મનોહર ત્રિવેદી ~ છાંયડાનો જવાબ

તોછડા આ તડકાએ છાંયડાને કીધું કે છોડી જો ઝાડવાની ઓથ
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?
છાંયડાએ હળવેથી પૂછ્યું કે જોર તારું
કિયા ખીલે બાંધ્યું છે, બોલ?
સાંજ પડ્યે રઘવાયો રઘવાયો થૈશ અને
ઝાડ કને માગીશ બખોલ
પીળુંપચ્ચ મુખ થાય રાતુંચટ્ટાકઃ જાણે મારી હો કો’કે અડબોથ?
અંધારે એકલુંઅટૂલું ના લાગે કે
રાતે ના પડવાનો ફેર
આઠે પહોર ઝૂલું ડાળીને સંગ
અને આઠે પહોર લીલાલહેર
ડુંગર ને સીમ-ગામ-રણમાં રઝળીને તારે થાકીને થાવાનું લોથ
ઊંચે અંકાશે મીટ માંડીએ તો કિરણો પણ
ભોંય ઉપર ચાંદરણાં પાથરે
ઓછું આવે ન મને આટલીક વાતે તે
શીતળતા ભરી અહીં વાયરે
આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?
– મનોહર ત્રિવેદી
તડકો તોછડો છે એમ કવિ કહે છે અને છાંયડો શું જવાબ આપે છે…. કવિની કલ્પના વાયરે ડાળી ઝૂલે એમ ઝૂલે છે… જુઓ. સાંજ પડ્યે તડકાનું પીળુંપચ્ચ મોં જાણે કોઈએ અડબોથ મારી હોય એમ લાલચોળ થઈ જાય છે એવું કવિ જ કલ્પી શકે !! અને જુઓ કે છાંયડાની નિજ લીલા કેવી શીળપ ધરીને મ્હોરે છે ! એણે આઠે પહોર ડાળી સંગ ઝૂલવાનું છે જ્યારે તડકાએ રણ-નગર-સીમ ભમીને થાકવાનું છે.
જીવમાત્ર એવું ઝંખે ને કે તડકા તો આવે ને જાય, આપણે આઠે પહોર મોજમાં રહેવું…
તડકા છાંયડાની રસાળ રમઝટભરી વડછડ
પ્રકૃતિના તત્વોના કાલ્પનિક મનોવિશ્વમાં જઈ તેમની સંવેદનાઓને ઉત્કૃષ્ટ રીતે વાચા તો મનોહરજી જેવા સિદ્ધહસ્ત કવિ જ આપી શકે.
કવિને સાદર વંદન.🙏
તડકા છાંયાની અનોખી રમઝટ માણી મોજ આવી ગઈ.
આવી અનોખી રચના બદલ ખૂબ ખૂબ અભિનંદન 🌹