મણિલાલ હ. પટેલ ~ સૂમસામ સન્નાટો
સૂમસામ સન્નાટો વ્યાપ્યો છે ગામમાં
કોઈ અહીં આવ્યું ના કોઇનાય કામમાં.
સગપણ વસૂકયાં ને વ્હાલ ગયું આથમી
રામ હવે નથી રહ્યા સાચકલા રામમાં.
પ્રાણવાયુ ઝંખે છે ખૂટેલા ખાટલા
આયખું મળતું નથી વેચાતું દામમાં.
નદીઓ નાથી ને તેં કાપ્યાં સૌ ઝાડવાં
લાકડા ન આવ્યા તને બાળવાના કામમાં.
કામ ન આવ્યા તને રોજા ને ઉપવાસ
તાળાં વાગી ગ્યાં બધા ઈશ્વરના ધામમાં.
– મણિલાલ હ. પટેલ
ગઇકાલે આ કાવ્ય મળ્યું ને થયું આ આપણાં સૌની વાત છે. અત્યારે ફેસબુક અને વોટ્સ એપ પર એટલા મૃત્યુના સમાચારો આવી રહ્યા છે કે હવે ૐ શાંતિ લખવાની હિમ્મત નથી રહી. ‘હે પ્રભુ, દયા કર આ માનવજાત પર !’ મનમાં આ સિવાય બીજા શબ્દો આવતા જ નથી. આટલા ટૂંકા સમયમાં, જેમને જાણતા હોઈએ એવા આટલા બધા લોકોના મૃત્યુ આ જિંદગીમાં જોયા નથી, સાંભળ્યા નથી ! ઈશ્વર તું તો દયાવાન છો, કરુણાનિધિ છો. અમારી અનેક ભૂલો છે પણ માફ કર, હવે માફ કર.
20.4.21
***
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
20-04-2021
માનનીય લતાજી કવિશ્રી મણિલાલ પટેલની કવિતા અને આપની આજની માનવીની વિવશતા ખૂબ સામ્પ્રત છે. આખરે નિયંતાની ઈચ્છા હશે એજ થશે, ભગવાને માનવીની ઔકાત બતાવી દીધી.
kishor Barot
20-04-2021
હે કાળ દેવતા, હવે તો ખમૈયા કરો.
પ્રતિભાવો