દલપતરામ ~ નદી * બાબુ સુથાર

નદી તણાં નીર ~ દલપતરામ

નદી તણાં નીર ધીમે વહે છે, ગતિ વિશે ગંભીરતા રહે છે;

તે જેમ મોટા જનને નિહાળી લજાતી ચાલે સતી લાજવાળી.

નદી-કિનારે બગ જૈ રહે છે, ધ્યાની બનીને મછને ગ્રહે છે;

જાણે મળી ધર્મ ધર્યાની છૂટી, ફાવ્યું ઠગોને ઠગી ખાય ફૂટી.

નદી વિશે લોક અનેક જૈને ભણી સ્તુતિ ના’ય નિમગ્ન થૈને;

જાણે સમાચાર સમુદ્રજીને કહાવવા કાંઈ કહે નદીને.

પેખી પ્રભાનાથ પ્રભાત-કાળે નાહી સ્ત્રિયો ચંદ્ર કરે કપાળે;

જાણે શશી ભીત ભયે થયો છે, નાસી સ્ત્રિઓને શરણે ગયો છે.

પૂજા કરે કોઈ નદીની કોડે, લલાટમાં અક્ષત વિપ્ર ચોડે;

જાણે શશીને તન પીડ આવી, માટે દયા લાવી દવા લગાડી.

કામિનિયોને શિર કેશ કાળા ઢાંકી ધર્યા તો ય દીસે રૂપાળા;

સૂબો નિશાનો દૃઢ અંધકાર, જાણે છુપાવ્યો કરવા ઉગાર.

શૃંગાર શ્રીમંત સ્ત્રિયો ધરે છે, જેમાં હીરા-ક્રાંતિ અતિ કરે છે;

જાણે હતા જે શસી-સૈન્ય તારા, રહ્યા સ્ત્રીયને શરણે બિચારા.

~ દલપતરામ

નદીનો દેખાવ: દલપતરામની એક કવિતા~બાબુ સુથાર

રાવજીની જ કવિતાઓનું નહીં; હું માનું છું કે આપણે આપણા તમામ  મોટા કવિઓનાં કાવ્યોનું પુન:વાંચન કરવું જોઈએ. એમાં દલપતરામ પણ આવી જાય.

તમે નહીં માનો પણ જ્યારે પણ હું દલપતરામ અને નર્મદ વાંચું છું ત્યારે એમની કવિતાઓમાં મને ઓગણીસમી સદીની છાપો દેખાતી હોય છે. આપણે હજી એ છાપો ઊકેલવાનો ખાસ પ્રયાસ કર્યો નથી અને જે કંઈ કર્યો છે એમાંનો મોટા ભાગનો ઉપરછલ્લો. મોટા ભાગના લોકોએ એમાં સુધારક યુગનાં લક્ષણો જોયાં છે. પણ, આ તો થઈ તાળો મેળવવાની પ્રક્રિયા. એક કોઠામાં કવિતા મૂકો અને બીજા કોઠામાં સુધારક યુગ. પછી જોડકાં ગોઠવો. આને વિવેચન કહેવાય કે કેમ એ એક પ્રશ્ન થાય છે.

દલપતરામ અને નર્મદ પહેલાંની કવિતામાં seeingનું શું મહત્ત્વ હતું એવું કોઈએ વિચાર્યું હોય એવું મેં ક્યાંય વાંચ્યું નથી. તમે નરસિંહ વાંચો, મીરાંબાઈ વાંચો, દયારામ વાંચો. એ જ રીતે અખો વાંચો કે પ્રેમાનંદનાં આખ્યાનો વાંચો. સન્ત સાહિત્ય  પણ આપણે કેમ બાજુ પર મૂકીએ. એ બધામાં seeing હતું ખરું? અને હતું તો કેવું? 

એ કવિતાઓમાં આપણને નરી આંખે ન દેખાય એવા, આધ્યાત્મિક જગતનું, વર્ણન મળી આવે. કૃષ્ણનું વર્ણન મળી આવે. માતાજીનાં વસ્ત્રો અને અલંકારોનું વર્ણન મળી આવે. પણ, નદીઓનું? પર્વતોનું? વૃક્ષોનું? હા, એ બધાના ક્યાંક ક્યાંક ઉલ્લેખો મળી આવે ખરા. પણ, એ જમાનાના કવિઓ ભાગ્યે જ ત્યાંથી ક્યાંક આગળ ગયા હોય. કોઈક છૂટીછવાઈ પંક્તિઓ કદાચ મળી આવે પણ ખરી. 

એવું કહેવાય છે કે ભારતમાં કેમેરા ૧૮૫૫માં આવ્યો. જો કે, એનો ખરો પ્રસાર તો વીસમી સદીના આરંભમાં થયો. સાહિત્યના ઇતિહાસકારોના કહેવા પ્રમાણે દયારામ આપણા છેલ્લા મધ્યકાલીન કવિ. ૧૮૫૩માં એમનું અવસાન થયું. કેમેરાનું આગમન એક ઘટના અને દયારામનું અવસાન બીજી ઘટના. એ બેની વચ્ચે બેએક વરસનો ગાળો. મારી એક પૂર્વધારણા એવી છે કે ગુજરાતી કવિતામાં seeingનું મહત્ત્વ વધ્યું અને ભારતમાં કેમેરાનું આગમન થયું આ બન્ને ઘટનાઓ સાવ અકસ્માત નથી. જો કે, આ એક સંશોધનનો વિષય છે.

પણ, આ seeing કયા પ્રકારનું હતું? મધ્યકાળમાં inner seeing અને abstract seeing કદાચ વધારે મહત્ત્વનું હતું. આમાંના બીજા પ્રકારના seeingમાં હું કૃષ્ણ વગેરે દેવોનાં વર્ણનોનો સમાવેશ કરું છું.

પણ દલપતરામ આવતાં એ seeingનું સ્વરૂપ બદલાઈ જાય છે. એ external seeing બને છે. આપણે આપણી બહારના જગતને જોતા થઈએ છીએ. ચાલો, આ દલીલ સમજવા આપણે દલપતરામની ‘નદીનો દેખાવ’ કવિતા સમજીએ. મેં અકસ્માતે જ આ કવિતા પસંદ કરી છે. આ કવિતાની પહેલી બે પંક્તિઓ છે:

નદી તણાં નીર ધીમે વહે છે, ગતિ વિશે ગંભીરતા રહે છે;

તે જેમ મોટા જનને નિહાળી લજાતી ચાલે સતી લાજવાળી.

દલપતરામ અહીં નદીની વાત એના વહેવાથી કરે છે. એ ‘ખળ ખળ’ જેવા કોઈ રવાનુકારી શબ્દો વાપરતા નથી. કેમ કે એમને કાન સાથે સંબંધ નથી. આંખ સાથે સંબંધ છે. અને પછી નદીના જળની વહેવાની ગતિની સાથે એ ‘ગંભીરતા’ને સાંકળે છે. નદીનું વહેવું એક મૂર્ત ઘટના. એના પર દલપતરામ એક અમૂર્ત ગુણને, અર્થાત્ ‘ગંભીરતાને’ લાદે છે. 

પછીની પંક્તિમાં એ નદીની ગતિને સતીની ચાલ સાથે સરખાવે છે. પણ અહીં, ‘સતી’નો અર્થ જુદો કરવાનો છે. કદાચ ‘સત ધરાવતી નારી’ એવો અર્થ કરી શકાય. પણ, એવો અર્થ કરતા પહેલાં પણ ચેતવું પડે. આપણે ક્યાંક ‘સત્’નો કોઈક આધ્યાત્મિક અર્થ ન કરી બેસીએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. દલપતરામના મનમાં અહીં કદાચ સદગુણો ધરાવતી નારી હશે. એ સદગુણો તે કયા એવો પણ એક પ્રશ્ન થાય. પણ, આપણે એમાં બહુ ઊંડા નહીં ઊતરીએ. એ કહે છે કે જેમ મોટા માણસને, સજ્જનને નિહાળીને કોઈ સતી લજાતી ચાલે એમ નદીનાં જળ ચાલી રહ્યાં છે. વહી રહ્યાં છે. 

આપણે અહીં એક વાત ભૂલવાની નથી કે દલપતરામ અહીં નદીનાં જળની નહીં, પણ નદીનાં જળની ગતિની વાત કરે છે. એ જળની ગતિ પર ગંભીરતાનો ગુણ લાદે છે. કેમ કે એની ઝડપ ધીમી છે. એટલું જ નહીં, એ ઝડપને પછી એ એક નારીના ચાલવા સાથે જોડે છે અને ચાલવાને પાછું કાર્યકારણના સંબંધથી મોટા જનો સાથે સાંકળે છે!

આ પંક્તિનું હજી પણ thick description કરી શકાય. પણ, હું આટલેથી અટકીશ.  કેમ કે મારે અહિં એક પાયાનો, અને એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવો છે. અને એ એ છે કે અહીં seeing કઇ રીતે કામ કરે છે? 

ઓગણીસમી સદી તુલનાત્મક શાસ્ત્રોની સદી હતી. ભાષાશાસ્ત્રમાં, વનસ્પતિશાસ્ત્રમાં,  અને બીજાં અનેક શાસ્ત્રોમાં તુલના મહત્ત્વની હતી. અહીં પણ તુલના મહત્ત્વની બને છે. દલપતરામ અહીં વસ્તુને નિહાળ્યા પછી એની ontologyમાં કે એના pragmaticsમાં નથી જતા. એ જે તે વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના કરે છે. નદીના જળની તુલના એક નારીના ચાલવા સાથે કરે છે. કોઈ પણ તુલના વર્ગીકરણ વગર શક્ય ન બને. એટલે અહીં પણ એક ચોક્કસ પ્રકારના વર્ગીકરણનું તર્કશાસ્ત્ર જોઈ શકાય. આ વર્ગીકરણ અને તુલના બન્ને વસ્તુઓના સત્-ને સમજવાની રીતો છે. એ કવિતામાં પણ આવે છે. 

હવે આગળની પંક્તિઓ જુઓ:

નદી-કિનારે બગ જૈ રહે છે, ધ્યાની બનીને મછને ગ્રહે છે;

જાણે મળી ધર્મ ધર્યાની છૂટી, ફાવ્યું ઠગોને ઠગી ખાય ફૂટી.

નદી કિનારે બગલાં હોય. બગલાં માછલી ખાય. આની બધાંને ખબર હોય છે. પણ દલપતરામે એ કોઠાસુઝને કવિતામાં મૂકી. એ જમાનામાં સાદી વાત ભાષામાં મૂકાય તો એ વાત એના માધ્યમને કારણે ખૂબ મહત્ત્વની બની જતી હતી. બાકી પોતાનો ચેહેરો તો બધાંએ દર્પણમાં જોયેલો જ હતો. તો પણ બધાંને પોતાનો ચહેરો ફોટામાં જોવાનું કેમ ગમતું હશે? જેમ ફોટો એમ ભાષા. 

અહીં પણ નદી પર બગલો હોવાની વાતને seeing સાથે સંબંધ છે. એ બગલો માછલી ખાય છે. એ પણ એક પ્રકારનું seeing. પછી દલપતરામ એને નૈતિકતા (morality) સાથે/ધર્મ સાથે જોડે છે અને એમ કરીને બગલાને ઠગ બનાવી દીધો. ફરી એક વાર તુલના અને તુલના દ્વારા વસ્તુઓને સમજવાનો પ્રયાસ. એટલું જ નહીં, જેમ આ પહેલાંની પંક્તિમાં એક પ્રકારની moralityનો ભાર વર્તાય છે એમ અહીં પણ. 

પછીની પંક્તિ છે:

નદી વિશે લોક અનેક જૈને ભણી સ્તુતિ ના’ય નિમગ્ન થૈને;

જાણે સમાચાર સમુદ્રજીને કહાવવા કાંઈ કહે નદીને.

અહીં દલપતરામે વાત કરી છે નદીકાંઠે ન્હાવા જતા માણસોની. માણસો ત્યાં ન્હાવા જાય અને ન્હાતાં ન્હાતાં શ્લોક બોલે. અહીં પણ દલપતરામ visual પર જ ધ્યાન આપે છે. અર્થાત્, એ Seeingનો જ મહિમા કરે છે. પછી એ આ દૃશ્યને બીજી પણ કાલ્પનિક ઘટના સાથે જોડે છે. જાણે કે એ ન્હાતા મનુષ્યો ‘સમુદ્રજી’ માટેનો સંદેશો નદીને ન કહી રહ્યા હોય. નદી પરનું આ સજીવારોપણ ગમી જાય એવું છે. ઓગણસમી સદીમાં સજીવારોપણનો પણ મહિમા વધે છે. મધ્યકાળમાં સજીવારોપણ હતો પણ ખૂબ ઓછો અને મર્યાદિત.

આજ તર્કશાસ્ત્ર દલપતરામ આગળ ચલાવે છે. કહે છે:

પેખી પ્રભાનાથ પ્રભાત-કાળે નાહી સ્ત્રિયો ચંદ્ર કરે કપાળે;

જાણે શશી ભીત ભયે થયો છે, નાસી સ્ત્રિઓને શરણે ગયો છે.

ફરી એક વાર દલપતરામ એક દૃશ્ય વર્ણવે છે. ફરી એક વાર એ આંખનો/seeingનો મહિમા કરે છે. સૂર્યને જોઈને સ્ત્રીઓ કપાળે ચાંદલો કરે છે. દલપતરામે ‘ચાંદલો’ માટે ‘ચંદ્ર’ શબ્દ વાપર્યો છે. અને એમ કરીને આકાશની સામે સ્ત્રીઓનું કપાળ અને સૂર્યની સામે ચંદ્રને મૂકી આપ્યો છે. પણ, દલપતરામ સૂર્યના ઊગવા અને ચંદ્રના આથમવા જેવા સરળ સમીકરણમાં નથી પડતા. એને બદલે એ સૂર્યના આગમનને ચંદ્રના ‘ઉદય’ સાથે જોડે છે પણ ચંદ્રના ઉદયનું સ્થળ બદલી નાખે છે. અને ફરી એક વાર સજીવારોપણનો ઉપયોગ કરીને કહે છે કે જાણે ચંદ્ર ભયનો માર્યો ભાગીને સ્ત્રીઓના શરણે ન આવ્યો હોય. અહીં બે જગત છે: એક સૂર્યનું અને બીજું ચંદ્રનું. સ્ત્રીઓ એમાં ગૌણ છે. આ બન્ને જગત seeingનો એક ભાગ બને છે. 

આગળ કવિ કહે છે:

પૂજા કરે કોઈ નદીની કોડે, લલાટમાં અક્ષત વિપ્ર ચોડે;

જાણે શશીને તન પીડ આવી, માટે દયા લાવી દવા લગાડી.

અહીં પણ  seeing. નદીકાંઠે બ્રાહ્મણો નાહીધોઈ, કપાળ પર તિલક કરી, એના પર ચોખા લગાડે છે. આ ઘટનાને દલપતરામ ચંદ્રની પીડા શમાવવા માટે કરવામાં આવતા ઉપચાર સાથે જોડી છે! આપણે હજી ગુજરાતી ભાષામાં કલ્પના કઈ રીતે કામ કરે છે એનો કોઈએ ઇતિહાસ નથી લખ્યો. અહીં કલ્પના બે જગતને જોડવાનું કામ કરે છે. એક જગત તે ચંદ્ર આથમવાનું અને બીજું તે બ્રાહ્મણોની સ્નાનાદિક ક્રિયાઓ કરવાનું. બ્રાહ્મણો ચંદ્ર પર દયા લાવીને જાણે કે એને દવા ન કરતા હોય. ‘અક્ષત ચોખા’ને દલપતરામ જ દવા સાથે સાંકળી શકે.

હવે બાકીની બે પંક્તિઓ હું તમારા માટે છોડું છું:

કામિનિયોને શિર કેશ કાળા ઢાંકી ધર્યા તો ય દીસે રૂપાળા;

સૂબો નિશાનો દૃઢ અંધકાર, જાણે છુપાવ્યો કરવા ઉગાર.

શૃંગાર શ્રીમંત સ્ત્રિયો ધરે છે, જેમાં હીરા-ક્રાંતિ અતિ કરે છે;

જાણે હતા જે શસી-સૈન્ય તારા, રહ્યા સ્ત્રીયને શરણે બિચારા.

હું જે કહેવા માગું છું તે એટલું જ કે દલપતરામની કવિતામાં seeingનો ઘણો મહિમા થયો છે. આ seeing મધ્યકાલીન કવિતામાં આવતા seeing કરતાં જુદા પ્રકારનું છે. આ seeingમાં વસ્તુઓ એકબીજા સાથે જોડાય છે. એમાં વસ્તુઓની પેલે પાર જવાનો કોઈ પ્રયાસ નથી. અને ક્યારેક દલપતરામ એવો પ્રયાસ કરે પણ છે તો એ પ્રયાસ તદ્દન આધ્યાત્મિક બની જતો નથી. બીજું, દલપતરામું seeing તુલનાવાચી છે. એમના જમાનાના પ્રભાવ હેઠળ. એમની કવિતામાં આવતાં સજીવારોપણને પણ આપણે seeing સાથે જોડવાં જોઈએ. અહીં આ કવિતામાં પણ જે કંઈ સજીવારોપણ છે એ માણસની તરફેણમાં છે.

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 19.7.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: