રમેશ પારેખ ~ ગોરમાને Ramesh Parekh
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ
– રમેશ પારેખ
7.6.21
કાવ્ય : રમેશ પારેખ * સ્વર : આરતી મુન્શી * સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા
***
Jayshree Patel
09-06-2021
સુંદર ગીત
Varij Luhar
07-06-2021
રમેશભાઈ નું કોઈ પણ ગીત વાંચીએ તો તે હૈયેં હોઠે
હોય તેવું જ લાગે
કીર્તિ શાહ
07-06-2021
આભલા ઓછા પડ્યા …gross વાતો ના આ જમાના માં આવી રસિકતા ની કોને પડી છે વાહ વાહ
દિનેશ ડોંગરે નાદાન
07-06-2021
સરસ રચના. અને એટલુજ સુંદર સ્વરાંકન
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
07-06-2021
ર.પા. નું મસ્ત ગીત સાંભળવાની મજા પડી.
રેખાબેન ભટ્ટ
07-06-2021
Evergreen રમેશ પારેખ અને એમનાં ચીર સ્મરણીય ગીતો
પ્રતિભાવો