કેતન કારીયા ~ ભળ્યાં આંસુ જળમાં

ભળ્યાં આંસુ જળમાં, ખબર ક્યાં પડી છે !
ઘણીવાર નહિ તો, નદીઓ રડી છે !
અમે જિંદગીને મળી તેમ જીવ્યા,
તમે જીવવા યોજનાઓ ઘડી છે !
હું સન્માન લેવા ચડ્યો લાકડીથી,
તમે પીઠ મારી હવે થાબડી છે !
પછી આવજે મોત, હું છું નશામાં !
હવે જિંદગી આ બરોબર ચડી છે !
પહેલી વખત કંઈક માગ્યું છે ઈશ્વર,
તથાસ્તુ કહી નાંખ; તક સાંપડી છે.
~ કેતન કારીયા
‘પછી આવજે મોત, હું છું નશામાં ! હવે જિંદગી આ બરોબર ચડી છે !’ આ શેર વધુ ગમ્યો. જીવનમાં ખરેખર એવું જ થાય છે, જીવવાની સમજ આવે ત્યાં સામો કિનારો દેખાય…. તો લોકો કદર કરવામાં કેટલું મોડું કરી નાખતા હોય છે…. એ વ્યંગ કરતો શેર પણ સરસ થયો છે.
ખુબ સરસ મજાની રચના અમે જિંદગી મળી તેમ જીવ્યા તમે જિંદગી ની યોજના ઘડી છે આ શેર ખુબ ગમ્યો આભાર લતાબેન
વાહ.. સરસ ગઝલ અને આસ્વાદ
કવિ શ્રી કેતન કારીયાની આ ગઝલના શેર ૩, ૪, ખૂબ જ સરસ કહેવાયા છે.
તકલીફોને પડકારતી સાદ્યંત સુંદર ગઝલ… વાહ વાહ કવિરાજ 👌
એકંદરે ગઝલ સારી બની છે… જિંદગી જ નશો બની ચડે તે વાત નવી છે..