મનોહર ત્રિવેદી ~ તડકાને તો

sunray through trees
Photo by Todd Trapani on Pexels.com

તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું..

છાપરે બેસી ગાય એ…યને એકલરામ આ હોલો ગાય :

બાજુમાં સામટું ધગી જાય મોભારું…

ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર 

નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તોર ?

સાંજ લગી નૈ ભીંતનો છાંયો બીકનો માર્યો,

નેજવેથી મોં કાઢશે બહારું..

ડાળમાં લપાય પોપટ-સૂડા પળ રહે ના ચૂપ

ટીપે ટીપે પાંદડા ચૂવે સૂરના મીઠા કૂપ 

ત્યાં જ ગોળામાં ઊઠતી છાલક : પાણિયારું ભીંજાય

ગુંજે જ્યાં ગીત બુઝારું…

તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું..

~ મનોહર ત્રિવેદી 

તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !

તડકાને તો એમ કે … કહીને કવિએ તડકાને આપણી સાથે વાતમાં જોડી દીધો છે. ગોળામાંથી ઉઠતી છાલકની જેમ એ મન ભીંજવી દે છે…  

‘ધગી જાય’, ઓણ’ ‘નેજવું’ આ તળની બોલીના શબ્દો ગીતના લયને ઓર રણકાવે છે.

3 Responses

 1. હરીશ દાસાણી.મુંબઈ ઇ says:

  તડકા પર લખાયેલ કવિતાઓમાં એક જુદા જ પ્રકારની આ કવિતા છે. ભર બપોરના કાળઝાળ તડકાને-સૂરજસોતું આખું આભ ઉતારું એવું બોલાવીને-કવિએ જાણે ઘરનું માણસ બનાવી દીધો !

 2. રેખાબેન ભટ્ટ says:

  મનોહર ત્રિવેદીની કવિતાઓ એટલે નજર સામે આખી કુદરત ઠલવાઈ જાય. શબ્દો વાંચતા સાથે જ એનું ચિત્ર મનમાં રચાતું જાય. 🙏

 3. દમયંતી બારોટ says:

  તડકો….
  તમારા પ્રેમ જેવી હુંફ આપતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: