હિતેન આનંદપરા ~ રહેવા દે

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,

એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,

કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,

તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.

ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,

બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,

તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,

હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

હિતેન આનંદપરા

પહેલો જ શેર કેટલો સ્પર્શી જાય છે ! ‘બાળકને બાળક રહેવા દે’ એ કદાચ આજે માનવજાતને આપવાનો પાયાનો સંદેશ છે. મા-બાપ, શાળા-શિક્ષક, ટ્યુશન-ટીચર, પ્રોજેકટ-પ્રવૃત્તિઓ, મોબાઈલ-મીડિયા ઉફ… સમગ્ર વિશ્વ મળીને બાળકનું બાળપણ લૂંટવા બેઠું છે ! પછીના શેરોમાં પણ માણસ જાત જ નિશાના પર છે. સંબંધો, વૃત્તિઓ, ઓળખ, સ્વભાવ… માણસની આપવડાઈની વાત પણ એટલી જ કટાક્ષમય રીતે અને એટલે અસરકારક ઊભરી આવી છે. અને છેલ્લા શેરમાં ‘કવિ’ની સાચી ઓળખ !  વાહ કવિ !

12.4.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-04-2021

કવિ શ્રી હિતેન આનંદપરાની ગઝલના બધાજ શેર અફલાતૂન અને ચોટદાર, યોગ્ય જગ્યાએ ટાંંકી શકાય એવા છે. સરસ પસંદગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: