શ્રીકાંત શાહ ~ હું… ૧૯૭૨મા વર્ષે

IslBG

હું… ૧૯૭૨મા વર્ષે

જોઈ રહ્યો છું – એપ્રિલ મહિનાની બપ્પોરના કાફે હાઉસમાં

યાશુનારી કાવાબાતાએ… ફ્લેમિંગો પક્ષીની જેમ માથું ઢાળી દઈ

આંખમાં છલકાઈ ઊઠેલા સરોવરની ભીનાશને

કોઈ એકલ-દોકલ વૃદ્ધે સર્જેલા એકાન્તની અડોઅડ

ગોઠવી દઈ…

ટેકરી-ઢાળે ઊગેલા સૂર્યને… સ્પર્શી લેવા

લંબાવેલા ગમગીન હાથને

મૃત્યુ – બાર્ન્ડ વાયરની તીક્ષ્ણ સોયો વચ્ચે વીંધાયેલો પવન છે.

મૃત્યુ – વાન ગોંગના અરણ્યમાં ઊગેલું સૂરજમુખી છે.

મૃત્યુ – અશ્મી બની જતા હિરોશીમાની બંધ કીકીઓનું કારાગાર છે.

મૃત્યુ – ધગધગતાં શહેરોની ઉષ્ણતામાં પીગળી જતું કાંચનાર છે.

મૃત્યુ – રુધિર નીંગળતા માંસમાં પેસી ગયેલી બૅયોનેટના અશ્વની હેષા છે.

~ શ્રીકાંત શાહ (૨૯ ડિસેમ્બર ૧૯૩૬ – ૨૨ જાન્યુઆરી ૨૦૨૦)  

*****

શ્રીકાંત વલ્લભદાસ શાહ ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક હતા.

1962માં તેમનો એક કવિતા સંગ્રહ પ્રકાશિત થયો છે. તેમણે ‘નિરંજન સરકાર’ ઉપનામથી લખવાનું શરૂ કર્યું હતું. 2003માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ વિખ્યાત કવિ શ્રી નિરંજન ભગતની પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયો.

તેઓ મુખ્યત્વે તેમની પ્રયોગાત્મક નવલકથા ‘અસ્તી’ (1966) માટે જાણીતા હતા. ત્યાર બાદ રહસ્ય નવલકથા ‘ત્રીજો માણસ’ પ્રકાશિત થઈ. તિરાડ અને બીજા નાટકો, નેગેટિવ, કેનવાસ પર ના ચહેરા, અને ‘હું અને એકાંત નંબર 80’ તેમના નાટકો છે.

તેમના કેટલાક પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે.

આજે એમના જન્મદિન નિમિત્તે સ્મૃતિ વંદના.

3 Responses

  1. ખુબ સરસ મજાની રચના કવિ ના જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છા આભાર લતાબેન

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    શ્રીકાંત શાહ અસ્તિત્વવાદની ગુજરાતી સાહિત્ય પર થયેલ અસરનું સબળ ચિહ્ન. ૩૬ મા વર્ષે તેમણે લખેલી આ કવિતામાં પણ મૃત્યુની મોનોઇમેજ દ્રશ્યમાન.

  3. ખૂબ જ સરસ મૃત્યુ વિષેની રચના. સ્મૃતિ વંદના.કવિને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: