નરસિંહ મહેતા * Narsinh Maheta

જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે  …. 

કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો…  

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે…. 

નરસિંહ મહેતાને આપણે ‘આદ્યકવિ’ તરીકે જાણીએ છીએ. શું નરસિંહ કે શું મીરાં, જેમને આપણે ‘ભક્ત કવિ’ તરીકે ઓળખીએ છીએ, એમનું લક્ષ્ય કવિતા કરવાનું નહોતું. ‘ભકતકવિ’ના અર્થમાં મીરાં ખરી ઉતરે છે કેમ કે એની રચનાઓમાં કૃષ્ણપ્રેમ અને કૃષ્ણને પામવાની તાલાવેલી જ છવાયેલી છે. સ્વાભાવિક છે કે એ માટે આ સંસાર પ્રત્યેની ઉદાસીનતા પણ એમાં આવી જ જાય. નરસિંહ મહેતા પણ ભક્તકવિ તરીકે જ ઓળખાય છે પણ એની વાત જરા જુદી પણ કહી શકાય. જુઓ, ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’ નરસિંહ મહેતાનું આ અદભૂત વિધાન ! આનાથી મોટી કઈ વાત હોઇ શકે ? વેદો, ઉપનિષદોનો સાર આ એક વિધાનમાં ઠલવાયેલો છે. નરસિંહે જ્ઞાન, ભક્તિ, ઉપદેશ, વૈરાગ્યના અનેક પદો આપ્યાં છે. આમ એક તરફ એના પદોમાં આધ્યાત્મિકતા ભરપૂર ઊઘડી છે. તો સામે એણે શૃંગારના પૂરા 473 પદો આપેલાં છે, જેમાં એટલું જ રસિકપણું ભરેલું છે. શામળશાના વિવાહ, હારસમે, કુંવરબાઈનું મામેરું જેવા પ્રાસંગિક પદો તો ખરાં જ. એમ લાગે કે નરસિંહ કદાચ જીવનને બેલેન્સ કરવા માંગે છે ! ઈશ્વરે સર્જેલા જગતનો એ તિરસ્કાર કરતો નથી. એ આનંદ લેનારો અને એને ગાનારો કવિ છે.

નરસિંહ પાસેથી જે મળ્યું એ કંઠપરંપરાથી લોકો સુધી પહોંચ્યું. ઇ.સ. 1612માં એટલે કે નરસિંહનાં અવસાન પછી 134 વર્ષે એમણે લખેલાં પદોની હસ્તપ્રત મળી. શક્ય છે કે એમાં બીજું પણ ભેળવાઈ ગયું હોય. ડો.. શિવલાલ જેસલપુરાએ  એ હસ્તપ્રતોમાંથી કુલ 807 પદો તારવ્યા છે જેને નરસિંહ મહેતાના જ છે એવું કહી શકાય. આ પદોમાં                              

‘આત્મચરિત’ના કુલ 109 પદ,

જેમાં ‘શામળશાના વિવાહ’ના 34 પદ, ‘કુંવરબાઈનું મામેરું’ના 16 પદ, ‘હૂંડી’ના 8 પદ, ‘હારસમે’ના 51 પદ, ‘ઝારી’ના 4 પદ છે. સુદામાચરીતના 8, દાણલીલાના 12 પદો છે. વાત્સલ્યના પદોમાં કૃષ્ણજન્મના 9 અને બાળલીલાના 23 પદો છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના 65 પદો મળે છે.  

શૃંગારના 473 પદોમાં

રાસ 76, વસંત 22, વાંસળી 24, ઝાંઝરી 18, ચાંદલા 11, જળજમુના 9, દાણલીલા 13, ગોપીસંદેશ 10, નેત્રકટાક્ષ 32, મોહનમુખ 8, રિસામણાં 11, મહીવલોણા 4, હિંડોળા 23, ઉપાલંભ 21, વિરહ અને ઝંખનાના 52 પદો અને રતિસુખના 139 પદો આમ કુલ મળીને 473 પદો થાય છે.

આ ઉપરાંત ચાતુરીના 38 પદો છે. અને ડો. જેસલપરાએ પ્રકીર્ણમાં 27 અને પરિશિષ્ટમાં 39 પદો મૂક્યા છે. આ બધા મળીને કુલ પદોની સંખ્યા 807 થાય છે.

નરસિંહ મહેતાના કવનમાં જે શૃંગારરસ આલેખાયેલો છે, એને માટે તો એને કેદ થઈ. કેદમાં બેઠાં બેઠાં પણ એણે કવન કરવાનું ન છોડ્યું. રાજની બીક એને પોતાના કામમાંથી ડગાવી શકી નહીં. આ સમયનો એક પ્રસંગ જાણવા મળે છે. નરસિંહ મહેતા કેદમાં હતા ત્યારની વાત. એમને સખત તરસ લાગી અને પાસે પીવાનું પાણી નહોતું. અચાનક ક્યાંકથી એક સુંદર સ્ત્રી સોનાની ઝારી સાથે ઉપસ્થિત થઈ અને નરસિંહને પાણી પીવડાવ્યું. આ ચમત્કાર થયો હતો. શું આ ઈશ્વરનું મોહિની સ્વરૂપ હતું ? નરસિંહનાં પદોમાં આ વાત મળે છે.

નરસિંહને સાક્ષાત્કાર થયો, રાસલીલાનું જે દર્શન થયું એ ભગવદગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુનને જે વિશ્વરૂપદર્શન થયું એ પ્રકારનું છે. જે માત્ર અર્જુન જ જોઈ શકે છે અને નરસિંહ ગાય છે,

મૂરતે એકમાં ભૂતલે આવીયો…..

એ એક સમયખંડ હતો જેમાં નરસિંહે કૃષ્ણદર્શન કર્યું અને ફરી પાછો એ મૂળ સ્થિતિમાં આવી ગયો. આગળ એ કહે છે,

દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, સદીઓની મધ્યે થયો રે ગાવા…’

એટલે એ પોતે રાસલીલાનો જ ભાગ બની જાય છે કેમ કે એ એની ચેતનામાં જ ઘટેલી ઘટના હતી.      

કવિ જવાહર બક્ષી કહે છે, “નરસિંહની સર્જકતાનું મૂળ તેની ચેતનાની સ્થિતિમાં છે. ‘અચેત ચેતન થયો, ભવતણો અઘ (પાપ) ગયો, સૂતી ઉઠી મારી આદ્યવાણી …’ પંક્તિ નરસિંહની કવિતાની મુખ્ય ભૂમિકા છે. ઋષિઓની વાણી એનામાં જાગી ઉઠી હતી.”

નરસિંહ ભારતની આધ્યાત્મિક કે અતિપ્રાચીન પરંપરાનો ગવૈયો છે. એનું અતિપ્રસિદ્ધ પદ ‘જળકમળ છાંડી જા ને બાળા’માં કમળની સાથે નાગણ એ કુંડલિની યોગનું દ્યોતક છે. જેમાં એક પછી એક : કામ, ક્રોધ, લોભ, મોહને પાર કરવાના હોય છે અને અંતે ‘સહસ્ત્ર ફેણો ફૂંફવે’ એટલે જે આ સહસ્ત્રદળ કમળ છે ત્યાં સુધી પહોંચવાનું છે. અંતે ‘ગગન ગાજે હાથિયો’ જે બ્રહ્મ સુધી પહોંચે છે. આ બધાનું મૂળ એની ચેતનાની સ્થિતિમાં છે. એ નિપૂણ કવિ છે, એ યોગી છે, ભક્ત છે, અવધૂત છે અને વેદાંતી છે. એનામાં સમગ્રતા છે. એની જ્ઞાનકવિતામાં વેદ ઉપનિષદના પ્રમાણો વારે વારે મળે છે.

જુઓ આ પદો

જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે  …. 

કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો…  

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે…. 

નરસિંહ ક્રાંતિકારી કવિ પણ છે. એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં એ હરિજનવાસમાં જઈને ભજનો ગાય છે. નાગરો એને નાતબહાર મૂકે છે તોય એ તો “એવા રે અમો એવા રે તમે કહો તો વળી તેવા રે….” ગાઈ ઊઠે છે. આમ એનું કવન કશાય વિરોધથી ડગતું નથી.  

કવિ જવાહર બક્ષી નોંધે છે તેમ “નરસિંહ મહેતાની કાવ્યપ્રતિભા તો સ્પષ્ટ છે જ, પરંતુ જે રીતે તે રસ-અલંકાર-ભાવનો ઉપયોગ કરે છે તે જોતાં નગરકુળની પરંપરા પ્રમાણે તેણે કાવ્યશાસ્ત્રનો સ્વાધ્યાય અને અભ્યાસ કર્યો હોય તે શક્ય છે. તેના નીવડેલાં પદોને વાંચતાં તેમ માનવું અસ્થાને નહીં ગણાય. ‘ચાલ રમીએ સખી’ જેવાં પદોમાં તેણે શૃંગારનો સ્થાયી ભાવ રતિ તથા વસંતના ઉદ્દેપનનિભાવ માટે ‘મ્હોરિયા અંબ કોકિલા લવે કદંબ. કુસુમ કુસુમ રહ્યા ભ્રમર’ જેવા પ્રયોગો, ‘પાછલી રાતના નાથ પાછા વળ્યા’ જેવા પદોમાં ભાવપલટાઓ અને પ્રાસ, આંતરપ્રાસ, અંત્યપ્રાસ, વર્ણાનુપ્રાસ, રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા અને ઝૂલણા છંદ તથા ચરણાકુળના લય પર એની જે પકડ છે તે જોતાં તે નિપુણ કવિની ઓળખ આપે છે.”….. “નાચતાં નાચતાં નયણ નયણા મળ્યા’ જેવા શૃંગારના પદોમાં કે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ જેવા વાત્સલ્યના પદોમાં નરસિંહનાં અદભૂત લયશિલ્પોનું દર્શન થાય છે. તેના અમુક પદો તેને વિશ્વસાહિત્યમાં સ્થાન અપાવી શકે એટલો મોટો આ કવિ છે.”

ઉમાશંકર જોશીએ એને ‘ઉજ્જવળ વાણીનો કવિ’ કહ્યો છે કેમ કે એની ચેતના એ સ્તર પર છે. નરસિંહ સાકાર અને નિરાકાર ભક્તિના મિશ્રણનું જ્વલંત ઉદાહરણ છે. એનામાં કબીરની નિરાકાર વાણી અને મીરાંનું સાકાર ગાન બંને એકસરખી તીવ્રતાથી મળી આવે છે.

લતા હિરાણી 

(કવિ અને સંશોધક ડો. જવાહર બક્ષી સાથે થયેલા ટેલિફોનિક સંવાદને આધારે. ડો. જવાહર બક્ષી પોતે નરસિંહ મહેતાની અઢારમી પેઢીએ વારસ છે અને નરસિંહનાં પદો પર એમણે પચીસ વર્ષ સંશોધન કરેલું છે એટલે એમની પાસેથી મેળવેલી માહિતીએ આ લેખને  સમૃદ્ધ બનાવ્યો છે. આભાર. લતા હિરાણી.

અભ્યાસ માટે અન્ય ગ્રંથો 

  1. નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા – ડો. જવાહર બક્ષીનો સંશોધનગ્રંથ
  2. ‘શબ્દવેદ’ – નરસિંહ મહેતાની સમગ્ર કવિતા સંકલન ઉર્વીશ વસાવડા

OP 19.10.2020

7 Responses

  1. 30/03/2024

    […] નરસિંહ મહેતા * Narsinh Maheta […]

  2. 30/03/2024

    […] નરસિંહ મહેતા * Narsinh Maheta […]

  3. 30/03/2024

    […] નરસિંહ મહેતા * Narsinh Maheta […]

  4. 30/03/2024

    […] નરસિંહ મહેતા * Narsinh Maheta […]

  5. 30/03/2024

    […] નરસિંહ મહેતા * Narsinh Maheta […]

  6. 30/03/2024

    […] નરસિંહ મહેતા * Narsinh Maheta […]

  7. 30/03/2024

    […] નરસિંહ મહેતા * Narsinh Maheta […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: