જયંત પાઠક ~ દક્ષા વ્યાસ * Jayant Pathak * Daksha Vyas

પૂર્વ-પશ્ચિમની પ્રશિષ્ટ કવિતાથી સંસ્કારાયેલી અને પૂરોકાલીન – સમકાલીન ગુજરાતી કવિતાથી યત્કિંચિત પ્રભાવિત જણાતી કવિ જયંત પાઠકની કાવ્યયાત્રા છ દાયકા સુધી એકધારી વિજય પંથે ચાલતી રહી છે. ‘મર્મ’ અને ‘સંકેત’ની કવિતા એ ઘડતરકાળની, સમયની સાથે રહેવાની કોશિશ કરતી કવિતા જણાય છે. તથાપિ કાવ્યપદાર્થની રઢ અને લગન  તથા કવિપ્રતિભાનું તેજ એમાં પણ પ્રકાશિત થયેલા માણી શકાય છે. તેથી જ પ્રભાવોમાંથી બહાર નીકળવું એમની નિયતિ બની રહે છે. ‘વિસ્મય’થી એમની કાવ્યશક્તિનો વિસ્મયલોક ઉઘડવા કરે છે અને કાવ્યરસથી તરબતર સુવાસિત, સુકુમાર, પ્રફુલ્લ પુષ્પ સ્વરૂપે વિકસે છે. આ સંદર્ભે તેઓ વિકાસશીલ કવિ કહેવાયા છે.

કવિની કાવ્યયાત્રા પાંચમા દાયકાથી આરંભાયેલી જોઈ શકાય છે. આ સમયની કવિતાના લાક્ષણિક ઉન્મેષો : નિર્ભેળ સૌંદર્યની આરાધના, રૂપનિર્માણનો વિશેષ સભાન આગ્રહ, અસ્તિવાચક મૂલ્યોમાં સભાનતા, અધ્યાત્મનું આકર્ષણ, રવીન્દ્રનાથની ઊર્મિશીલતા-રહસ્યવાદિતા-સૌંદર્યાનુરાગીતાનો પ્રભાવ, નાજુક-છટકણા-સૂક્ષ્મ ભાવોની કલાત્મક માવજત, છંદોને ઘૂંટવાનું વલણ, લયસાધના, શબ્દ-વર્ણના ધ્વનિમૂલ્ય અંગેની સભાનતા, સૌષ્ઠવ અને લાઘવયુક્ત અભિવ્યક્તિ, અનુભૂતિ જેટલું જ અભિવ્યક્તિનું મૂલ્ય, ઇંદ્રિયગ્રાહ્ય કલ્પનો-ભાવપ્રતીકો અને અંતર્મુખતાનાં તત્વો એમની કવિતામાં ભરપૂરતાથી અંકિત છે. તેથી જ આ સૌંદર્યલક્ષી ધારાના પ્રમુખ કવિઓમાંના રાજેન્દ્ર-નિરંજનની સાથે ઉશનસ-જયંત પાઠકની જોડીને પણ મૂકવાની થાય છે. પ્રમુખ કવિ ઇતિહાસ સર્જે છે. પોતે નિર્મેલા માર્ગ પર ચાલે છે અને કવિતાની ધરતીમાં મૂળિયાં ખોડીને એક ઉત્તુંગ વૃક્ષરૂપે ઊભવાના શક્તિ-સામર્થ્યનું સુભગ દર્શન કરાવે છે. જયંત પાઠકની કવિતામાંથી પસાર થતાં આ પ્રતીતિ થાય છે.

સ્વાતંત્ર્યોતર કાળના આધુનિક ભાવબોધ કે બદલાયેલા મિજાજના ખાસ અણસાર એમની કવિતામાં જડતા નથી. અનુભૂતિની સચ્ચાઈને વળગી રહીને કવિ પોતાને માર્ગે આગળ વધતાં રહે છે. એમાં કવિતામાં સતત કશુંક નવું કરવાની મથામણ પ્રગટતી રહે છે. એ જ કવિતાને સદા તાજી અને જીવંત રાખે છે, એટલું જ નહીં, ‘આધુનિક’ પણ ઠરાવે છે. છાંદસ અભિવ્યક્તિ સહજ હોવા છતાં કવિ અછાંદસ અપનાવે છે અને એનું પોતાનું વ્યાકરણ રચી લે છે. તેથી એમનું અછાંદસ કોઈનો પડઘો પાડતું નથી કે ટોળામાં ભળી જતું નથી. કલામાત્રની જેમ કવિતા રૂપાયતનની પ્રક્રિયા છે. કવિનું કામ અમૂર્ત સંવેદનને ઇન્દ્રિયસંવેદ્ય રૂપ આપવાનું છે. શબ્દેશબ્દના કાવ્યમૂલ્ય અને પ્રસ્તુતતા દ્વારા શુદ્ધ કવિતાનું સર્જન કરવાનું છે. કોઈપણ પ્રકારના ઊહાપોહ કે વળગણ વિના જયંત પાઠકે આ શુદ્ધ કવિતા સિદ્ધ કરવાની દિશામાં ભાષા સાથે કામ પાડ્યું અને પોતાની આગવી સજ્જતા, પ્રગલ્ભતા, પ્રતિભાનો પરિચય કરાવ્યો. ખૂબીની વાત એ છે કે આ બધું એમણે સરળતા, પ્રસાદ, પારદર્શકતા અને લાઘવ જાળવીને કર્યું ; કવિતાને મર્માળી રાખી.

એમની કવિતાનું કેન્દ્રબિંદુ છે પ્રેમ અને એની આધારશિલા છે પ્રકૃતિ. નિબિડ પ્રકૃતિના પ્રગાઢ સાનિધ્યમાં એમની કવિતા આપણને લઈ જાય છે અને એના અવનવાં નાજુક અંકનો દ્વારા આગવા વિસ્મયરસનો આસ્વાદ કરાવે છે. એ માત્ર ઋતુવર્ણનોથી સંતુષ્ટ નથી. એમાં સમગ્ર વન્યસૃષ્ટિ પૂરી ભરપુરતા અને વૈવિધ્ય સાથે ચિત્રાંકિત થઈ જાય છે બલ્કે જીવંત બની છે. એમની કવિતા તે પ્રકૃતિનો સમૃદ્ધ મધુકોશ છે. પ્રકૃતિની ઝીણામાં ઝીણી ગતિવિધિ એમની ચેતનાને સ્પર્શી જાય છે. પછી તે સવારે સવારે હાથમાં ફૂલછાબ લઈને મંદિરે જવા તૈયાર વૃક્ષો હોય, રાતભર ટપટપ રોતું પારિજાત હોય, અંધારઘેર્યા વગડાને ભયથી ભરી દેતી બે આંખો હોય કે પીળાં શાલિખેતર ઉપર ફરફરતો પીળો તડકો હોય. પીંછીના એક લસરકાથી ઇન્દ્રિયસંવેદ્ય કલ્પન ઉપસી આવે. એમાં કવિકર્મ વિશેષ પ્રગટ થતું રહે. વરસાદમાં પલળીને બધું પોચું પડી જવાનું સંવેદન લાક્ષણિક ભાષાપ્રપંચ દ્વારા આ રીતે ઉપસે છે.

વાદળ પોચું આભ

આભનાં પોચાં પોચાં પાણી

પોચે હાથે પડે

માટીની પોચી કાય ભીંજાણી

પોચી પોચી માટી ભીતર

પોચાં બી સળવળે

પોચી પોચી બે પાંદડીઓ

ફરફરતી નીકળે. (શૂળી ઉપર સેજ)

અહીં ‘પોચું’ના આવર્તનો પાસે કવિએ લીધેલું કામ તરત ધ્યાન ખેંચે. આભથી માંડીને ધરતી સુધી સઘળું નરમ નરમ અને એમાંથી પ્રસૂન થતું જીવન. આ બે પાંદડીઓનું સૌંદર્યદર્શન ગુજરાતી કવિતામાં તો દુર્લભ જ. કલ્પન માત્ર ચિત્ર બનીને ન રહી જાય ; ઇન્દ્રિયસંવેદ્ય બને જેને માટે કવિ શબ્દના નાદ-લય-અર્થ પાસે કસીને કામ લે છે. સાદી અને સરળ છતાં સીધી-સપાટ રીતે સડસડાટ વાંચે જવાની આ કવિતા નથી. એને મમળાવવી પડે. ઇન્દ્રિયોને સચેત રાખવી પડે. કૃતિ ‘રણ’ ભાવકને રીતસર રણની વચ્ચે હોવાનો અહેસાસ કરાવે છે.

સૂર્યપાંખથી ખરખર રેત ખરે

ઊંચી ડોકે ઊંટ આભનો

તડકો ચરે

પગલાંમાં પડછાયો તફડે

પેટ ભરેલું પાણી ખખડે  (સર્ગ)

રેતીનું કરકરાપણું, બપોરનો તડકો, ઊંટની ગતિ, એનો ધ્વનિ, એમાંથી ઊપસતું ઊંચાનીચા ઢૂવાવાળું વિશાળ રણ ‘બદામરંગી મરણ’ એવા અનુભવ સુધી પહોંચાડે.

વન્યસૃષ્ટિ પ્રત્યેનો ઉત્કટ અનુરાગ કવિને ‘આદિમતાની અનુભૂતિ’ સુધી લઈ જાય છે. કવિચેતના પ્રકૃતિનું દર્શન કે વર્ણન જ નથી કરતી ; એને અશેષપણે આત્મસાત કરવા ઉત્સુક છે. એમાં પૂર્ણ સંભોગના દૃશ્યો રચાય છે. કવિએ અતીતરાગની ભરપૂર કવિતા આપી છે. અભિવ્યક્તિનો લાક્ષણિક આયામ એ અનુભૂતિને એક પ્રકારની અનન્યતા બક્ષે છે. બચુભાઈ વિષેની રચનાઓની હળવાશ તો હૃદયમાં વાસી જાય એવી છે. શૈશવની દુધિયા સોડમ જેમાંથી પીગળતી રહે એવી અનેક રચનાઓ એમની પાસેથી મળે છે. ‘ક્યાં છે ?’માં પ્રશ્ન આવર્તનો અને આગવાં કલ્પનો દ્વારા પ્રગટતો haunting tone પરાકાષ્ઠાએ પહોંચાડે છે.

જાંબુડાના ઝાડ ઉપર લટકતો

લીલો લીલો તારો સૂરજ ક્યાં છે ? (અંતરિક્ષ)

‘ખેતરખૂણાના કૂવામાં કબૂતરોની પાંખો ઉપર પોઢેલો ભોળો ભોળો અંધકાર’, ‘પથ્થર વચ્ચે / પાણી લઈને વહેતી / શમણાં જેવી નદી’, ‘ટેકરીઓનું ગામ’….. એમ એક પછી એક દૃશ્યને ચાક્ષુષ કરતું ‘શૈશવ’ અંધારાની કાળી ગાયને દોહતી મારી બા ?’ ના પ્રશ્ન આગળ વિરમે છે. આ પ્રશ્નમાળા શિશુસમયમાં પાછા ફરવાની તાલાવેલીનો સાક્ષાત્કાર કરાવે છે અને એનાં વર્ણન-કલ્પન ભાવકને પણ એ સમયના અનુભવમાં મૂકી દે છે.

અનુભૂતિ અને અભિવ્યક્તિમાં કશીક આ-પૂર્વતા સર્જાય એ અંગે કવિ હંમેશા સજાગ જણાય છે. ‘તમે ક્યાંથી જાણો ?’માં એક એકથી ચડીયાતા ભાવપ્રતીકને આધારે પ્રીતિની ઉત્કટતા પરાકાષ્ઠાએ પહોંચે છે. એમાં ખંડશિખરિણીની ભૂમિકા નોંધપાત્ર છે. કવિ એક સમર્થ સોનેટકાર છે. એમની સંખ્યાબંધ સોનેટરચનાઓ એની ચુસ્તતા, સઘનતા અને લાઘવ સંદર્ભે ટાંકવાનું મન થાય. ઉપરોક્ત કૃતિમાં જે શિખરિણીને તીવ્ર ભાવાવેશ માટે પ્રયોજ્યો છે એ જ શિખરિણી ‘ભીનું સમયવન’માં મંદગતિએ વહે છે. ભાવકને ઊંડા ઊંડા શ્વાસ લેવા પ્રેરે છે; અંતર્મુખ બનાવે છે.

સ્મરું ભીના ભીના સમયવનની ભીની ક્ષણો  (અંતરિક્ષ)

અહીં ભીનાશથી લથપથ એક વનનું કલ્પન થોડા જ ઇંગિતોમાં ઉપસે છે. પર્ણોમાંથી ભીના વાદળકણો ટપકે છે, ધરતી મઘમઘી ઊઠે છે, તે સાથે મનનો કોશ પણ અને અનાયાસ ભીનાં સ્મરણોનો કેફ ચડે છે. સહજ રીતે આંખો મીંચાય છે. બીજા ખંડમાં એ બંધ આંખો સમક્ષ મંથર ગતિએ એક સ્વપ્ન ઊઘડે છે. ક્ષિતિજને તટથી આવતી અજાણ નૌકા, પવનની લહેરખી સાથે આવતો ખુશબૂનો ખજાનો, ગીત-ગુંજન અને હવામાં ઊપસતો અમલ, જલ કન્યાને સ્મિતે મઢ્યો ચહરો ! એક સાથે રસ-રૂપ-ગંધ-સ્પર્શની અનુભૂતિ ! પંચેન્દ્રિયોની જાગૃતિ. કૃતિનો અંત એક પ્રતીતિ સાથે આવે છે.

હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સપનમાં  (અંજન)

સ્મૃતિ અને કલ્પના સર્જક માત્ર માટે કેટલાં અનિવાર્ય છે ! સાદી સીધી લખાતી રચના ‘જીવી ગયો હોત –‘માં પ્રણયની સંજીવની વ્યક્તિને જિવાડવામાં કેવું અદભૂત કામ કરતી હોય છે તેની પ્રતીતિ, આધુનિક અભિવ્યક્તિ, લવચીક પદાવલિ અને જડીબુટ્ટી તો ચપટીક જ અપાય તે રીતે પ્રણયના બોલનો મહિમા…. બધું એકાગ્ર થઈને સંવેદનને અમર શિલ્પમાં ફેરવી નાખે છે.

ઊર્ધ્વની અભિપ્સા કવિની કવિતામાં શરૂઆતથી પ્રગટ થતી આવી છે; પરંતુ ઉત્તરાર્ધમાં એમાં આત્મજાગૃતિનો અને સંતવાણીનો પ્રબળ રણકો માણવા મળે છે. ‘અનુભવ ગહરા ગહરા’, ‘પિયાલો’, ‘અમૃતપ્રપા’ જેવી અનેક રચનાઓમાં પરમની કૃપા ઊતર્યાનો અનુભવ, અનુભૂતિની સચ્ચાઈના રણકા સાથે ઝિલાયો છે. વિરક્તિનો મિજાજ આ પંક્તિઓમાં કેવો પ્રબળતાથી વ્યક્ત થયો છે !

જૂઠ જૂઠ જ સબ, ઊડ ઊડ અબ

છોડ સપનની સોડ … (જાગરણ)                               

ગુંજયા કરવા ગમે એવા અનેક ગીતો કવિ પાસેથી મળે છે. ‘આ કાંઠે’, ‘વગડાનો શ્વાસ’ કે ભલાજીને સંબોધીને લખાયેલાં ગીતો આગવાં છે. ગઝલ કવિએ ઓછી લખી છે ; પરંતુ ‘માણસ’ કે‘માછલી’ જેવી કૃતિઓ યાદગાર બની છે. મનુષ્યજીવન અને માનવપ્રીતિને આલેખતી અનેક રચનાઓ અભિવ્યક્તિનાવીન્યથી આકર્ષે છે.

જે દુખનું કંઇ નામ નહીં તે કેમ કરીને કહેવું !

નામ વગરની નદીઓને તો છાનામાનાં વહેવું…. (અનુનય)

કવિકલમે પીંછીના એક લસરકાથી સર્જેલાં નાજુક-નમણાં અસંખ્ય નખચિત્રો લાઘવગુણથી ધ્યાનાર્હ બન્યાં છે.

મ્હોરી ઊઠ્યું આકાશનું આ વૃક્ષ

દિવસે હતું જે રુક્ષ, ખાલી

લચેલું તે હવે તારાફૂલે શું ડાળી ડાળી !  (બે અક્ષર આનંદના)

‘સુખદુખનો સોદાગર’ જેવી હળવી-મર્માળી રચનાઓ અનેરો આસ્વાદ આપે છે. ‘પંખીકાવ્યો’ની મોનોઈમેજ મન હરી લે છે. આ કવિતામાં એક પ્રકારનું એવું નિર્ભારપણું અનુભવાય છે, જેમાંથી ઝીણો મર્મ ફોર્યા કરે. એને પાંખાળી કવિતા કહેવાનું મન થઈ જાય. ‘પહાડ ચઢતાં’ કે ‘ફેર’ જેવી રચનાઓમાં એની પ્રતીતિ થાય છે. કવિ પંખીઓને આ રીતે સરખાવે છે ;

પંખીઓ કવિતા જેવાં છે ;

ચાલે છે ઓછું, ઊડે છે ઝાઝું ! (જાગરણ)

નાજુક નમણાં સંવેદનો, કલ્પનારમ્ય ચિત્રો, ઇંદ્રિયગ્રાહ્ય કલ્પનો, લયાત્મકતા સાથે પોતાનો દરેક શબ્દ ખરા અર્થમાં ‘કવિનો શબ્દ’ બને, કૃતિ એક કલાશિલ્પ રૂપે અવતરણ પામે તેની ચીવટ તેઓ સતત દાખવતા રહ્યા છે. શબ્દના કોથળામાં અર્થભાર ભરતા કવિઓને તેઓ સોંસરો પ્રશ્ન કરે છે ;

પણ….

કરોળિયાના પેલા ષટકોણી જાળા જેવું

કે મદારીના મહુવર શા

સુગરીના પેલા માળા જેવું 

આપણને એવું એવું કંઈ આવડે છે કે …. ?  (અનુનય)

ભાષાની આવી સર્જનાત્મક શક્તિનો આવિષ્કાર જ ‘કવિનો શબ્દ’ બને છે.

ડો. દક્ષા વ્યાસ.           

OP 20.10.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: