‘કાવ્યવિશ્વ’ના 300મા પડાવે * Lata Hirani

દિલની વાત

‘કાવ્યવિશ્વ’ને 300 દિવસ પૂરાં થઇ ગયાં. આજે દિવસ 301 મો….

9 ઓકટોબર 2020ના શરૂ થયેલ આ યાત્રા વિશે મનમાં અનેક વિચારો, ધારણાઓ, અનુમાનો હતા. કંઈક પોઝીટીવ તો કંઈક નેગેટીવ પણ. 

ધાર્યા કરતાં પરિણામ વધારે સારું આવ્યું. કાવ્યપ્રેમીઓનો પ્રતિસાદ હરખે છલકાઈ જવાય એવો મળ્યો. 

300 દિવસમાં મુલાકાતીઓનો આંકડો 15400 થવા જાય છે. એમ તો દરેક વિભાગમાં કેટલી પોસ્ટ મુકાઇ એનો આંકડો પણ મૂકવાની ઈચ્છા થાય છે પણ રોકું છું મારી જાતને ! દિલ્હી હવે ક્યાં દૂર છે ! નજર સામે આ…… દેખાય 365નો આંકડો ! વરસ પૂરું થાય ત્યારે બધા હિસાબ મૂકીશું. અલબત્ત એને હિસાબ કેમ કહેવાય ? એ આંકડાઓમાં મારા શ્વાસ વણાયેલાં છે – મારા દિવસ-રાત, મારા ઊંઘ-જાગરણ, મારી ચિંતા ને મારી હાશ…. મારી અકળામણ ને મારી મૂંઝવણ ! હું ધારું તોય એમાંથી મારી જાતને છૂટી ન પાડી શકું ! મેં મને રેડી દીધી છે આ કામમાં !  

શા માટે આટલી મહેનત કરું છું ? એનો જવાબ છે અને નથી…

કોઈ કહે છે કે તમે ગુજરાતી કાવ્યસાહિત્યની ગજબ સેવા કરી રહ્યા છો….

મારો ઇરાદો એવો હતો ? ના. એ તો અનાયાસે મળતું પરિણામ છે…

મારે કોઈ શિખરો સર નહોતા કરવા. મારે તો બસ મારી જાતને busy રાખવી હતી અને એ માટે કવિતા સિવાય બીજું કોઇ ક્ષેત્ર હું વિચારી ન શકું. એ મારો પહેલો પ્રેમ છે. જીવનમાં લેખનના નામે વીસ-બાવીસ વરસે પહેલી કવિતા જ લખાઈ હતી… ‘હું એટલે…’ જે બસ આમ જ મનના વિચારો લેખે ડાયરીમાં ટપકાવી હતી… એને કવિતા તરીકે સ્વીકારીય વીસેક વર્ષ પછી…

તો, લોકો માટે મારે કવિતાનું કોઈ ઇ-સામયિક કરવું હતું ? એવું યે નહીં ! હા, મેં જે માળખું તૈયાર કર્યું છે એ એના જેવું ખરું ! કવિતાને લગતું બધું એક પ્લેટફોર્મ પરથી મળી રહે એવું કંઈક કરવાનો મનમાં ખ્યાલ અને હવે નવી પેઢી માટે નેટવિશ્વ જ સરનામું બને છે તો એમ…

પણ મૂળ વાત તો busy થઇ જવાની હતી, જાતને જોતરી દેવાની હતી, એટલી કે હું એમાંથી ખસી ન શકું !! …. બસ એ અને એટલી જ….  

અને એના પરિણામ ? જાત તો હદથી ઘણી વધારે જોતરાઈ ગઈ પણ મને જે સમૃદ્ધિ – ખજાનો હાથ લાગે છે, લાગી રહ્યો છે અને લાગતો જ રહેશે…. એટલે આહા, હું કેટલી રળિયાત થઈ છું ! વર્ણવી ન શકું ! આથી જ્યારે લોકો કહે છે, ‘કાવ્યવિશ્વ’ કેટલું બધું આપે છે ! અને મને થાય છે કે મને જે મળે છે એની સરખામણી કોઈ ભંડાર સાથે થઈ શકે એમ નથી… કેટલું શીખું છું એનીયે કોઈ સીમા નથી ! આ કામ ન કરતી હોત તો આટલું આ જન્મે તો શીખવા ન જ મળત ! એ સાચું.

એટલે હું કામમાં રહું છું અને સ્વર્ગમાં જીવું છું… બસ…

એનાથી સાહિત્યની સેવા થતી હોય તો સરસ ! એનાથી કોઈને કાંઇ મળતું હોય તો યે સરસ… એ બધી by product છે…

ગૃહિણીમાંથી મોડે મોડે જીવનના લગભગ સાડાચાર દાયકા પૂરા થવા આવ્યા ત્યારે સાહિત્ય અને લેખનના ક્ષેત્રે હું પ્રવેશી છું એટલે વિદ્યાર્થી જ છું. મારી ભૂલો હશે જ…. વિદ્વાન મિત્રો દરગુજર કરે ! અને મને માર્ગદર્શન આપે તો મને બહુ ગમશે. કામ કરતાં કરતાં ઘણું શીખું છું અને શીખી રહી છું.

આમ એકલે હાથે જ આ સાહસ ઉપાડયું. ટેકનીકલ કામો માટે એક, વેબસાઇટ ડેવલપર અને બીજા, ભાઈ મૌલિક નાગર. એમનો સહયોગ સરસ રીતે મળી રહ્યો છે. રહી વાત આઠેય વિભાગોના સંપાદનની. એમાં હજુ હું ને મારું લેપટોપ ! એટલે કે એકલદાવ જ છે. ક્યારેક છૂટક બે-પાંચ પોસ્ટ પૂરતું કોઈ સહયોગ આપે એ જુદી વાત પણ 99.999% કામ તો એકલપંડે જ.

‘કાવ્યવિશ્વ’માં આઠ પેજ એટલે કે મુખ્ય આઠ વિભાગો છે ઉપરાંત સાઇડબારના બીજા બે એટલે દસ વિભાગ થયા. એમાંથી રોજના ચાર વિભાગ અપડેટ થાય છે ; રોજનું એક કાવ્ય + કોઈ એક બીજો વિભાગ + જન્મદિવસોનો ‘વિશેષ’ વિભાગ (કવિ, એની કાવ્યપંક્તિ સાથે) + ‘આજ’નો શેર/પંક્તિ. એના માટે સતત મેટર શોધ્યા કરવું, વ્યવસ્થિત કરવું, સંઘરવું, લખવું, એડિટ કરવું, બેકસાઈડ ફોર્મ્સમાં જુદા જુદા ખાનાંઓ ભરવા અને એ પછી પ્રકાશિત પોસ્ટને અલગ અલગ રીતે સાચવવી. આ ઉપરાંત તો કેટલું….ય… વળી આ કામ શરૂ કર્યું ‘લોકડાઉન’ પિરિયડમાં… અને એ ઘણું લાંબુ ચાલ્યું….  આ સંજોગોમાં મારી લાયબ્રેરી અને ઇન્ટરનેટ એ જ સોર્સ ! પણ કામ થયું અને થતું જ રહે છે… ઈશ્વર કરે થતું રહે…   

જ્યારે આ કામ ઉપાડયું ત્યારે ખબર હતી જ કે આનો નકશો વિશાળ છે. દરિયા જેવું કામ લઈને બેઠી છું. પણ એમ હતું કે થશે… ધીમે ધીમે લોકોને જોડીશું… હજુ સુધી એવો ખાસ પ્રયત્ન નથી થઈ શક્યો. ક્યારેક કર્યો પણ એમાં સફળ નથી થઈ…  

હવે આ જાહેર આમંત્રણ આપું છું. કોઈને આમાં રસ પડે અને સ્વેચ્છિક જોડાવાનું મન હોય તો આવકારું છું. સંપાદકટીમ બનાવવાની ઈચ્છા છે જ, અચાનક હું ટપકી પડું તો કામ ચાલતું રહે… કોઈને મન હોય તો મને સંપર્ક કરશો ? હું રાજી થઈશ.

‘કાવ્યવિશ્વ’ના નેજા હેઠળ ઘણું નવું કરવાના પણ અરમાન છે…. જેવી ઈશ્વરની મરજી. મારી પાસે આટલું કરાવ્યું છે તો આગળ પણ એ જ શક્તિ પૂરી પાડશે અને મદદ પણ મોકલશે..  નિષ્ઠા અને પરિશ્રમની મૂડી છે, તો એ વિચારશે ને ! લોકો નિવૃત્તિના પંથે હોય એવા સમયે મેં આવું કામ ઉપાડયું છે તો એ જોશે ને !  

અમુક લોકોને કહ્યું કે 300 દિવસ આજે થાય છે તો તમારો વેબસાઇટ માટે અભિપ્રાય આપો ને ! અને ડો. વિવેક ટેલર, જેઓ નિયમિત ‘કાવ્યવિશ્વ’ જુએ અને અને પ્રતિભાવો પણ લખતા રહે છે એમનો મેસેજ આવ્યો કે વેબસાઇટ પર એવી કોઈ પોસ્ટ નથી જેમાં આ 300 દિવસ થયાનો પ્રતિભાવ લખી શકાય ! વાત તો સાચી હતી. અલબત કોઈએ ‘સંવાદ’ વિભાગની ‘ઋણસ્વીકાર’ પોસ્ટમાં લખ્યું છે પણ એમાંય મારી એવી કોઈ વાત હતી નહીં અને હું તરત આ લખવા બેસી ગઈ.  એટલે મારી આ ‘દિલની વાત’ વિવેકભાઈને કારણે….. . લખવું હતું એકાદ પેરેગ્રાફ જેટલું પણ ‘દિલની વાત’ શીર્ષક આપ્યું એટલે દિલ વહી નીકળ્યું.

પછી એ ય નક્કી કર્યું કે જે દિલ બોલ્યું છે એ જેવું હોય એવું પોસ્ટ કરી દેવું. ફરીવાર વાંચીશ તો દિમાગ બોલશે અને એડિટ કરાવશે…. ના, એવું નથી કરવું. જે મનમાં ઉગ્યું એ લેપટોપના સ્ક્રીન પર રેડી દીધું છે… અંતે તો આ જ મારો ‘કોરો કાગળ’ છે ને !

લતા હિરાણી  

OP 14.8.2021

*****

કુલ પ્રતિભાવો 36

લતા હિરાણી

20-08-2021

ઘણા બધા મિત્રોએ સરસ દિલ ખોલીને પ્રતિભાવ આપ્યો છે અને એનો અનહદ આનંદ છે. સૌનો આભાર. નત મસ્તક છું.

રવીન્દ્રભાઈના ઉપયોગી સૂચનો અંગે આભારી છું. એમની વાતની નોંધ લઉં છું.

સૌનો આભાર.

લતા હિરાણી

રવીન્દ્ર પારેખ

20-08-2021

300 દિવસમાં બીજું કૈં ન માનીએ તો પણ 300 કવિતાઓ અને તેને લગતા અભિપ્રાયો આવે એ જ આનંદ અને ગૌરવની ઘટના છે. તમને અઢળક અભિનંદનો અને શુભેચ્છાઓ.

આ શરૂઆતનો તબક્કો છે એટલે એમાં સારું, નબળું , ઓછુંવત્તું રહેવાનું અને એવું દરેક તબક્કે અનુભવાય તો તે સજીવ અને સંવેદનશીલ હોવાની નિશાની છે.
હું સાહિત્ય પસંદગી અને લેખનની બાબતે કડક ધોરણ પાળતો આવ્યો છું એટલે મને ‘કાવ્યવિશ્વ’માં ઓછું આવ્યું છે. એમ પણ અકવિતાનો પુરસ્કાર થાય ત્યારે બે વાત બને છે. એક તો આપણે અકવિને આગળ કરીએ છીએ અને જે આપણું જોઈને શીખે છે એને આપણે, અકવિતાને જ કવિતા માનવાનું શિક્ષણ આપીએ છીએ. અકવિ તો કદાચને વેઠી લેવાય, પણ અકવિતા દ્વારા કવિતાનો આદર્શ ઊભો કરવાનું નિમિત્ત ન બની શકાય.

સંપાદન સમિતિ નીમવાની દિશામાં આગળ વધવા જેવું છે. એમ થશે તો તમારી જવાબદારીમાં પણ ફેર પડશે. તમે અથાગ પ્રયત્નોથી આટલે સુધી આવ્યા છો ત્યારે એવું ન થવું જોઈએ કે મહેનત એળે જાય. તમને મારી વાત ઠીક ન લાગે તો ક્ષમ્ય ગણશો. એ જ કારણે જાહેર મત નથી આપ્યો. આને અંગત નુકતેચીની ગણવા વિનંતી.
આભાર સહ,
રવીન્દ્ર પારેખ

છબીલભાઈ ત્રિવેદી

16-08-2021

આજે 300 દિવસ કાવ્ય વિશ્ર્વ ને થયા તે ખરેખર આ સમય મા અેક વિરલ ઘટના છે આપે કોઈપણ ઉદેશ થી આ કાર્ય શરુ કર્યું પરંતુ આપનો કાવ્ય પ્રેમ આપને આ કાર્ય કરવા પ્રેર્યા છે તે હકિકત છે બાકી વ્યસ્ત રહેવા માટે ઘણી પ્રવ્રુતિ છે પણ આપનુ કાવ્ય પ્રત્યે નુ ખેચાણ આપને આ સુંદર કાર્ય તરફ ખેંચી લાવ્યુ અેકલ વિર ની જેમ આપ સુપેરે આ જવાબદારી નિભાવો છે તે ખુબજ આનંદ અને ગૌરવ ની વાતછે આપ બધા વિભાગો નુ ખુબજ સરસ સંચાલન કરો છો હવે થોડી જવાબદારી ડિવાઈડ કરી દેશો અેટલે આપને પણ થોડી મોકળાશ મળે અંતે આપનો ખુબ ખુબ આભાર

છબીલભાઈ ત્રિવેદી

16-08-2021

કાવ્યવિશ્ર્વ વિષે રઘુવીર ભાઇ નુ મંતવ્ય યોગ્ય કેમકે આપ મહેનતજ અેટલી કરો છો કે કાવ્યવિશ્ર્વ અદ્વિતીય ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યું છે અભિનંદન

અનિતા તન્ના

16-08-2021

લતાબહેન, કાવ્યવિશ્વ અને તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
એક સંતાન ને જન્મ આપીને એનો ઉછેર કરી રહ્યાં હોવ એવું લાગે છે.
એ સંતાન દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને સમૃદ્ધ થાય એવી ઈશ્વરને પ્રાર્થના. અનિતા તન્ના

જગદીશ ત્રિવેદી

16-08-2021

૩૬૫ નહિં પણ ૩૬૫૦ દિવસો થશે બહેન.

તમે એમ કાંઈ હમણાં ટપકી પડવાના નથી અને મોડે મોડેથી જ્યારે પણ ટપકી પડશો પછી પણ આ યાત્રા ચાલું જ રહેશે.
લાખ લાખ અભિનંદન આપને અને આપને થોડો-ઘણો પણ સહયોગ આપનાર સૌને. જગદીશ ત્રિવેદી

નલિની રાવળ

16-08-2021

લતા બેન… દિલ થી વહ્યું છે એટલે જ ખૂબ જ સુંદર હૃદયસ્પર્શી આલેખન છે. કાવ્યવિશ્વ ને ૩૦૦ દિવસ ની સફર માટે હાર્દિક અભિનંદન.આ સફર વર્ષો વર્ષ નવા નવા ના મુકામ હાસલ કરતું રહે તેવી હાર્દિક શુભકામનાઓ.

Rajnikumar Pandya

15-08-2021

લતાબહેન, આજે પહેલી વાર આ વિભાગ આટલા રસથી જોયો. ઉત્તમ કામ કરી રહ્યાં છો. આટલી બધી સફળતા આને મળી હશે એનો મને અંદાજ નહોતો. પણ મિત્ર તરીકે હરખ થાય તેવું છે. એમાંય તમારી પ્રામાણિક કેફિયતમાં તમે તમારુંં હૈયું જ ઠાલવી દીધું છે. તમે એમાં લખ્યું છે તેમ તમે તમારા ગમે તે હેતુથી આ શરુ કર્યું હોય પણ બની ગયો છે મધપુડો. આખો વિચાર જ મૌલિક છે અને તેની માવજત તમે તમારી કુદરતી પ્રતિભાના બળથી કરી છે. આના દરેક વિભાગમાં તમારો આગવો સંસ્પર્શ અનુભવાય છે. મારા અભિનંદન સ્વીકારશો. -રજનીકુમાર પંડ્યા

આશા આડતિયા

15-08-2021

લતાબહેન, કવિતા-પ્રેમવશ આત્મનંદ માટે કરાતા તમારા આવા અદભુત કાર્યથકી અમે ઘણું ઘણું પામીએ છીએ.આવા સુંદર કાર્ય માટે તમને અનેક શુભેચ્છાઓ સાથે અઢળક અભિનંદન !

મોના લિયા વિક્રમશી

15-08-2021

લતાબેન,
તમારા દિલની વાતમા નિખાલસતા સ્પર્શી ગઇ,
તમારી આ લગનને પ્રણામ..

ફાલ્ગુની ભટ્ટ

15-08-2021

ખૂબ સરસ અભિવ્યક્તિ. નિયમિત નથી વાંચી શકતી પણ જ્યારે વાંચું ત્યારે સંતર્પક અનુભવ થાય છે. ખૂબ અભિનંદન. આપની સન્નિષ્ઠાને વંદન.

ગિરિમા ઘારેખાન

15-08-2021

ખૂબ સરસ લતાબેન. અઢળક અભિનંદન ના અધિકારી તો છો જ. આટલી મહેનત અને લગન માટે hats off to you. આદર કરું છું.

હિતેન આનંદપરા

15-08-2021

કોરોનાને કારણે આવી પડેલી ફૂરસદને મક્સદમાં રૂપાંતરિત કરી નિષ્ઠાપૂર્વક શબ્દયજ્ઞ ચાલુ રાખવાનો પુરુષાર્થ આપના કાર્યમાં જોઈ શકાય છે. સાતત્યના સત્ય માટે અભિનંદનના અધિકારી છો.

પ્રીતિ જરીવાલા

15-08-2021

લતાબહેન, ‘કાવ્યવિશ્વ’ની સફળતા એ તમારી નિષ્ઠા અને અથાગ પરિશ્રમનું ફળ છે. આભાર અને અભિનંદન

સંજય પંડ્યા

15-08-2021

લતાબહેન ,
તમે ટૂંકા સમયમાં એકલ હાથે આદરેલી પ્રવૃત્તિએ ગજબની ઊંચાઈ હાંસિલ કરી છે .
તમારી પ્રતિબધ્ધતાને અને સાહિત્ય પ્રત્યેની નિષ્ઠાને સલામ .

પ્રફુલ્લ પંડ્યા

15-08-2021

સાહિત્ય સંગીત કલા અને મુખ્યત્વે કવિતાને વરેલી અને વિશિષ્ટ છાપ ઉપસાવનાર અગ્રણી વેબસાઇટ ” કાવ્ય વિશ્વ”નાં ૩૦૦મા દિવસે હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! આ તો લતાબેનનું ” વર્ષીતપ” એક નવું સોપાન સર કરવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગાવાનું મન થાય : ” આ વસંત ખીલી શતપાંખડી હરિ આવો ને ….આપણે ઈરછીએ કે આ વેબસાઈટને હરિનાં આશીર્વાદ સતત મળતાં રહે‌!
પ્રફુલ્લ પંડ્યા

તૃપ્તિબેન

15-08-2021

લત્તા બેન.. જે દિલ બોલ્યું એ સાચું.. અભિનંદન.
બીજા 365 દિવસ સરળ હશે એ શુભેચ્છા.

અરવિંદ દવે

15-08-2021

વાહ લતાબેન…..
૩૦૦ દિવસ…..સફર સરળ જરાય નથી….પણ, આપે એને સહજ બનાવી દીધી….!!!
સાહિત્યની સેવાનાં આપના ધ્યેયની by product કેટલી પ્રેરક છે, તે ખાસ કરીને આ ગ્રુપનાં ૧૧૬ સભ્યોએ તો અનુભવ્યું જ છે……
આપનું સમર્પણ અભિનંદનીય છે……
કાવ્ય-વિશ્વને ખૂબ ખૂબ અભિનંદન…….
અરવિંદ દવે

કિશોર બારોટ

15-08-2021

લતાબેન, ‘કાવ્ય વિશ્વ’ આપના માટે જીવનનું ચાલક બળ બની ગયું છે. એ જ રીતે અમારા માટે એક અખૂટ પ્રેરણા સ્ત્રોત બની રહ્યાં છે.
આપની ધગશ અને ચીવટભરી સાધનાને સહસ્ત્ર સલામ.
અભિનંદન સાથ અનેકોનેક શુભમનાઓ.
કિશોર બારોટ

ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’

15-08-2021

આપના ‘કોરા કાગળ’ પરનું દિલ ખોલીને કરેલું વૃતાંત હ્રદયને સ્પર્સી ગયું. નમસ્કાર.

Chandrakant Dhal

14-08-2021

Completing 300 days of Kavyawishva is a splendid work indeed Lataben. Many congratulations for your untiring work and enthusiasm for the service of Gujarati literature and poetry. You are reaping fruits of your perseverance by increasing readership and welcome of this website. Wish you more success of your endeavor in the coming time.

Harshad Dave

14-08-2021

આદરણીય શ્રી લતાબેન,
દરરોજ ગુજરાતી કવિતા અને કવિતાના આસ્વાદો પીરસવા માટે ધન્યવાદ.
કાવ્યવિશ્વ ૩૦૦ દિવસ પૂર્ણ કરે છે ત્યારે હ્રદયપૂર્વક અભિનંદન.

લલિત ત્રિવેદી

14-08-2021

આદરણીય લતાબેન
નમસ્તે
301 મો અંક… અદભુત પ્રાપ્તિ
અનેરી પણ… કેમ કે આવી રસાળ . સામગ્રી.. સમગ્ર રીતે…. ક્યાંય હોય તો મને ખબર નથી… ખૂબ ખૂબ અભિનંદન અને રાજીપો… આનંદ

અરવિંદભાઈ દવે

14-08-2021

વાહ લતાબેન…..
૩૦૦ દિવસ…..!!! આપની આ સફર સરળ જરાય નથી….પણ, આપે એને સહજ બનાવી દીધી….!!!
સાહિત્યની સેવાનાં આપના ધ્યેયની by product કેટલી પ્રેરક છે, તે ખાસ કરીને આ ગ્રુપનાં ૧૧૬ સભ્યોએ તો અનુભવ્યું જ છે……
આપનું સમર્પણ અભિનંદનીય છે……
કાવ્ય-વિશ્વને ખૂબ ખૂબ અભિનંદન…….
🌹💐🕉️

ભારતી રાણે

14-08-2021

લતાબહેન, ૩૦૦મા પગલે હાર્દિક અભિનંદન. આ કામ તમે દીલથી કર્યું છે તે દેખાઈ આવે છે. તમારો શ્રમ, સાતત્ય અને પ્રતિબદ્ધતા અત્યંત સરાહનીય છે. તમારા હાથે નિરંતર સાહિત્યસેવા થતી રહે તેવી શુભેચ્છાઓ.

ભારતી રાણે

14-08-2021

લતાબહેન, ૩૦૦મા પગલે હાર્દિક અભિનંદન. આ કામ તમે દીલથી કર્યું છે તે દેખાઈ આવે છે. તમારો શ્રમ, સાતત્ય અને પ્રતિબદ્ધતા અત્યંત સરાહનીય છે. તમારા હાથે નિરંતર સાહિત્યસેવા થતી રહે તેવી શુભેચ્છાઓ.

ભારતી રાણે

14-08-2021

લતાબહેન, ૩૦૦મા પગલે હાર્દિક અભિનંદન. આ કામ તમે દીલથી કર્યું છે તે દેખાઈ આવે છે. તમારો શ્રમ, સાતત્ય અને પ્રતિબદ્ધતા અત્યંત સરાહનીય છે. તમારા હાથે નિરંતર સાહિત્યસેવા થતી રહે તેવી શુભેચ્છાઓ.

Sandhya Bhatt

14-08-2021

તમને ખૂબ બધા અભિનંદન…તમારો કાવ્યરસ,મહેનત,નિષ્ઠા અને સાતત્યને વંદન…તમને સર્વ અનુકૂળતા મળતી રહો…👏👏👏👏💐

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-08-2021

આદરણીય લતાજી,
આપના ‘કોરા કાગળ’ પરનું દિલ ખોલીને કરેલું વૃતાંત હ્રદયને સ્પર્સી ગયું. રહી વાત સંપાદકિય ટીમ કરવાની આપની ઈચ્છા. મને સમજાય છે કે એકલપંડે આપે ઉપાડેલું બહુ આયામી ‘કાવ્ય વિશ્વ’નું કામ લાંબા સમય સુધી કરવા માટે ભાવકો અને સાહિત્યકારોનો સહકાર જરુરી છે જ. બને તો યુવાન જાણીતા સાહિત્યકારોમાંથી કોઈની પસંદગી થાય અને કોમ્પ્યુટરવા જાણકાર હોય એવા મિત્રો આ અભિયાનમાં જોડાય તો લાંબા સમય સુધી કામ કરી શકાય. જેઓ કશું પણ મેળવવાની દાનત વગર સારું કામ કરે છે એને મદદ મળી જ રહે છે. આપને જરુરથી બધામાં સફળતા મળશે જ. નમસ્કાર’, હાર્દિક શુભેચ્છાઓ.

Geeta Kothari

14-08-2021

A great service to Gujarati Sahitya.Totally innovative idea very well nurtured.All the best in all your endeavours.Geeta Kothari

હિમાંશી શેલત

14-08-2021

ચીવટથી કરેલ સરસ કામ.

Vivek Tailor

14-08-2021

વાહ… અઢળક મબલખ અભિનંદન અને અપાર અસીમ સ્નેહકામનાઓ…

આમ તો શૂન્યની કોઈ કિંમત હોતી નથી પણ આ ૩૦૦ના આંક પાછળ ઝડપથી શૂન્ય ઉમેરાય એવી શુભેચ્છા…

સિકંદર મુલતાની

14-08-2021

બેન..આપની સિહિત્યિક-પ્રીતિને સલામ..
૩૦૦ દિવસ પૂરા થયાં એ નિમિત્તે અભિનંદન.. સુકામનાઓ..
‘દિલની વાત’ આપે દિલ ખોલીને કરી.. ‘કાવ્યવિશ્વ’ના દરેક એપિસોડનું સંકલન
રસપ્રદ હોય છે.. ફરી અભિનંદન.. શુભેચ્છાઓ..🌹🌹

પારૂલ બારોટ

14-08-2021

લતાબહેન તમે જે કામ કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય છે. એકલાં હાથે અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે…હું હંમેશા તમારી સાથે છું. તમારા બધાં જ એપીસોડ હું જોઉં છું અને મને ગમે છે…તમારી સખત મહેનત દર્પણની માફક દેખાય છે…👌👍💐

મનોહર ત્રિવેદી

14-08-2021

સરસ. તમારા પરિશ્રમ અને સૂઝબૂઝ કવિતા તરફ ભાવકોને ખેચશે એવી શ્રદ્ધા છે. ત્રણસો ત્રણસો દિવસ તમારી તન્મયતામાં સ્નેહનું સિચન કરતા રહેશે.
સ્નેહ અને સુકામનાઓ.

મણીલાલ હ. પટેલ

14-08-2021

તમે સરસ કામ કરી રહયાં છો 👍 અનેકને એનો લાભ મળે છે 🍀 તમે જે વાતો 300 દિવસ સંદર્ભે લખી એ ઉચિત છે 🌹
અભિનંદન
ઓલ દ બેસ્ટ👍👍👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: