ઉમાશંકર જોશી ~ ગુજરાત મોરી Umashankar Joshi

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

~ ઉમાશંકર જોશી

આજના અતિ કપરા સમયમાં, જ્યારે વતનપ્રેમની, વતનનિષ્ઠાની અને સ્વયંશિસ્તની ખૂબ જરૂર છે ત્યારે આપણા વહાલા ગુજરાત માટે કવિ ઉમાશંકર જોશીનું આ ખૂબ જાણીતું કાવ્ય સાંભળો શ્રી ચંગાવાડી પ્રાથમિક શાળા (જિ. જામનગર)ની બે દીકરીઓના લયબદ્ધ અવાજમાં.

1.5.21

કાવ્ય : ઉમાશંકર જોશી * સ્વર : બે દીકરીઓ – શ્રી ચંગાવાડી પ્રાથમિક શાળા 

Chirag Bansikumar Patel

02-05-2021

ગુજરાત સ્થાપનાદિનના અનેક સંદેશાઓ વચ્ચે હું આ કાવ્ય શોધતો હતો! કોલેજમાં હતો ત્યારે આસિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં આ કાવ્ય સાંભળવાની ઘણી મોજ પડતી હતી! ઉગતી પેઢીની દીકરીઓએ આ મશાલ પ્રજ્વલિત રાખી છે!

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

01-05-2021

શાળામાં ભણતાં હતાં ત્યારથી આ ઉ. જો.નું ગુજરાત ગૌરવનું ગીત હૈયે વસેલું છે.
બંને બહેનો એ સરસ રીતે ગામઠી ઢાળ માં. ગાયું છે, અભિનંદન.
જય જય મારી ગુજરાત અને ગુજરાતી ભાંડુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: