જીવણ સાહેબનું પદ * સંજુ વાળા * Jivan Saheb * Sanju Vala

જીવણ સાહેબનું પદ 

સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો
ઘટમાં ચંદા ને સૂર રે..

ઘટોઘટ માંહી રામ રમતાં બિરાજે,
દિલહીણાથી રિયા દૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપુર

~ જીવણ સાહેબ

કસ્તુરી પેટાવી કેડા આળેખો ‘ને વાધો…કડી  :-  ૭૭ ~ સંજુ વાળા

ભક્ત કે ભક્તિની વાત આરંભીએ ત્યારે જે કોઈ બિન્દુથી શરૂ કરીએ તે અતોષકર જ લાગવાનું. એનું કારણ એટલું જ કે આદરેલી વાત તેના આ લેખકની સમજ અને જાણકારીના કોઇ એક મુકામથી શરૂ થતી હોય છે. જ્યારે તેનો ઉદ્ભવ કે શરૂઆત તો એ મુકામથી પહેલાંનાં પણ હોઇ શકે છે. કારણ કે આ ભક્તિ કે પ્રેમ વગેરે જેવા આવિર્ભાવ તો એક પ્રવાહ સમ હોય છે. જેમ કે આપણે પ્રેમલક્ષણા ભક્તિની વાત કરીએ તો એ ક્યા સમયકાળ કે કોઇ વિશેષથી શરૂ થઈ શકે ? આપણી પદ-ભજનની પરંપરા શરૂ થઈ ત્યારથી ? તો તરત આપણે જ કહેવાના કે ના. એને તો હજુ માંડ હજારેક વર્ષ જ થયા હશે. ભક્તિસૂત્રના રચયિતા નારદમુનિનો ખરેખર કાળ ક્યો હશે ? એ જે હોય તે છતાં ભક્તિ તો એના પહેલાની જ હોવાનીને ? એટલે વિચાર કરતા આ આખી ચર્ચા અપ્રસ્તુત લાગે. એનું મહત્ત્વ એ ક્યાંથી, કેમ અને કોણે શરૂ કરી એમાં નથી. ભક્તિએ કેવા સીમાચિહ્ન આંક્યા કે કેવા પરિણામની એ જનક કહેવાઇ એ વિચારયોગ્ય અને ચર્ચાયોગ્ય આધારસ્તંભ છે. ભક્તિ તો અહીં એક ઉદાહરણ રૂપ વિષય ગણાય ખરેખર આવા પ્રશ્નો કેટલા બધા વિશેષ આવિર્ભાવોની વાત કરવામાં સતાવે.

સુજ્ઞ મિત્રોને થશે : અહીં કેમ આ ચર્ચા છેડી ? એટલા માટે કે અહીં જે ભજનપંક્તિઓની આપણે વાત કરવાના છીએ તે એક ભક્તકવિની છે. એ તો આપ સૌ નામ જોઇને જ જાણી ગયાં. પરંતુ એ જે રીતે પ્રચલિત છે તે કરતાં જરા જુદી અવધારણાથી અહીં ઉલ્લેખાયું છે. એમણે પોતે પણ પોતાની ઓળખ દાસી તરીકે આપી છે. છતાં અહીં આ આ લેખકે હિંમત કરીને એમને સાહેબ તરીકે ઓળખાવ્યા છે. એના પૂરતાં કારણો છે જ. આગળ આપણે એની ચર્ચા પણ કરીશું. હાલ પૂરતી એટલી જ ચોખવટ કે અહીં જે પંક્તિઓ આ ચર્ચામાં પ્રસ્તુત છે તે પ્રેમલક્ષણા કે દાસીભાવે પ્રગટતી ભક્તિની પરિપાટીની નિર્દેશક નથી. એને જ્ઞાન-ઉપાસનાની સાખ પૂરતાં એક વિભાવ તરીકે મૂલવી શકાય તેવી છે. વળી આ ભજનની પંક્તિઓ જે ભક્તકવિના નામે મળે છે તેનું પરંપરાગત સંધાન પણ સાહેબપરંપરા સાથે છે. કેવી રીતે ? તે આવો જરા ટૂંકમાં જાણીએ.

જીવણ રવિભાણ સંપ્રદાયના ભક્તકવિ તરીકે જ્ઞાત છે. જીવણ આ સાહેબીદત્ત પરંપરાના ભજનપુરૂષ છે. આ વ્હેણ તો આજે પણ ભક્તિ-સાધનાપથે ગતિશીલ છે. બીજું, આ સાધક ભક્તકવિની વાણીને પ્રમાણતાં પણ તેઓ સાહેબ છે તે વાતની ખરાઈ /ખાતરી તેમના વાણીવિભાવની આંતરસંમૃદ્ધિથી પણ થઇ શકે તેમ છે. જોઇએ બે-ચાર ઉદાહરણ.

સતગુરુ કેરા શબદ ન માને, ધારણ વિના કેમ જડે ? ઈ વાતું છે અગમ-અગોચર, જુગટિયાને કેમ જડે.. આવ્યો તારો વાયદો, અડેકડે.. °°° આ રે બંગલામાં દસ દસ દરવાજા; નવસો નવાણું એમાં બારી મારા ભાઈ… ભાડૂતી બંગલો કોણે બનાવ્યો.. °°°

હા, તો આ જીવણસાહેબના ‘પ્યાલા’ તરીકે પ્રસિદ્ધ ભજનની પ્રસ્તુત પંક્તિઓ. સદગુરૂની શોધમાં નીકળેલા જીવણને ભીમસાહેબનો ભેટો ભીમદેહે રહેલાં પરંતુ શુદ્ધ ચૈતન્ય રૂપે વિલસતા તત્વ તરીકે થાય છે. એની કથામાં ન પડીએ પરંતુ ભીમનું અનેક દેહે મળવું એ જ તો જીવણથી જીરવ્યો ન જાય એવો અનુભવ હતો. એમાં વળી આ પ્યાલા રૂપે જીવણને આરપારની ઓળખ કરાવતો ચેતનમંત્ર મળ્યો  :

‘જીવણ જીવને ન્યાં રાખીએ, વાગે અનહદ તૂરા; ઝળહળ જ્યોતું ઝળમળે રે.. વરસે નિરમળ નૂરા’

આ તો એ ઠેકાણાનો ઇશારો સાંપડ્યો જેના સૂક્ષ્મ સંકેત માત્રથી જીવ સ્વયં શિવમાં પરિવર્તિત થવા લાગે. પછી તો ગાય જ ને :

‘અજવાળું  રે.. હવે અજવાળું, ગુરુજી તમ રે આવ્યે રે મારે અજવાળું. સતગુરુએ  શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભીમ રે ભેંટ્યા ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ’

પહેલાં પીધેલ પ્યાલાથી નાભિથી બ્રહ્મરંધ્ર સુધીની એકાદ પળમાં જ તો મહાયાત્રા કરી લીધી હશે આ તત્વખોજીએ. જરાક પેલો અનહદનાદ પણ સાંભળી લીધો હશે. ને પછી આ ગવાતો પ્યાલો. એજ તો સદગુરુએ બતાવેલી ભીતર ભાળવાની મરમી સાન છે. માયલું અંધારુ મટાડનાર અને આપોઆપ ભીતરમાં ઝળમળતા સહુ દરવાજા ઉઘાડી આપનાર જડીબુટ્ટી છે આ પ્યાલો. અંદર-બહારના બધા ભેદ ભાંગી જાય, ને પીનારને શુદ્ધ ચૈતન્યનો સાક્ષાત્કાર થાય. અહીં પણ પ્રસ્તુત પંક્તિઓમાં આવો પ્યાલો પીધા પછી શું થયું કે કેવી અનુભૂતિ થઇ તે ગવાયું છે. વ્યવહારની ભાષાનો આવો સક્ષમ ઉપયોગ સૂક્ષ્મ ભાવવ્યાપારનાં રૂપકો તરીકે કરી ભીતરી હલચલનો આહોભાવ જીવણ ગાય છે એમ કહીએ. સ્થાવર-જંગમ. મિલકતો માટે વપરાતા આ શબ્દો જળ-સ્થળ સાથે સંકળાય છે ત્યારે ભજનભાવની સાથે ઊંડા કથનકૌશલ્યને પણ બાથ ભીડી લે છે. સ્થાવર એટલે જે સ્થગિત છે તેવું અને જંગમ એટલે જે ચલાયમાન છે તે. પ્રવાહમાન છે એવું જળ કહો કે સ્થિરત્વને વરેલું સ્થળત્વ. બધું જ કોઇ એક તત્વથી અભરે ભરેલું લાગે. અરે જે વિપરિત કે સામસામી સ્થિતિ હતી તેનોય ભેદ ભૂંસાયો. અણુએ અણુમાં વ્યાપ્ત હોવાની વાતનું સ્મરણ કરાવે એવું લોકગ્રાહ્ય સમર્થન. પંચતત્વથી બંધાયેલો દેહ અને એ દેહનો કામચલાઉ સંચાલક પરંતુ સતત ગતિમાન કે ચૈતન્યસ્વરૂપ છે તે પવનપિંડધારી આત્મા ય એકત્વને પામ્યા. એના કારણમાં આ કરામતી શબદરસના. રસપસલી. પ્રેમપ્યાલો. એટલું જ નહીં જેને સતત કોઇ પ્રાકૃતિક અને શાશ્વત પદાર્થ તરીકે જ જાણ્યા’તા એ સૂર્ય-ચંદ્ર પણ હતા તો ઘટમાંય પણ ઓળત ન્હોતી એ હવે ઇડા અને પિંગલા રૂપે ઓળખાયા. આ માત્ર ચમત્કાર નથી. અનુભૂતિજન્ય તથ્ય તરીકે વિકસી રહ્યાનું સતત જ્ઞાત થઇ રહ્યું છે. આટલું કે આવું આવું થાય પછી તો પેલો રામ એનાથી જુદો ક્યાંથી હોય. જે કાંઇ છે એ એની જ લીલા છે. ચેતના વિસ્તાર છે આ એનો. ‘રામ રમતા’ આ બે શબ્દથી જે રમણ બેવડાય છે એ એના ગાયકનો અહોભાવ છે. એટલું જ નહીં કબીરી પ્રતીતિની પણ એ સાખ પૂરે છે : એક રામ ઘટ ઘટ મેં રાજે, એક રામ હૈ સબ સે ન્યારા.’ પરંતુ આ પંક્તિઓમાં બીજી પંક્તિનું છેલ્લું ચરણ આગળના ત્રણ ચરણમાં, ભાવઉછાળની જે પ્રદિપ્ત દાર્શનિકતા હતી તેમાં નાનકડો એક વિરામ લઇને થોડું કઠોર અને અનુભવનિષ્ઠ ભયસ્થાન તો છે જ પરંતુ એ કાવ્યત્વની રીતે તિર્યકતાથી નિર્દેશાય છે અને ભજનભાવની રીતિએ ખરજથી ગવાય છે. એ આરપાર નીકળી જાય એવી ચોટ અથવા તો અત્યાર સુધી જે કાંઇ ગવાયું તે પમાય, અનુભવાય કે ઊગે તેના માટે જીવણ એક આડકતરી શરત મૂકે છે. એ શરત એવી છે કે આ તો દિલવાળાનું આ કામ. અને દિલચોરી ય ન ચાલે. પરમ વિશ્વાસથી આ ચરમ રસનાનો અનુભવ કરવા હૈયું તત્પર હોવું ઘટે. દિલહિણાનું આમાં કામ નહીં, જરા સરખો અંદેશો ય એની ઝલકથી દૂર જ રાખે. લોયણ યાદ આવે છે :

‘જી રે લાખા ! બ્રહ્મમાં ભળવું હોય તો હેત રે વધારો.’ 

ને આપણા આજ દારાના સવાયા સૂફી રવિ પણ કહે :

‘પ્રેમગલીમેં પિયા કું પામી, કોટી સૂરજકી ન્યાં ક્રાંત્યું પાપ-પૂણ્ય મિટ ગયા રે સજની, ભૂલી સરવે દૂજી ભ્રાંત્યું.. . લગા કલેજે છેદ ગુરુકા

જીવણમાંથી આપણને આ પ્રકારની ગુરુમુખી અને બ્રહ્મનિષ્ઠ વાણી, જે ‘પશ્યંતિ’ની વાંક્ધારા ઓળંગીને ‘પરા’ નામે મહાનદ તરફ ગતિ કરતી હોય તેના અનેક મુકામ સહજતાથી જડે છે. પ્રેમલક્ષણાની ભીનીભીની  ભાવછાલકની બરાબર પડખે જ રચાય એવું જ્ઞાન-વૈરાગ્યનું શિખર પણ જીવણભજનનો એક વિશેષ બહુ સહજતાથી ઊભરે છે. આપણા આ સાહેબને  સાહેબ ! સાહેબ !

~ સંજુ વાળા

(થોડું ટૂંકાવીને) 

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 15.5.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: