હિતેન આનંદપરા ~ વીજ, વાદળ, વાયરો

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં. – હિતેન આનંદપરા

ચારેકોર ધીંગો વરસાદ ફરી વળ્યો છે, સિવાય કે અમદાવાદ અને આસપાસના વિસ્તાર ! ધરાને બથ એવી ભરી છે કે ધરાવાસી ધ્રુજી ઉઠ્યો છે. કાગળની હોડીની કલ્પના કરી શકાય એમ નથી કેમ કે વાહનો પાણીમાં તરતા ભળાય છે ! ગરીબ માણસો, જેમના ઘર ડૂબ્યાં છે એમની હાલત સમજવા માટે લોકોની સંવેદના ધોધમાર થાય એ જરૂરી છે.

15.9.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

15-09-2021

કવિશ્રી હિતેનભાઈની વરસાદી ગઝલ વરસાદમાં નવ પલ્લવિત ધરતી સાથે આબાલવૃધ્ધ માનવીની સંવેદના, પ્રેમી જનોની વેદના સરસ અનુભવાય છે. બાકી જે રીતે ઘણી જગ્યાએ બારે મેઘ ખાંગા થઈ રહ્યા છે એનું દુ:ખ પણ યાદ આવેજ. સુંદર ગઝલ.

છબીલભાઈ ત્રિવેદી

15-09-2021

આજનુ કાવ્ય વિશ્ર્વ નુ કાવ્ય હિતેનભાઈ નુ ખુબજ સુન્દર વરસાદ તો બધા ને ગમે પણ જયારે અતિથાય ત્યારે ખાનાખરાબી પણ થતી હોય છે છતા જીવનમાં આવુ તો ચાલ્યા કરે અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

15-09-2021

વાહ કવિશ્રી હિતેન આનંદપરા ની આ ગઝલ ખૂબ ગમી.. કવિતા ક્ષેત્રે સતત સૌને પ્રોત્સાહિત કરતા આ કવિ ને વાંચવા નો આનંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: