે. લતાબહેન એ સુપેરે જાણે છે અને તેમણે શબદને નિરાંતે સેવ્યો છે. તેમણે હમણાં એક સુંદર, આજના સમયકાળને અનુરૂપ ઉપક્રમ રચ્યો છે. નવમી ઓક્ટોબર 2020ના રોજ તેમણે ‘કાવ્યવિશ્વ’ નામની નૂતન વેબસાઈટનો પ્રારંભ કર્યો છે.
કવિતા સાથેના પોતાના સંબંધને તેઓ આ રીતે વ્યક્ત કરે છેઃ
મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપ
જામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !
હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર
રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર.
કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ ક્યાંય, કાવ્ય તો શું, સાહિત્ય સાથેય નિસ્બત ન હોય એવા વાતાવરણમાં જન્મ્યા ને જીવતા હોઈએ એવામાં કવિતાને ઝંખ્યા કરવું, એ અંદર ઊંડે દટાયેલા બીજ હશે, સમય આવતા જેના અંકુર ફૂટી નીકળ્યાં! સમજણ આવી ત્યારથી કવિતા પ્રિય છે. કવિતા સાથેની દોસ્તી શ્વાસના પ્રવાસને નર્યા આનંદથી ભરી દે છે. મારા આ પ્રવાસમાં સંગાથ પણ એવો જ હૂંફાળો ! દિવસે ઝાંખરાંથી બચાવે ને રાતે દીવો ધરે. સતત મારી સંભાળ લીધા કરે – મારા પોતાનો પરિવાર, પતિ-સંતાનો અને મિત્રો, હંમેશા સૌનો સાથ-સહકાર હું પામી છું. એક જાહેર મુલાકાતમાં મેં કહ્યું હતું કે ‘ઈશ્વરની મારા ઉપર વિશેષ કૃપા રહી છે. મારે કોઈ સંઘર્ષ નથી કરવો પડ્યો. મને લગભગ બધું જ ઇચ્છ્યા પ્રમાણે વહેલું-મોડું પણ મળ્યું છે. I am a blessed lady ! એમાં જ લો, આ ‘કાવ્યવિશ્વ’ મારી સામે ઉઘડી આવ્યું. હવે એ યાત્રા શરૂ થાય છે.
લતાબહેન જ્યારે પોરબંદર આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજમાં ભણતાં હતાં ત્યારે તેમના પ્રોફેસર અરવિંદ પટેલે તેમને કોલેજના સામયિક માટે લેખ લખવા કહ્યું. તેમણે લેખની સાથે કવિતા પણ આપી. સોળ વર્ષની મુગ્ધ વયે પહેલી કવિતા હિંદીમાં લખાઈ હતી ! એને ઈનામ પણ મળ્યું.
લતાબહેને લગ્ન પછી પૂરા અઢી દાયકાનો વિરામ લીધો. 1998માં પુનઃ શબ્દયાત્રા થઈ જે 22 વર્ષથી સાતત્ય સાથે ચાલી રહી છે.
લતાબહેનને ગૃહિણીની ભૂમિકામાંથી જરાક મોકળાશ મળી અને બહાર ડોકિયું કર્યું ત્યારે ‘કાંઇક કરવું છે’ એટલું જ મનમાં રમતું હતું. તેમણે તો જ્યાં રસ્તો દેખાયો ત્યાં ચાલવા માંડ્યું. શરૂઆતનાં પુસ્તકો ગદ્યમાં જ થયાં. 2000માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ ત્રણ એવોર્ડથી પુરસ્કૃત થયું. ડો. કિરણ બેદી વિશેનું પુસ્તક ‘સ્વયંસિદ્ધા’ ખુદ કિરણ બેદીજીએ વધાવ્યું. ‘ધનકીનો નિર્ધાર’ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયું. બાળવાર્તાઓનાં ચાર પુસ્તકો અને બે કાવ્યસંગ્રહો થયા, ‘ઝળઝળિયાં’ અને ‘ઝરમર’. બાવીસ વર્ષની સાહિત્યયાત્રાના પડાવે, પ્રકાશિત પુસ્તકોની સંખ્યા બાવીસ થઈ છે અને ત્રણ પુસ્તકો પ્રકાશિત થવાનાં છે.
જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરમાં 2007માં લઘુકથાની કૉલમથી નિયમિત લખવાનું શરૂ કર્યું હતું. 2011થી તેમને ‘કાવ્યસેતુ’ કૉલમમાં કાવ્યના આસ્વાદો લખવાની તક મળી, જે જૂન 2021 સુધી ચાલી. ગદ્યમાં સારું એવું કામ કર્યા પછીયે તેમનું મૂળ જોડાણ કાવ્ય સાથે રહ્યું છે કેમ કે તેઓ કહે છે કે કવિતાએ જે આનંદ આપ્યો છે એ કંઈક અલગ જ છે. એટલે તેમના મનમાં જાગ્યું કે આ ક્ષેત્રમાં કંઈક કરવું છે અને તેમાંથી જન્મી કાવ્યવિશ્વ વેબસાઈટ.
કવિતા ક્ષેત્રે શું કરવું એના અનેક વિકલ્પોને અંતે આ કોરોના અવકાશે લતાબહેનની દિશા સ્પષ્ટ થઈ. નેટજગતની અનેક મુલાકાતો પછી, કાવ્ય સંબંધિત તમામ બાબતો આવરી લેવાઈ હોય એવી ગુજરાતી વેબસાઇટ તેમને મળી નહીં. તેઓ કહે છે કે સંસ્થાઓની વેબસાઇટમાં કવિઓનો પરિચય, એમના પુસ્તકો વગેરે માહિતી મળે પણ એમાં એમનાં કાવ્યોનો સમાવેશ ન હોય. એને અપડેટ કરવાની બાબતમાં અત્યંત નિરાંત જોવા મળે. જેમ કે એક જાણીતી વેબસાઇટ પર એક કવિનાં ચાર પુસ્તકો મને મળ્યા. વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે એમના કુલ ચાલીસ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે ! વળી આવી વેબસાઇટ માત્ર સુપ્રસિદ્ધ કવિઓને જ આવરે. આ સિવાય અન્ય જાણીતી વેબસાઇટ પર – ક્યાંક જાણીતા અને નવ્ય કવિઓનાં સરસ કાવ્યો અને આસ્વાદો મળે. ક્યાંક માત્ર અનુવાદિત કવિતાઓ રજૂ થાય. ક્યાંક કવિતા સાથે સંગીત પણ પ્રાપ્ત થાય. કવિઓની પોતાની વેબસાઇટમાં સ્વાભાવિક રીતે, એમની પોતાની જ રચનાઓ હોય. એ સિવાય નેટવિશ્વ અને બ્લોગ જગત કાવ્યોથી છલકાય છે, જેમાં જે તે લોકો પોતાની પસંદગીનાં કાવ્યો પીરસે છે. આમ આ શોધયાત્રાનું સુફળ એ આવ્યું કે મારે જે કરવું હતું એ દિશામાં આગળ જવા માટે મારો ઉત્સાહ વધી ગયો. જેમાં કાવ્ય સંબંધી લગભગ તમામ ગતિવિધીઓનો સમાવેશ હોય એવી વેબસાઇટ બનાવવાની મારી તૈયારી શરૂ થઈ.
લતાબહેન ‘કાવ્યવિશ્વ’ વેબસાઈટને કવિતા વિષયની એક બૃહદ વેબસાઈટ બનાવવા માગે છે. તે થઈ શકશે કારણ કે પારણામાં જ તેનાં લક્ષણો દેખાયાં છે. ખરેખર તેમણે એક ઉત્કૃષ્ટ વેબસાઈટનું સર્જન કર્યું છે.
આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો આ બે વર્ષમાં ‘કાવ્યવિશ્વ’ના viewersની સંખ્યા લગભગ બે લાખ જેટલી થઈ છે. આજ સુધીમાં કુલ 1120 પોસ્ટ મુકાઇ છે. (લખ્યા તારીખ 20.12.2022)
લતાબહેનના આ ડિજિટલ કાર્યની ખૂબ પ્રશંસા થઈ અને નોંધ પણ લેવાઈ. સદા અગ્રેસર ચિત્રલેખામાં તેમના એકાવન ગૌરવવંતા ગુજરાતીઓમાં સ્થાન મળ્યું.
લતાબહેન માત્ર શબ્દસાધક છે એવું પણ નથી. તેઓ સમાજ પ્રતિબદ્ધ વ્યક્તિ છે. સમાજના હિતમાં હોય, કલ્યાણ માટે જરૂરી હોય એવાં અનેકવિધ કાર્યો તેઓ સતત કર્યા જ કરે છે. પેરન્ટિંગની પ્રવૃત્તિમાં તેમણે મોટું પ્રદાન આપ્યું છે. તેઓ શબ્દના સાધક છે એટલાં જ જીવનના સાધક છે.
તેમનો શબ્દ હૃદયમાંથી આવે છે. એ શબ્દ અંજાયેલો નહીં, મંજાયેલો હોય છે. તેમના શબ્દમાં, પછી એ શબ્દ ગદ્યનો હોય કે પદ્યનો, નિસ્બત હોય છે. તેમની સંવેદનશીલતાનો આંતરપ્રવાહ તેમની કૃતિઓમાં ઝળકે છે. સ્વસ્થ સમાજની રચનામાં શબ્દ અને કર્મ દ્વારા યોગદાન આપતાં આ અનોખાં-વિરલ સર્જકને અભિનંદન અને શુભકામનાઓ.
આપ આ વેબસાઇટ kavyavishva.comની મુલાકાત લઈને આપના પ્રતિસાદ લતાબહેનને પહોંચાડશો તો તેઓ રાજી થશે. તેમનો સંપર્ક નંબર 99784 88855 છે.
‘સમાજની શ્રદ્ધા’ પુસ્તકમાંથી. લેખક – રમેશ તન્ના 9824034475)
******
શું શું છે આ વેબસાઈટમાં ?
સંવાદ : સમસામયિક લેખો તથા સંપાદક તરફથી
સેતુ : કાવ્ય અને કાવ્યસર્જન સંબંધિત નોંધપાત્ર બાબતો
કાવ્ય : નિયમિત એક કવિતા નાનકડી નોંધ સહ. સાથે કવિનો ફોટો અને પ્રાપ્ય હોય તો કાવ્યગાયન.
અનુવાદ : ગુજરાતીમાંથી અન્ય ભાષામાં અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદિત કાવ્યો (બંને ભાષાના કાવ્યો સાથે મુકાય છે)
આસ્વાદ : પસંદગીના કાવ્યોના લાંબા આસ્વાદો
સર્જક : કવિઓના પરિચય લેખો, મુલાકાત અને કવિકેફિયત (ફોટા અને વિડીયો સાથે)
સ્વરૂપ : અછાંદસ, છાંદસ તથા અન્ય કાવ્યસ્વરૂપો
સંચય : સુપ્રસિદ્ધ કવિઓના હસ્તાક્ષર, એમના હસ્તાક્ષરમાં એમનું કાવ્ય, સ્મરણીય ફોટાઓ
સંગ્રહ : ‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો અને કાવ્યસંબંધિત પુસ્તકોની નોંધ
સાંપ્રત : કવિઓને મળેલા એવોર્ડ, સન્માન વગેરેની નોંધ (જે મોકલવામાં આવી હોય તે જ)
વિશેષ : કવિઓના જન્મદિવસોએ એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ
સુવિધા : 1. ‘કાવ્યવિશ્વ’માં ‘સૂચિ’ વિભાગ છે જેમાં આપને કવિનામ અને વિષયથી કક્કાવારી પ્રમાણે સળંગ લિસ્ટ મળશે. 2. ‘શોધો’ વિભાગમાં આપ કોઈપણ કવિનું નામ, કવિતાની પંક્તિના શબ્દો, વિષય કે કાવ્યવિશ્વમાં આવેલા કોઈપણ શબ્દને લખશો એટલે એના પર એકત્ર થયેલું તમામ સાહિત્ય આપને એકસાથે મળશે.
‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ સંપૂર્ણપણે નિશુલ્ક અને બિનવ્યવસાયી ધોરણે ચાલે છે.
~ સંપાદક
વાહ, કવિ, સાહિત્યકાર લતાજી વિષેની સરસ માહિતી મળી. એમની નામના કે કામના વખાણવા શબ્દો ઓછા પડે. શુભેચ્છાઓ અને અભિનંદન. નમસ્કાર.
આભાર મેવાડાજી.
આપને અભિનંદન
રમેશ તન્નાજી બહુ સરસ ભાઈ આપની લેખન શૈલીને પ્રણામ
આભાર જયશ્રીબહેન
લતા બેનને ધન્યવાદ અને પ્રણામ
મને નહીં, મારા વંદન સ્વીકારશો.
ખુબ સરસ…. ગમતી સાઈટ છે આ મારી…
આભાર શૈલેષભાઈ.
લતાબેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને અભિનંદન.
आपका होंसला बुलंद हैं। सफलता निश्चित है।
ખૂબ ખૂબ આભાર ભાઈ. આપનું નામ જરૂર લખો એવી અપેક્ષા.
વાહ ખુબ જીણવટ ભરી રજુઆત ખુબ ખુબ અભિનંદન લતાબેન આપની મહેનત લગન ને સલામ
આપનો આભાર છબીલભાઈ.
લતાબેનની આ વેબસાઈટ મને પણ પહેલી વખત જોઈ ત્યારથી જ ગૌરવપૂર્ણ લાગેલ. તેમની જીવનનિષ્ઠા અને કાવ્યપ્રેમની યોગ્ય રીતે રમેશભાઇએ નોંધ લીધી છે. કવિતા સાથે સર્જન કે વાંચન કોઈ પણ રીતે સંકળાયેલ હોય તેને માટે કાવ્યવિશ્વ પોતાના ઘર જેવું વહાલું લાગે છે તે જ કાવ્યવિશ્વ ની સિદ્ધિ છે. લતાબેનને આ ઉત્તમ કાર્ય માટે ભાવપૂર્ણ શુભેચ્છાઓ.
ખૂબ આભાર હરીશભાઈ.