બાલમુકુન્દ દવે ~ જૂનું ઘર * વિનોદ જોશી * Balmukund Joshi * Vinod Joshi

જૂનું ઘર ખાલી કરતાં ~ બાલમુકુંદ દવે

ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સું:
જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોયદોરો !

લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર કરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;

જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે :
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’

ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઊપાડેલા ડગ ઉપર શાં લોહ કેરા મણિકા !

~ બાલમુકુંદ દવે

પગ ખસી ન શકે એવી ભાવસ્થિતિ ~ વિનોદ જોશી

ગુજરાતી કાવ્યસાહિત્યની આ એક ટકાઉ સૉનેટ કૃતિ છે. ચિરંતન માનવીય ભાવોનું તેમાં વિશુદ્ધ પરંતુ કાવ્યાત્મક આલેખન થયું છે. જીવનમાં બનતી સર્વસામાન્ય ઘટનાઓ કાવ્યમાં વિષય તરીકે આવે છે ત્યારે તેને ઓગાળી દઈ તેમાંથી કવિતા નીપજાવવી બહુ કઠિન હોય છે. કલાનું જગત વાસ્તવિક જગતથી નિરાળું હોય છે એમ સ્વીકાર્યા પછી પણ વાસ્તવિક જગતનો સ્પર્શ કર્યા વિના કલા સમક્ષ પહોંચાતું નથી તે હકીકત પણ સ્વીકારવી પડે તેવી છે. આ કાવ્ય આમ જુઓ તો ઘરવખરીનો ખડકલો છે. વસ્તુ-વાનાંની સૂચિ છે. તેમાંથી વળી કવિતા કઈ રીતે નીપજે અને પણ દાયકાઓ સુધી ટકી રહે તેવી ? આપણે થોડું જોઈએ.

કાવ્યનો પ્રારંભ ‘ફંફોસ્યું’ શબ્દથી થાય છે. શીર્ષક પરથી આપણે જાણીએ છીએ કે કવિ જૂનું ઘર ખાલી કરી રહ્યા છે. ઘરવખરી ક્યાંક બીજે ઘરે ફરી રહી છે. ‘ફંફોસ્યું’ શબ્દ જ સૂચવી આપે છે કે મોટાં વસ્તુ-વાનાં તો અગાઉ મોકલાઈ ગયાં છે. હવે નાની નાની ચીજો ઘરમાં પડી છે તે એકઠી કરવાની છે. પછી એ ચીજોની યાદી શરૂ થાય છે. આપણને એવું લાગવા માંડે છે કે આ તો બધી નકામી ચીજો છે. નવા ઘરમાં જઈ રહેલા કવિને આવી-તેવી સામગ્રી ત્યાં લઈ ગયા વિના ચાલે. પણ ‘ફંફોસ્યું’ શબ્દ વાપર્યો તેનો અર્થ એ કે આ ચીજો કવિને નગણ્ય નથી, એટલું જ નહીં, પણ ચીવટપૂર્વક એ ચીજો નવાં ઘરે લઈ જવાઈ રહી છે.

શું છે એ ચીજોમાં ? જૂનું ઝાડું, ટૂથબ્રશ, લક્સ સાબુની ગોટી, મોંએથી ફૂટી ગયેલી શીશી, ટીનનું ડબલું, તળિયેથી ફૂટી ગયેલી ડોલ, તૂટેલાં ચશ્માં, ક્લિપ, બટન, ટાંકણી, સોય-દોરો. આટલી યાદી કરીને કવિએ આશ્ચર્યચિહ્ન મૂક્યું છે. શાનું છે આ આશ્ચર્ય ? આટલી બધી ચીજો હજી અહીં રહી જવા પામી હતી તેનું ? આસક્તિ અને વિરક્તિમાં ઝૂલતો કવિ હવે જે વાત કરે છે તે આમ છે :

‘લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે ‘મૂકી ઊંધું, સુપરત કરી લારી કીધી વિદાય’

પોતાના નામની આ ઘરને આપેલી ઓળખ પણ કવિએ હવે લઈ લીધી. નામનું પાટિયું ઊતારી લીધું. જાણે નામનો કોઈ અનુબંધ આ ઘર સાથે રાખવો ન હોય તે નામનું પાટિયું ઊંધું મૂકી દીધું. પોતાની એક પણ ઓળખ અહીં નહીં રહેવા દેવા માટે કટિબદ્ધ કવિ છેવટે આ બધી સામગ્રી ભરેલી લારીને વિદાય કરે છે. ‘વિદાય’ શબ્દ અહીં લારી માટે પ્રયોજાયો છે. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના વ્યવહારને અભિવ્યંજિત કરતો આ શબ્દ અહીં કવિની આ સઘળી નકામી લાગતી ચીજો સાથેની આત્મીય સંગતિનો પણ સૂચક છે. નામનું પાટિયું પણ ઊતારી લીધું એ વાત આવે ત્યારે આપણને સમજાઈ જાય કે હવે કવિ પોતાના જૂના ઘરની બહાર નીકળી ચૂક્યા છે. પરચૂરણ સામાન ભરેલી લારી પણ ચાલી ગઈ છે. પણ હવે ?

ઊભાં છેલ્લી નજ૨ કરીને જોઈ લેવાં જ ભૂમિ,

‘જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો’

ઘરમાંથી પોતાના સહિત બધું જ બહાર નીકળી ચૂક્યું હોય તેવી સ્થિતિમાં, ખાલી ઘરને બહા૨થી છેલ્લી વાર જોઈ લેવા કવિ અને કવિપત્ની બેઉ ઊભાં છે સરસ ‘ફોટોજેનિક’ દશ્ય છે ! આ ઘરમાં જે કંઈ હતું તે તો સઘળું ઉશેટી લીધું નામનું પાટિયું પણ લઈ લીધું. આ ઘર તો અહીંથી લઈ જઈ શકાય તેમ નથી, નહીં તો એ પણ અહીંથી ફેરવી નાખ્યું હોત ! આપણે કરેલી સ્થાપનાઓને આપણી સાથે જ વળગાડી રાખવાની આપણને કેવી સ્પૃહા હોય છે ! લગ્ન પછીનાં પહેલાં દસ વર્ષ જ્યાં મુગ્ધ દામ્પત્યનાં રંગે રંગાયાં છે તે જ આ ઘર. કેટકેટલાં ભાવનાત્મક સંવેદનો જોડાયાં હશે આ ઘરની દિવાલો સાથે ! આ દિવાલોની નિર્જીવ ઈંટોને ટહુકાઓ સ્વરૂપે માણી હશે. જે આજે આટલી રુક્ષ દેખાય છે તેનું એક વખતનું સુંવાળું સંવેદન હૈયે અનુભવાયું હશે.

પણ હવે તો આ સ્થળ છોડીને જવાનું છે. અહીંથી જ્યાં જવાનું છે તે ઘર કદાચ ઘરથી વધારે સારું હશે. પણ અહીં મુગ્ધ દામ્પત્યનો દસકો વિત્યો છે તે કવિને આ એક બીજાં સ્મરણ સુધી બળપૂર્વક ખેંચી જાય છે. આ ઘરમાં જ દેવોના વરદાનથી મળ્યો હોય તેવો પનોતો પુત્ર કવિ પામ્યા હતા અને એ પુત્રને અહીંથી જ કઠણ હૃદયે અગ્નિને ખોળે સોંપી દેવો પડ્યો હતો.

ઘરવખરી તો બધીયે લઈ લીધી. પણ જતાં જતાં આ સ્મરણ થઈ આવ્યું તેનું શું ? હજી તો આટલું યાદ આવ્યું ત્યાં જ મૃત્યુને શરણે ગયેલો એ પુત્ર જાણે બોલતો સંભળાયો  :

‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ‘

હવે આપણને સમજાય છે કે કાવ્યના પ્રારંભે કવિએ સાવ તુચ્છ કે નકામી ચીજવસ્તુઓની લાંબી યાદી શા માટે ખડકી દીધી હતી. પોતાનો દિવંગત પુત્ર કોઈક ખૂણેથી એકાએક ઉદ્ગાર કરીને પોતાને જ અહીંથી લઈ જવો ભૂલી જવાયાની ફરિયાદ કરે છે ત્યારે એ ફરિયાદ પેલી નકામી વસ્તુઓના સાહચર્યમાં અત્યંત તીવ્રતાથી આપણને અનુભવાય છે.

‘એક ભૂલ્યાં મને કે ?’ આ પ્રશ્નની પાછળ ‘ના કશુંય ભૂલિયાં’નો પડઘો કેવો વેધક રીતે અહીં સંભળાય છે ! શું વળગે છે અને શું વળગતું નથી તેનો અત્યંત વ્યંજનાગર્ભ મર્મ કવિ અહીં પ્રગટાવી શક્યા છે. ‘મરીઝ’ની એક ગઝલમાં આમ કહેવાયું છે :

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર

મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ’

આ તો એક પ્રેમીનો ઉદ્ગાર છે. પણ વાત અહીં પણ લાગુ પડે છે. જુદા પડતી વખતે માંડેલી નજરમાંથી જ લાગણીનો પુરાવો મળે છે. કવિની પોતાના જૂના ઘર સામે મંડાયેલી છેલ્લી નજર હવે જ સાચો અનુભવ આપે છે. પોતાના વિગત બની ગયેલા પુત્રનો એ કાકલૂદીભર્યો સ્વર તો કવિના કાને સંભળાયો, પણ આંખોમાં શું થયું ?

‘ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !’

અને એ જ ક્ષણે, અહીંથી બીજે જવા નીકળેલા કવિની ગતિને શું થયું ?

‘ઉપાડેલા ડગ ઉપર શાં લોહ કેરા મણિકા !

પણ અહીંથી ખસી ન શકે, ખોડાઈ જાય તેવી ભાવસ્થિતિમાં આવી જતા કવિને ન અહીંથી જઈ શકે, ન અહીં રહી શકે તેવી સ્થિતિમાં મૂકાઈ જવું પડ્યું. તેનો કરુણ પરંતુ અત્યંત કાવ્યકર આલેખ આ રચનામાં મળે છે. મંદાક્રાંતાનો ઉચિત વિનિયોગ તો બરાબર પણ ગુજરાતી સૉનેટ કવિતાએ ક્યારેય નહીં અપનાવેલી શબ્દાવલિનો પણ આ કાવ્યની વ્યંજકતામાં સુંદર ઉપચય થયો છે તે નોંધવું પડે તેમ છે.

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 2.5.2022

2 Responses

  1. ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ પ્રણામ

  2. ખરેખર જૂનું ઘર છોડતાં દરેકને કંઈક તો ઉદાસી ઘેરી વળે જ, પણ આ સોનેટમાં પુત્ર ગુમાવ્યો છે એ જગ્યા છે, યાદ આવતાં જે આભાશ થાય છે તે ઊંડા વિષાદનો અનુભવ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: