સુરેશ દલાલ ~ કેટલો પાગલ Suresh Dalal

પૂછતી નહીં કેટલો પાગલ ~ સુરેશ દલાલ

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું શબ્દો આગળ
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા

ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે

સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે

નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

~ સુરેશ દલાલ

પ્રેમમાં પાગલ થયા વગર ન ચાલે. ડહાપણ અને પ્રેમને આડવેર છે….

સુરેશ દલાલનું આ ગીત ખૂબ લોકપ્રિય છે અને ઉપાસના પરમારે એને એટલું જ પાગલ થઈને ગાયું છે… વાહ….

સૌજન્ય : સ્વર ઉત્સવ અને તેજસ દવે 

14.2.22

કાવ્ય : સુરેશ દલાલ સ્વર : ઉપાસના પરમાર

***

Dipti Vachhrajani

14-02-2022

વાહ, અત્યંત સુંદર

સાજ મેવાડા

14-02-2022

ખૂબ સરસ ગીત, ગાયન.

છબીલભાઈ ત્રિવેદી

14-02-2022

આજનુ સુરેશદલાલનુ કાવ્ય ખુબજ સરસ અને અેટલોજ મધુર અવાજ. રુસ્વા મજલુમી પાજોદ દરબાર મારોય અેક જમાનો હતો કોણ માનશે… ખુબજ મોટા ગજાના કવિ અેવાજ ઉમદા મહા માનવ. શુન્યપાલનપુરી અને અમ્રુતઘાયલ પાજોદ તેમના ઘરે રહેતા. ખુબ ખુબ અભિનંદન

અર્જુનસિંહ.કે.રાઉલજી

14-02-2022

વાહ..વાહ.. પ્રેમમાં તારા કેટલો પાગલ .. મુ.શ્રી સુરેશ દલાલ સાહેબનું સુંદર ગીત ..વેલેન્ટાઇન ડે નિમિત્તે .. ઉપાસના પરમારનો સ્વર પણ અદભૂત .મજા આવી ગઈ .લતાબહેનને આ ગીત રજૂ કરવા બદલ હાર્દિક અભિનંદન .કાવ્યવિશ્વ દિનપ્રતિદિન લોકપ્રિય થતું જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: