શૂન્ય પાલનપુરી ~ શોધતો રહ્યો * Shoonya Palanpuri

આંસુમાં સ્મિત કેરી પ્રભા શોધતો રહ્યો !
મૃત્યુ મહી જીવનની અદા શોધતો રહ્યો !

દુઃખ શોધતો રહ્યો. હું વ્યથા શોધતો રહ્યો !
જીવનને માણવાની કલા શોધતો રહ્યો !

કૈં ચેન જો પડ્યું તો વ્યથાની પડી મને !
પીડા ઘટી તો કાળી ઘટા શોધતો રહ્યો.

એના અદલની લાજ હતી મારા હાથમાં,
પાપો કરીને હું જ સજા શોધતો રહ્યો !

ચમકી શક્યો ન શૂન્ય જે તારલિયો આભમાં,
આંસુ બની નયનમાં જગા શોધતો રહ્યો.

~ શૂન્ય પાલનપુરી

શૂન્યસાહેબની વાત વગર ગુજરાતી ગઝલની વાત અધૂરી છે. શૂન્ય સાહેબે જીવનના અનેક રંગો નિહાળ્યા હતા, અંગ્રેજ કવિ વોલ્ટર એવેજની જેમ શૂન્યસાહેબ પણ ખુમારીથી કહી શકે છે કે જીવનના અગ્નિ-સમીપમાં મેં બન્ને હાથ ગરમ કર્યાં છે… અર્થાત લ્હાવો લૂંટ્યો છે..

એમનો સંદેશો હતાશા, નિરાશાનો નથી, મત્લા જ જુઓને  ‘આંસુમાં સ્મિતની પ્રભા’ ….. ‘મૃત્યુમાં જીવનની અદા’…  આભના તારા’ને આંખમાં આંસુ બનાવવાની કલા તો શૂન્ય સાહેબ જ કરી જાણે

મકરંદ દવેએ શૂન્ય સાહેબ માટે કહ્યું છે : મહાકવિની વાણીમાં જીવતાં- જાગતાં લોહી માંસથી ભરેલાં પાત્રો રમતાં હોય છે, એમની વાણીમાં હંમેશાં સનાતન તત્વનું અનુસંધાન રહેલું હોય છે..

~ પરબતકુમાર નાયી

7 Responses

  1. સાંઈ મકરંદજી જેના વિશે આવી વાત કરે તે શુન્યપાલનપુરી આપણા ગઝલ વારસા નુ અનમોલ રત્ન છે કેટલી ગઝલો અેમણે આપી છે આભાર લતાબેન

  2. Anonymous says:

    કવિશ્રી શૂન્ય પાલનપુરીની શબ્દ ચેતનાને વંદન

  3. Parbatkumar Nayi says:

    ખૂબ ખૂબ આભાર
    આદરણીય લતાબેન
    શૂન્ય પાલનપુરી સાહેબને સ્મરણ વંદન

  4. શૂન્ય સાહેબને સમૃતિ વંદન.

  5. KAILASH CHAUDHARY says:

    જીવનના અગ્નિ-સમીપમાં મેં બન્ને હાથ ગરમ કર્યાં છે..
    શૂન્ય સાહેબની ખુમારીને સલામ…

  6. Amarat mali says:

    નતમસ્તક વંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: