‘કાવ્યવિશ્વ’નો 200મો પડાવ
પ્રિય મિત્રો,
‘કાવ્યવિશ્વ’ના બસ્સોમા દિવસે આજે તમારી સાથે ફરી એકવાર સંવાદ કરવા હાજર છું. આ કામની શરૂઆત કરી ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું, “આ વેબસાઇટ કેમ શરૂ કરી ?” દિવસના કામના કલાકોનો આંકડો પણ ક્યારેક મને આ સવાલ પૂછી લેતો હતો અને હજી પૂછે છે. આંખ બંધ કરું તો જવાબમાં મને કવિતા પ્રત્યેના અનહદ પ્રેમ સિવાય બીજું કાંઇ અનુભવાતું નથી. “તમે સર્જક છો અને તમારા સર્જકત્વને આંચ નહીં આવે ને?” એવો સવાલ બે-ચાર મિત્રોએ પૂછેલો ! આ જ સવાલ મેં પણ મારી જાતને અનેકવાર પૂછ્યો છે ! છ મહિના સુધી એનો જવાબ મારી પાસે નહોતો. હવે છે, “ના, નહીં આવે.” સર્જક અને ભાવક – મારી અંદર રહેલા બંને વિશ્વોને આ કાર્યથી પુષ્ટિ અને સંતુષ્ટિ મળે છે.
આ હજુ મારું પણ સુખદ આશ્ચર્ય છે કે કવિતાના તમામ પાસાં આવરી લેતી કાવ્યસાહિત્યની આવી વેબસાઇટ બની ગઈ ! આવું કામ મારાથી થઈ ગયું ? હા, ચોક્કસ એવું થાય છે. ગયા વર્ષનું લોકડાઉન, એ અધિક નવરાશની પળોમાં, વર્ષોથી મનમાં ઘૂંટાતા રહેતા વિચારનું અમલીકરણ અને આજે આ પડાવ !! વિચારને આચારમાં મૂક્યા પછી મિત્રો પાસેથી સલાહ, સૂચન, આઇડિયા મળ્યાં છે, મળતા રહ્યાં છે અને એ ઉપકારક વાતોએ મને જબ્બર તાકાત પૂરી પાડી છે. આજે આશ્ચર્ય, આનંદ અને ગૌરવના ત્રિભેટે હું ઊભી છું ત્યારે એ મિત્રોને દિલથી યાદ કરું છું.
ગણિતમાં સાવ કાચી હું, અને આંકડાઓ હવે મને શુષ્ક લાગતા નથી. જુઓ ને, 9 ઓકટોબર 2020ના શરૂ થયેલ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાના 200મા દિવસના પડાવે આ વેબસાઇટ પર વિઝિટનો આંકડો 9700 થવા જાય છે. રોજની સરેરાશ 50 જેટલી મુલાકાત થઈ ગણાય. ભાવકોએ લખેલા અભિપ્રાયોની સંખ્યા ક્યારની યે હજારને પાર કરી ચૂકી છે. એમાં હવે ગણતરી શક્ય નથી.
‘કાવ્યવિશ્વ’ના વિભાગો વિશે મારા પ્રથમ લેખ ‘કાવ્યવિશ્વની સફર’માં વિગતવાર વાત કરી ચૂકી છું પણ ટૂંકમાં ફરી. ‘કાવ્યવિશ્વ’માં કુલ આઠ પેજ છે. સાથે સાથે આજ સુધી એમાં કેટલું કામ થયું છે એના આંકડાય આપી દઉં !
1. ‘કાવ્ય’ – ટૂંકી નોંધ-આસ્વાદ અને વિડીયો પ્રાપ્ય હોય તો સંગીત સાથે રોજ કવિતા (કુલ 212)
2. ‘અનુવાદ’ – જે ભાષામાંથી અનુવાદ કરવામાં આવ્યો હોય એ કાવ્ય સાથે અનુવાદિત કાવ્ય (કુલ 19)
3. ‘આસ્વાદ’ – કવિતાઓના આસ્વાદો (કુલ 25)
4. ‘સેતુ’ – કવિઓ અને કવિતાને લગતી રસપ્રદ બાબતો/લેખો (કુલ 25)
5. ‘સર્જક’ – ગુજરાતી અને ભારતીય કવિઓના પરિચયલેખો (કુલ 26)
6. ‘સ્વરૂપ’ – કાવ્યસ્વરૂપો પરના લેખો (કુલ 9)
7. ‘સંચય’ – મૂર્ધન્ય કવિઓના હસ્તાક્ષરો, હસ્તલિખિત કવિતાઓના ફોટાઓ વગેરે (આર્કાઈવ્ઝ કુલ 26)
8. ‘સંવાદ’ – જેમાં આપની સાથે વાર્તાલાપ થઈ રહ્યો છે.
આ ઉપરાંત રોજેરોજ અપડેટ થતો નવમો વિભાગ ‘વિશેષ’ ખરો જ. જેમાં દેશ-વિદેશના સાહિત્યકારો-કલાકારોના જન્મદિવસ કે પૂણ્યતિથિની નોંધ દરરોજ મુકાય છે. કવિઓના નામ સાથે એમના કાવ્યની પંક્તિ અને લેખકો, પત્રકારો, સંગીતકારો, ગાયકો અને અન્ય મહાનુભાવોના નામની નોંધ આપવામાં આવે છે.
આમ ‘કાવ્યવિશ્વ’ના કુલ આઠ પેજ પર 200 દિવસમાં કુલ 342 પોસ્ટ મુકાઇ છે. ‘કાવ્ય’ સિવાયના બીજા વિભાગોમાં વધારે કામ કરવાની જરૂર છે પરંતુ અત્યારે તો આટલું શક્ય બન્યું છે. વધારે લોકોની મદદ મળશે તો ઘણું વધારે કામ કરી શકાશે.
કવિઓ માટે ખાસ વાત – હું જાણું છું કે હજી બધા કવિઓને હું આવરી શકી નથી. હજી કેટલાય સારા કવિઓને અહીં આવકારવાના બાકી છે. સારા કવિઓની સંખ્યા પણ એટલી છે કે છ મહિના પૂરાં થઈ ગયા છતાં, રોજેરોજ પોસ્ટ મુકાતી હોવા છતાં, લગભગ પાંચ-સાત કવિ સિવાય (અને તેય ખાસ કારણસર) કોઈને રિપીટ નથી કર્યા છતાં, અનેક સારા કવિઓને ‘કાવ્યવિશ્વ’માં હજુ વધાવવાના બાકી છે ! એમ તો રવિવાર ‘રવિગાન’ માટે રાખ્યો છે તો પણ કોઈ ‘ખાસ દિવસ’ આવતો હોય તો રવિવારે પણ એ અંગે કવિતા લેવાઈ છે. વિશેષ દિવસોએ જે તે વિષયની કવિતા આવે એની શક્ય એટલી કાળજી લીધી છે.
આ વેબસાઇટ જીવનમાં એક નવો આરંભ હતો, સાહસ હતું અને છે. સાતત્ય જાળવવા સતત સજ્જ રહેવું પડે છે અને એની મજા યે છે જ. આઇડિયા-સલાહ-સૂચનો દ્વારા મિત્રોએ મને મદદ કરી છે. રહી આ મોરચે કામ કરવાની વાત, તો એકલે હાથે આ યજ્ઞ આદર્યો છે એમ કહી શકું. આમાં આનંદ જ આનંદની પ્રાપ્તિ છે. મારું ભીતર સમૃદ્ધ થતું જાય છે. હું કોઈ નિષ્ણાત નથી. વાંચું છું, વિચારું છું, લખું છું, શીખું છું અને વહેંચું છું.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેતા રહીને, પોતાના પ્રતિભાવો આપતા રહીને, મારા આ નિયમિત સુખશ્રમને બિરદાવતા રહીને, મારો ઉત્સાહ વધારનારા અનેક કવિઓ-ભાવકો છે જેનાથી મારું કામ કરવાનું બળ જળવાઈ રહે છે. કેટલાક તો નિયમિત કે રોજેરોજ મુલાકાત લેનારા કવિઓ-ભાવકો છે, જેમના હું નામ વાંચું ને મારામાં સ્ફૂર્તિ આવી જાય. સૌને હું ભાવપૂર્વક વંદન કરું છું.
આપણા ઉમદા ગાયકો શ્રી અમર ભટ્ટ, શ્રી નમ્રતા શોધન, ડો. ફાલ્ગુની શશાંક, રિષભ મહેતા, ગાયત્રી ભટ્ટ, નેહા સોલંકી, હીરવા-શ્રેષ્ઠા નાણાવટી અને બીજા અનેક ગાયકોની હું ઋણી છું જેમણે ખૂબ પ્રેમથી પોતે ગાયેલા ગીતો મને આપ્યાં છે, યુટ્યુબ પરથી લેવાની સહર્ષ સમ્મતિ આપી છે. શ્રી મૌલિક રામી ‘વિચાર’ મને ટેકનીકલ કામમાં સતત મદદરૂપ થતા રહ્યાં છે. સૌને હું ભાવપૂર્વક વંદન કરું છું.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ કવિઓ, ભાવકોની હું હૃદયપૂર્વક ઋણી છું. આમ જ આપનો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા છે. નિજાનંદે કામ કરવાની વાત સો ટકા સાચી છે. એ વગર આ પ્રોજેકટ શરૂ જ ન થઈ શક્યો હોત પરંતુ આપ સૌના સહકાર વગર એ કેટલું આગળ વધ્યું હોત ! ખબર નથી. રોજ મુલાકાતીઓનો આંકડો નોંધવો ગમે જ છે અને રોજ મિત્રોના અભિપ્રાયો વાંચવા પણ એટલા જ ગમે છે. ‘કાવ્યવિશ્વ’ને આપના આગમન-અભિપ્રાયો-સૂચનોની સતત જરૂર છે.
વેબસાઇટ લોન્ચ થયાના પ્રથમ દિવસે જ એટલે કે તા.17-18 ઓકટોબરે ‘સંવાદ’માં મારા પ્રથમ લેખના અંતે લગભગ પચાસેક જેટલા પ્રતિભાવો હતા અને એમાં કેટલા વિદ્વાન કવિઓ-સાહિત્યકારોએ આ પ્રોજેક્ટને આવકાર આપેલો ! આ નામો વાંચીને મને કેવો રાજીપો થયો હશે, આપ સમજી શકો છો… એ પછી પણ એ લેખમાં પ્રતિભાવો મૂકાતા રહ્યાં. આજે એનો આંકડો છે એકસોપાંસઠ ! અલબત્ત અભિપ્રાય લખવાની વ્યવસ્થા બે વાર બદલવી પડી એટલે તારીખો નથી જળવાઈ.
‘કાવ્યવિશ્વ’ને આજે 200 દિવસ પૂરાં થયાં. જોતજોતામાં છ મહિના પૂરાં થઇ ગયા. આનંદ અનુભવાય, ઉજવણી કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. જો કે આજે રાજયમાં, દેશમાં જે વાતાવરણ છે એ પીડા પહોંચાડનારું છે. પણ પોતાના કામ તો કરવાં જ રહ્યાં.
મિત્રો, છેલ્લી વાત. હવે ટીમ બનાવવાની ઇચ્છા છે જેથી વધારે કામ થઈ શકે. ડગલે ને પગલે ગૂગલ કરનારી અને નેટસેવી ભાવિ પેઢી માટે કવિતાના ક્ષેત્રમાં આ વેબસાઇટ એક નોંધપાત્ર અને આધારભૂત પ્લેટફોર્મ બને એવું સપનું છે. કોઈને આ યજ્ઞમાં જોડાવાનું મન થાય તો જરૂર સંપર્ક કરવો, મને આનંદ થશે.
– લતા હિરાણી
OP 5.5.2021
કુલ પ્રતિભાવ 32
એષા દાદાવાળા
09-05-2021
લતા હિરાણી કવિતા માટે, ભાષા માટે ધૂણી ધખાવીને બેઠા છે. મને બરાબર યાદ છે એક વર્ષ પહેલા એમણે મને પૂછેલું-ફેસબુક પેજ કેવી રીતે બનાવાય? આજે એ ફેસબુક-સેવી થઇ ગયા છે અને Kavyavishva કાવ્યવિશ્વ વેબસાઇટ પર નિયમિતપણે મૂકાતી કવિતાઓ-આસ્વાદ, અનુવાદો નિયમિતપણે ફેસબુક પર શેર કરતા રહે છે. લતાબેન મારા ગમતા કવિ છે. કવિતા લખતા-કવિતા પોસ્ટ કરતા ટેકનોસેવી લોકો ઘણાં છે, પણ કવિતા માટે ટેકનોસેવી થતા બહુ જૂજ લોકોમાં લતાબેન એક છે.
તમારું Kavyavishva કાવ્યવિશ્વ આમ જ મ્હોરતું રહે…
લવ યુ લતાબેન.
એષા
રક્ષા શુક્લ
09-05-2021
આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન…
ભીખેશ ભટ્ટ
08-05-2021
ખુબ ખુબ ધન્યવાદ અને શુભ કામનાઓ !!
– તમે આધુનિક ટેક્નોલોજીના યુગને અનુરૂપ એવું બહુ મહત્ત્વનું સાહિત્ત્યિક કાર્ય કરી રહ્યા છો. સાહિત્યની આ અને આવતી પેઢી તમારી ઋણી રહેશે…
…બહુ બધી શાબાશી અને બહુ બધી શુભેચ્છાઓ લતાજી !
ધાર્મિક પરમાર
07-05-2021
આપને દિલથી વંદન. ઉત્તમ કૃતિઓ અને સાહિત્ય એક મંચ પર વાંચવા મળે છે એનો અનહદ આનંદ છે. આપના અથાગ પરિશ્રમ અને પ્રયત્નોને ફરી સેલ્યુટ
અરવિંદભાઈ દવે
07-05-2021
લતાબેન,
આપ કહો છો કે, “આવું કામ મારાથી થઈ ગયું ?”
પણ, વાસ્તવિકતા તો એ છે કે, “આ કામ પણ આપણાથી થઈ ગયું…
આપનાં દ્રઢ સંકલ્પ અને ખંતથી આ થયું…
અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો….
૨૦૦ દિવસો….કાયમ હાજર થવાનું….આ વિશેષ કરતા પણ કંઈક વિશેષ છે…..
ખૂબ ખૂબ અભિનંદન….શુભેચ્છાઓ….
💐💐💐
લતા હિરાણી
07-05-2021
રસીલાબેન, આવકાર અને આનંદ. વાંચતાં રહેજો.
મેવાડાજી, છબીલભાઈ અને લલિતભાઈ ઘણા વિભાગોની મુલાકાત અને પ્રતિભાવો મને પ્રોત્સાહિત કરે છે. આભાર.
હસમુખભાઇ, સુરેશચંદ્ર, પરબતભાઇ, સુરેશ જાની…. આભાર આભાર
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ ભાવકોની હું આભારી છું.
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
07-05-2021
માનનીય લતાજી, આવા કામ માટે ઘણો સમય નો ભોગ આપવો પડે, નિષ્ઠાથી સરસ કામ માટે સહકાર પણ જરૂરી છે જ. આપને શુભેચ્છાઓ.
રસીલા કડિયા
06-05-2021
લતાબેન,
કાવ્યો વાંચવા કરતા મને એનું પઠન સાંભળવું વધુ ગમે .હા,પણ તમે મને વાચનરસિયણ બનાવી દીધી,હં.
બહુ ગમ્યું તો એ કે તમે કવિઓના હસ્તાક્ષર સાચવ્યા છે અને કાવ્યોને અપાયેલો કંઠ પણ સાચવ્યો છે.
અનુવાદમાં અસલ કવિતા સાથે હોવાથી મઝા બેવડાય છે.
રસીલા કડીઆ
PARBATKUMAR
06-05-2021
વાહ
૨૦૦માં પડાવમાં હૃદયસ્પર્શી વાતો.
ગુજરાતી સાહિત્યનું સાચું સરનામું બનીરહ્યું છે કાવ્ય વિશ્વ
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
હરીશ ખત્રી
06-05-2021
‘કાવ્યવિશ્વ’ ના ૨૦૦મા પડાવે તમે વ્યક્ત કરેલી સંવેદના હ્રદયસ્પર્શી રહી. જવાબદારીઓ છતાં તમારું જોમ, જુસ્સો અને ઉત્સાહ બરકરાર રહ્યા છે તેનો આનંદ! હજી નવા પડાવ સર કરવાની તમારી ધગશ જોઇને થાય છે હાલના કોરોનાકાળના કપરા સંજોગોમાં પણ વિષાદ કે નિરાશાને તમે પાસે ફરક ફરકવા દીધાં નથી, બલ્કે બમણાં ઉત્સાહથી આગળ વધવાનો દ્રઢ સંકલ્પ જ પ્રતીત થાય છે.
અઢળક અભિનંદન અને ભરપૂર શુભેચ્છાઓ!.
લલિત ત્રિવેદી
06-05-2021
અદભુત
આપના શ્રમ સુખ/સુખ શ્રમ ને અભિનંદન….. આપની પ્રીતિને વંદન
૨૦૦ અંક સુધી પહોંચવું અને એ જ તાજગી અને સ્ટાન્ડર્ડ સાચવવું…. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને રાજીપો
હસમુખ અબોટી ‘ચંદન’
06-05-2021
૨૦૦ પડાવમાં કેટકેટલું કામ થયેલું. માતબર કવિઓ ને ઉત્તમ કવિતા, તેનું રસદર્શન ને ગાયન આપી ‘શબ્દમંજૂષ’ તૈયાર કરી છે, જેને કોઈ તાળું નહીં, નહીં તેની કૂંચી ! નહીં માલિકીપણું ! લતાબહેન આ પ્રકારનું ને આવી હેસિયત વાળું : નિસબતનું કામ કરવું અઘરું છે હો ! કરે તેને ખબર પડે. તમને આ માટે અભિનંદન ને આભારની છાલક મુબારક હો..
સુરેશ ‘ચંદ્ર’ રાવલ
06-05-2021
લતાબેન ‘કાવ્ય વિશ્વ’ને છ મહિના થયાં તે અતિ આનંદનો વિષય છે…સાહિત્ય તરફની આપની અપ્રતિમ ઋચી, લગાવ મહેનત , સુંદર પરિણામ લાવી રહ્યું છે…’કાવ્ય વિશ્વ ‘ ખૂબ સફળ થઇ રહ્યું છે…ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છાઓ..
લતા હિરાણી
06-05-2021
રેણુકાબેન, વંદનાબેન, દેવિકાબેન અને સુનિતાબેન ખૂબ ખૂબ આભાર.
છબીલભાઈ, પ્રફુલ્લભાઈ, વ્રજેશભાઈ, સુરેશભાઇ, ચંદ્રકાંતભાઈ, ઇંગિતભાઈ, સ્નેહીભાઈ, વિવેકભાઈ, દીપકભાઈ ખૂબ ખૂબ આભાર.
વ્રજેશ મિસ્ત્રી
06-05-2021
બસ્સોમા પડાવ માટે ખૂબખૂબ શુભેચ્છાઓ
કાવ્યવિશ્વ વિકસે – વિસ્તરે તેવી અભ્યર્થના
સુરેશ જાની
06-05-2021
હાર્દિક અંભિનંદન.
બહુ મોટું કામ હાથમાં લીધું છે. ખૂબ અઃગળ ધપો.
વંદના શાંતુ ઇન્દુ
05-05-2021
કાવ્યવિશ્વ ની ડબલ સેંચૂરીના અગણિત અભિનંદન. લતાબેન,મહેનત રંગ લાવે તેનો આનંદ અનેરો હોય.
બધાં વિભાગ ગમે છે પરંતુ અનુવાદ વધારે ગમે છે.
તમારી કાવ્ય પસંદગીને દાદ આપવી પડે. રવિ ગાન રવિવાર વિશેષ બનાવે છે. શુભેચ્છા સહ સાદર
ચંદ્રકાંત ધલ
05-05-2021
લતાબહેન કાવ્યવિશ્વને શરૂ કરવાથી લઈને અત્યાર સુધી એમાં ગુણવત્તા સાથેની સાતત્યતા અને વૈવિધ્યતા જાળવવી અને નિભાવવી એ કઠણ કામ છે જે તમે કરી બતાવ્યું છ એ માટે તમે અભિનંદનના પાત્રી છો. આશા છે દરરોજ નવી કવિતાની મારા જેવા ભાવકોને ઉત્સુકતા રહે છે તે સદા રહેશે અને સંતોષાતી રહેશે. શુભેચ્છા.
ઈંગિત મોદી
05-05-2021
કાવ્યવિશ્વ…. રોજ સવારે મુલાકાત લેવા ની આદત બનતી જાય છે… Thank you so much લતાબેન…….
ચંદ્રકાન્ત ધલ
05-05-2021
બસ્સોમો પડાવ વાંચ્યો સવારે જ ત્યારે જ પ્રતિભાવ આપવાનું મન થયું પણ અચાનક વ્યસ્તતાને કારણે શક્ય ન બન્યું. લતાબહેન કાવ્યવિશ્વને શરૂ કરવાથી લઈને અત્યાર સુધી એમાં ગુણવત્તા સાથેની સાતત્યતા અને વૈવિધ્યતા જાળવવી અને નિભાવવી એ કઠણ કામ છે જે તમે કરી બતાવ્યું છ એ માટે તમે અભિનંદનના પાત્રી છો. આશા છે દરરોજ નવી કવિતાની મારા જેવા ભાવકોને ઉત્સુકતા રહે છે તે સદા રહેશે અને સંતોષાતી રહેશે. શુભેચ્છા.
રેણુકા દવે
05-05-2021
કાવ્યયવિશ્વના બસ્સો દિવસ પૂરા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ, લતાબેન..
ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. કવિતાને સ્પર્શતાં દરેક પહેલુ ની ચર્ચા થઈ રહ્યું છે, તેથી કવિતાને વધુ ઊંડાણપૂર્વક, વધુ સારી રીતે સમજી શકાય છે. તમારા આ ઉમદા કાર્યને અઢળક અભિનંદન..
અઘરું કામ છે, પણ અસંભવ નથી તે તમે સાબિત કરી આપ્યું છે. હજુ ઘણી લાંબી સફર ખેડવાની છે. તમારું આ આયોજન ભવિષ્યના સાહિત્ય કારોને પણ ઉપયોગી નીવડશે, તેમાં શંકા નથી.
મારા લાયક કામકાજ જણાવજો.
લખતાં રહેજો
તબિયત સંભાળજો.
Devika Dhruva
05-05-2021
પ્રિય લતાબહેન,
‘કાવ્યવિશ્વ’ના ૨૦૦માં પડાવ પ્રસંગે આપને ખૂબ ખૂબ અભિનંદન. કોઈપણ કામ યોગ્ય રીતે શરૂ કરવું અને એને સતત વ્યવસ્થિત રીતે ચલાવતા રહેવું તે ખૂબ સરાહનીય છે. આપના આ કામમાં સુંદરતા અને કાવ્યસમૃધ્ધિ બંને છે. નવા આયોજનની રાહ જોવાશે.
શરૂઆતથી જ સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે જે આજે ફરી એકવાર.
વેબગૂર્જરી, હ્યુસ્ટનની સાહિત્યસરિતા અને મારા પોતાના બ્લોગમાં ૧૪ વર્ષથી પ્રવૃત્ત છું. તેથી યત્કિંચિત ફાળો આપી શકીશ તો આનંદ જ થશે. આપની જેમ જ ‘કવિતા’ મારો આનંદ છે.
દેવિકા ધ્રુવ
સ્નેહી પરમાર
05-05-2021
કાવ્યવિશ્વ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે… ખૂબ આનંદ છે.
સ્નેહી પરમાર
વ્રજેશ મિસ્ત્રી
05-05-2021
લયસ્તરો માફક “કાવ્યવિશ્વ”માં પણ સ્થાન મળવું સર્જકો માટે ગૌરવપ્રદ છે…
વ્રજેશ મિસ્ત્રી
વિવેક ટેલર
05-05-2021
ખૂબ સરસ કામ થઈ રહ્યું છે…
વિવેક ટેલર
05-05-2021
ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક મબલખ સ્નેહકામનાઓ….
આ મુસાફરી અવિરત ચાલતી રહે એ જ અભ્યર્થના….
Sunita Chaudhary
05-05-2021
કાવ્યવિશ્વના આ વિશેષ પડાવે તમને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!
પ્રફુલ્લ પંડ્યા
05-05-2021
પ્રિય લતાબેન, જોતજોતામાં ” કાવ્ય વિશ્વ “વેબસાઇટે ૨૦૦ અંકો પૂરાં કરીને નેત્રદીપક ડબલ સેન્ચુરી ફટકારીને ગુજરાતી સાહિત્ય,કલા, સંસ્કૃતિ ક્ષેત્રે ખરાં અર્થમાં તરખાટ મચાવી દીધો છે.તમારી સંપાદકીય સૂઝ, સામગ્રીની પસંદગી અને સર્જકતાને પોષતી,વિકસાવતી દ્રષ્ટિએ બહુમૂલ્ય પ્રદાન નોંધાવીને તમારી ઉત્કટ સાહિત્ય પ્રિતીના પ્રતિતીકારક દર્શન કરાવ્યાં છે તે બદલ આપને હાર્દિક અભિનંદન ધટે છે.કાવ્ય વિશ્વ વેબસાઇટ ઝડપભેર લોકપ્રિય બનતી જ ઈ રહી છે તે આપની ચીવટ,કાળજી અને આકરી મહેનતને આભારી છે.કાવ્ય વિશ્વનું ભાવિ ઉજ્જવળ છે અને મારા સહિત સૌ સર્જકમિત્રો આપને ચોક્કસ જરૂરી સહકાર આપશે જ તેવી મને શ્રધ્ધા છે. લતા હિરાણી અને કાવ્ય વિશ્વ ઘણું જીવો !
પ્રફુલ્લ પંડ્યા
Dipak vakera
05-05-2021
ખૂબ સુંદર કામકરી રહ્યા છો આપ ખૂબ મનનની જરૂર પડે અને મહેનત માંગી લે એવું કામ છે આપને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ
છબીલભાઈ ત્રિવેદી
05-05-2021
ધ્રુવભટ્ઠ સાહેબ નીરચના અતિ સુંદર આવા દિગ્ગજ કવિ ની રચના ઓ માણવી તે જીવન નો લ્હાવો છે આભાર લતાબેન
છબીલભાઈ ત્રિવેદી
05-05-2021
કાવ્યવિશ્ર્વ જોત જોતામાં 200દિવસ પાર કરી ગયુ આપની લગન, મહેનત અને વિશેષ તો આપનો કાવ્ય પ્રત્યે નો પ્રેમ આવા ભગીરથ કાર્ય કરવા માટે નુ બળ છે, સાહિત્ય નો આવો સ્નેહ આપને થાક લાગવા નથી દેતો હજુ પણ આપ આગળ પ્રગતિ કરો તેવી શુભેચ્છા આભાર લતાબેન
પ્રતિભાવો