દક્ષા પટેલ ~ પહાડો

પહાડો

કદીક

એકમેકના ખભે હાથ મૂકી

ફોટો પડાવવા

હારબંધ ઊભેલા મિત્રો જેવા

તો કદીક

બાપાના ખભે ચઢી

ફરવા નીકળેલા બાળક જેવા

આ પહાડો લંબાયા છે મારી તરફ.

ટોચે ઝગારા મારતો બરફ

તેને રાજાનો રૂઆબ આપે છે.

અજાણ્યા છોડ સેવક બની

ચરણસમી તળેટીમાં ફૂલો સજાવે છે,

વહેતાં ઝરણાં ને નદીઓની જેમ

મારી નજર તેને બાથમાં લે છે.

તેની પર વેલાઓ જેમ વીંટળાયેલી

અજાણી કેડીઓના અણધાર્યા વળાંકો

આંખોને સતર્ક રાખે છે.

તળેટીમાં વિસ્તરેલી અફાટ વનરાજીની

લીલાશ, ભીનાશ ને મીઠાશ

ભીતરમાં ભરી વહેતો મૂકું છું એક બોલ

પહાડોમાં દડાની જેમ પડઘાતો પડઘાતો

એક અજાણ્યું ફૂલ બની જાય છે.

ને

હું

છેવાડાના પહાડના ખભે હાથ મૂકી

જોડાઈ જાઉં છું તેમની હા૨માં.

~ દક્ષા પટેલ

કાવ્યમાં ચિત્રાત્મકતા અને કલ્પન કાબિલે દાદ છે. અને અંતે પહાડોની હારમાં જાતને જોડી દેવાની વાત અનેક અર્થને પહાડોની જેમ જ વિસ્તારે છે.

8 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    પહાડો સાથે ભાવનાત્મક ઐક્યની કવિતા

  2. ખુબ સરસ કવિતા પહાડો પણ પ્રક્રુતિ અનેપરમેશ્ર્વર નુ અદ્વિતીય સ્વરૂપ છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

  3. Kirtichandra Shah says:

    Light and lovely Happy To Read and Enjoy

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    એક મેકના સહારે ઊભાં પહાડો આપણને કાનમાં કંઈક ગર્ભિત સંદેશ આપી જાય છે…પહાડને કાવ્યમાં કવિયત્રી ખૂબ સરસ રીતે લઈ આવ્યાં છે…તેમને તથા લતાબેન ને ખૂબ ખૂબ અભિનંદન…!

  5. ખૂબ જ સરસ પ્રકૃતિ અને કવિયત્રીનું ભાવચિત્ર.

  6. Anonymous says:

    કવયિત્રીનું ભાવવિશ્વ એમને પ્રકૃતિ સાથે સરસ રીતે જોડી આપે છે અને યોગ્ય કલ્પનો દ્વારા ભાવકનેય જોડી આપે છે.

  7. જ્યોતિ હિરાણી says:

    કવયિત્રી એ ખુબ સુંદર રીતે પહાડો ના સૌંદર્ય ની સાથે સાથે જાતને જોડવાની ને આત્મા ના ઐક્ય ની વાત કરી છે, જે કાબિલે દાદ છે

  8. દક્ષા વ્યાસ says:

    એની સાથે જયંત પાઠકનાં પહાડ પરનાં કાવ્યોનું મધુર સ્મરણ થાય

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: