શૂન્ય પાલનપુરી ~ પાગલ છે જમાનો
પાગલ છે જમાનો ફૂલોનો
દુનિયા છે દિવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી
વીફરી છે જવાની ફૂલોની
અધિકાર હશે કંઈ કાંટાનો
એની તો રહી ના લેશ ખબર
ચિરાઈ ગયો પાલવ જ્યારે
છેડી મેં જવાની ફૂલોની
ઉપવનને લૂંટાવી દેવાનો
આરોપ છે કોના જોબન પર
કાંટાની અદાલત બેઠી છે
લેવાને જુબાની ફૂલોની
તું શૂન્ય કવિને શું જાણે
એ રૂપનો કેવો પાગલ છે
રાખે છે હૃદય પર કોરી દે
રંગીન નિશાની ફૂલોની.
– ‘શૂન્ય’ પાલનપુરી
રૂપની રંગત એક ઇશ્કે મિજાજી દિલને કેવું રમાડે છે, વાણી કેવા કેવા રૂપમાં પ્રગટે છે ! આ ગઝલ સાંભળીને કોઈ ન ડોલે તો જ નવાઈ….
મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ અને જેઓ ‘શૂન્ય’ પાલનપુરી નામથી અતિ પ્રખ્યાત છે એમની આ ખૂબ જાણીતી અને લોક હૃદયે વસેલી ગઝલ સાંભળો મનહર ઉધાસના સ્વરમાં.
17.3.21
પ્રતિભાવો