જાતુષ જોશી ~ નરો વા કુંજરો વા!

મળે હર પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા;

યુધિષ્ઠિર આજ પણ હાજ૨? નરો વા કુંજરો વા.

ફરી શું યુદ્ધની સંભાવના ચારેતરફ છે?

જરા બસ ફેંકતા કંક૨? નરો વા કુંજરો વા

ક્ષણો જો એકસરખો વેશ વ્હેરી નીકળે છે

અને એ વેશની ભીત૨? નરો વા કુંજરો વા.

યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,

અડોઅડ ને છતાં અંતર? નરો વા કુંજરો વા.

સડકના સખ્ત ભરડામાં મરે સહુ માણસો લ્યો,

સડક નામે હશે અજગર? નરો વા કુંજરો વા.

~ જાતુષ જોશી

સમય બદલાય છે ? પરિવર્તન થાય છે ? ના. જે બદલાતું દેખાય છે એ બાહરી છે. ભીતરનું એનું એ જ છે. આ વાત સમાજને લાગુ પડે છે. જુઓ ને, રામરાજ્ય આવ્યું હતું ; શાસ્ત્રો તો એ કહે છે. આજે શું પરિસ્થિતી છે ? રાવણો એના એ જ છે. કૃષ્ણ જગતનો ઉદ્ધાર કરવા અવતર્યા. અંતે યાદવોના સૂરાપાને શું પરિણામ આપ્યું ? પારધી ત્યારે હતો અને અત્યારે પણ છે જ. માણસ કદી બદલાવાનો નથી. સૂર-અસૂર, દેવ-દાનવ હંમેશા હતા અને રહેવાના. યુધિષ્ઠિરથી માંડીને સડક પર આથડતા માનવ સુધી… સમય એનો એ જ છે…..

જાતુષ જોશીની એક ગંભીર ગઝલ અગાઉ આપણે માણી ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ જેવા ખૂબ અઘરા રદીફને લઈને. તો આ ગઝલ ‘નરો વા કુંજરો વા’ જેવો અત્યંત કઠિન અને અનન્ય રદીફ લઈને આવે છે. પૂજ્ય મોરારીબાપુના શબ્દોમાં ‘કશુંક ભાળી ગયેલો’ કવિ મને જાતુષ જોશી લાગે !     

*****

જાતુષ જોશી ~ ભલે આકાશ છલકાતું

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

~ જાતુષ જોશી

મહર્ષિ વેદ વ્યાસ ‘બ્રહ્મસૂત્ર’ના આરંભમાં કહે છે, ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ અહીંથી બ્રહ્મવિષયક વિચારણાનો પ્રારંભ થાય છે. ગઝલમાં ‘બ્રહ્મજિજ્ઞાસા’ પરોવવી એ કોઈ ઊંચા ગજાનો કવિ જ કરી શકે. ઈશ્ક મહોબ્બતની કવિતાઓ રચવાની વયના યુવાન કવિ જાતુષ જોશીની સર્જકચેતનાને સલામ કે જેમની ગઝલમાં સતત જાત ભણીની જાત્રા ઝળકે છે.  

6 Responses

  1. Kirtichandra Shah says:

    પૂજ્ય શ્રી મોરારીબાપુ ના શબ્દો આ કશુક ગયેલો Bhadi gayalo jan છે That is very appropriate છે

  2. જાતુષજોષી ની બન્ને રચના અતિ સરસ મોર ના ઈંડા ચિતરવા ન પડે આભાર લતાબેન

    • અરવિંદભાઈ દવે. says:

      યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,
      અડોઅડ ને છતાં અંતર? નરો વા કુંજરો વા….

      ખુદનો જ પડછાયો….વાહ જાતુષભાઈ….

      मामका पाण्डवाश्चैव…..અને, यो मद्भक्त: स मे प्रिय:…
      આ વાત પણ યુગોની છે જ ને…??
      બન્ને વાતો સરખી જ લાગે….પણ, છે ખરી….???

      આભાર લતાબેન….

  3. ઉમેશ જોષી says:

    કવિ જાતુષ જોષીની બન્ને ગઝલ રોચક છે..
    અભિનંદન ..

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    અનુભૂતિના ઊંડા પાણીમાં લઈ જતી ગઝલો. સર્જક અને સંપાદક-બંનેને અભિનંદન. શુભેચ્છાઓ.

  5. ગઝલમાં ખૂબ સાતત્ય પૂર્ણ વિચારો રજૂ કરવા આવી રદિફો લઈ કાવ્ય/ગઝલીયત સીધ્ધ કરીને કવિ શ્રી જાતુષ જોશીએ કમાલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: