ન્હાનાલાલ ~ પ્રભો અંતર્યામી * Nhanalal

પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ, સર્વસ્વ જનના
નમું છું, વંદું છું વિમલમુખ સ્વામી જગતના
 

સહુ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદ‌ભૂત નીરખું
મહાજ્યોતિ જેવું નયન શશિને સૂર્ય સરખું
દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો
પ્રભો તે સૌથીએ પર પરમ તું દૂર ઊડતો
 

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે
તું સૃષ્ટિ ધારે છે સૃજન પ્રલયે નાથ તું જ છે
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે
 

પિતા છે એકાકી જડ સકલ ને ચેતન તણો
ગુરૂ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું ઘણો
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે

વસે બ્રહ્માંડોમાં અમ ઉર વિશે વાસ વસતો
તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો
નમું આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો
નમું કોટિ વારે વળી પ્રભુ નમસ્કાર જ હજો)
 

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા
તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા
 

પિતા પેલો આઘે જગત વીંટતો સાગર રહે
અને વેગે પાણી સકલ નદીનાં તે ગમ વહે
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી
દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી…… 

થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચરું
કૃતિ ઇંદ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું
સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું
ક્ષમાદષ્ટે જોજો તુજ ચરણમાં નાથજી ધરું.

– કવિ ન્હાનાલાલ

કવિ ન્હાનાલાલનું સ્તુતિ અષ્ટક જાણીતું છે. પ્રાર્થનામાં એને લગભગ બધાએ ગાયું હશે. યુ ટ્યુબ પર  અમરભાઈના કંઠે એના ચાર બંધ સાંભળ્યા અને આ સ્વરાંકન પણ મનમાં વસી ગયું. આ વિડિયોમાં બેવડો લાભ છે કેમ કે અમરભાઈએ શરૂઆતમાં ‘તુજ શરણ એ અમ પરમ જોમ  હરીઓમ’ પણ ગાયું છે. આ લાભ કાવ્યવિશ્વપ્રેમીઓને પણ વહેંચું છું.

18.7.21

*****

આભાર સૌનો

19-07-2021

આભાર સરલાબહેન, છબીલભાઈ, મેવાડાજી અને અરવિંદભાઇ…

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌનો આભાર.

અરવિંદભાઈ દવે, ગારિયાધાર

19-07-2021

સ્તુતિ અષ્ટક…..વેદમંત્રોમાં થયેલી સર્વ પ્રાર્થનાઓનો અર્ક…..ખરેખર જ અમૃત સમીપે લઈ જતી અમર રચના…..કાવ્ય-વિશ્વને કારણે દુર્લભ સહજ સુલભ થયું છે…..
આભાર લતાબેન…..

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

18-07-2021

હા, આપણા વરિષ્ઠ મિત્રોએ આ પ્રાર્થના માં ગાયું જ છે. કવિએ શબ્દોમાં વિશ્વ ધર્મ ભાવના દર્શાવી છે, પિતા શબ્દોમાં એ દેખાય છે.

છબીલભાઈ ત્રિવેદી

18-07-2021

આજનુ કાવ્ય આદરણીય કવિ શ્રી ન્હાનાલાલજી નુ પ્રાર્થના કાવ્ય છે વરસો સુધી શાળા મા ગાયુ છે અસ્તયો માહે થી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Sarla Sutaria

18-07-2021

શાળાજીવનના દિવસો યાદ આવી ગયા ?
રોજ છેલ્લા પીરીયડમાં છૂટવાનો ઘંટ વાગે ત્યાં સુધી આ સ્તુતિ ગાતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: