મનસુખલાલ ઝવેરી ~ ડો. દક્ષા વ્યાસ

મનસુખલાલ ઝવેરી : પ્રશિષ્ટ કાવ્ય નિર્માણ – ડો. દક્ષા વ્યાસ   

મનસુખલાલ અને બેટાઈમાં જાણે પંડિતયુગનું અનુસંધાન જળવાયું હોય એવું લાગવાનું. ઉભય શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન કવિતાના સ્વસ્થ પ્રકૃતિના સર્જક છે. મનસુખલાલ ઝવેરી પાસે જે નોંધપાત્ર સર્જન મળ્યું છે તે પ્રશિષ્ટ  શૈલીના ‘ચંદ્રદૂત’ તથા ‘કુરુક્ષેત્ર’ વિષયક કાવ્યો છે. કવિનું છંદપ્રભુત્વ અને વર્ણનશક્તિ ઉભયનો ઉજ્જવળ અને એમાં વર્તાય છે. મેઘદૂતની અનુકૃતિ સમા ‘ચંદ્રદૂત’માં કૈલાસથી દ્વારકા સુધીના ચંદ્રપથમાં આવતા પુરાણખ્યાત અને નયનરમ્ય સ્થાનોનાં પ્રવાહી મંદાક્રાન્તામાં થયેલા વર્ણન અત્યંત રોચક બન્યાં છે તો મહાકાવ્યોચિત્ત ઉપમાચિત્રો, સંસ્કૃત શૈલીના અલંકારોનો છટાદાર ઉપયોગ, વીરરસની સફળ નિષ્પતિ અને અક્ષરમેળ વૃત્તોના સામર્થ્યને લઈને કુરુક્ષેત્રવિષયક છ કાવ્યો આકર્ષક બન્યા છે તેમાં કવિ પ્રતિભાનો ખરો ઉન્મેષ ‘મહાપ્રસ્થાન’ બતાવે છે.

ગાંધીયુગીન ભાવનાઓને ઝીલતા કવિની પ્રણય અને જીવન મૃત્યુ-વિષયક કૃતિઓમાં એમના વ્યક્તિત્વનો સાચો અને ઘેરો રંગ ઉતર્યો છે. એમની કવિતાનો મુખ્ય સૂર વિષાદ છે કે નિરાશાનો છે. એમાં ઊર્મિશીલતા કરતાં ચિંતનપરાયણતા વિશેષ પ્રમાણમાં જણાય છે. તેથી કવિ પ્રિય પાત્રનો અવલંબન લઈ પ્રેમતત્વ ની સમીક્ષા કરવા તરફ વિશેષ ઢળે છે. છતાં ઉત્કટ ભાવોદ્રેક નથી અનુભવતા એમ નથી. વિજોગની વેદનાને તેઓ હૃદયસ્પર્શી ભાવાભિવ્યક્તિ આપે છે.

નહિ જોવા દિનરાત : નહિ આઘું ઓરું કશું

શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું

નેણ રડે ચોધાર તોયે વિજોગે કેમ રે ?

આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ? (અનુભૂતિ 22) 

ગીતોમાં એમણે પ્રકૃતિનું સુષ્ઠુ આલેખન કર્યું છે. એમાં સરોવર, વસંત, કોકિલ, ચાંદની, તાડ, નાળિયેરી, નીલ આકાશ આદિના પ્રકૃતિદર્શનમાં સાચા કવિની સૌંદર્દ્રષ્ટિ અને ચિત્રકૌશલની પ્રતીતિ થાય છે. કવિ પ્રકૃતિને વિવિધ રીતે વિનિયોજે છે. અલંકારો માટે પ્રકૃતિમાંથી જ સામગ્રી લે છે. પશ્ચાદભૂ તરીકે પણ પ્રકૃતિનો આશ્રય લે છે અને માનવભાવ કે ઘટનાને ઉઠાવ આપવા કે ઉદ્દિષ્ટ વિચારના આલંબન, ઉદ્દીપન માટે પણ પ્રકૃતિ કામ આવે છે.  પ્રકૃતિને આશ્રયે માનવ જીવનના સનાતન સત્યને કવિ કેવી ભાવાભિવ્યક્તિ આપે છે!

માનવીના રે જીવન ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ એક સનાતન શ્રાવણ….

એમના અનેક ગીતોમાં લોકલય અને તળપદી બાનીની મીઠાશ આકર્ષક રીતે ભળે છે.

ઘેરી વિષાદમયતા છતાં જીવન અને મૃત્યુના સમાધાનભર્યા દર્શન પર એમની  દૃષ્ટિ વિશેષ ઠરે છે. કબર પર રમતાં બાળકોનું દૃશ્ય પ્રથમ વિષાદ જગાડે છે પરંતુ કવિ એ જ દૃશ્યમાં જીવનની નિરંતરતા ને નિત્યનવીનતા નિહાળે છે ને શ્રદ્ધાનું બળ મળતાં જિંદગીનો ક્લેશ શમે છે.

છો રમે ! ઊગતા સૂર્ય તેજમાં ચેતનતણા

સનાતન ફુવારા શાં, ચિંતા ને ભયમુક્ત સૌ

રમે બાળક, કેવું એ આજે વિરલ દર્શન ! (કાવ્યસુષમા 86)

આત્મલક્ષિતા કવિ પાસે પોતાની વર્ષગાંઠો, સ્વજનો પર ઘણાં કાવ્યો કરાવે છે. તેમાં ‘દાદાજી’ અને ‘ભભૂતને’ એ બે કરૂણપ્રશસ્તિઓ, એમાં રજૂ થયેલા મૃત્યુવિષયક રસળતા ચિંતન અને ભાવવાહિતાને કારણે નોંધપાત્ર બની છે. કવિનો પ્રસ્તારશોખ અને જીવન-જગત વિશે વિચારે ચડી જવાની આદત જેવી મર્યાદા ‘દાદાજી’ને નડી છે. એમાં વૈયક્તિક પરિસ્થિતી ને મનોદશાની ઐતિહાસિક યુગપરિબળ તરીકે કરાયેલી રજૂઆત કઠે છે પરંતુ ‘ભભૂતને’માં અસ્ખલિત વહેતું લાગણીનું વહેણ મર્મને સ્પર્શી જાય છે. અન્યત્ર અસ્તિત્વની અનંતતા અને મૃત્યુની વ્યર્થતાનું સ્વસ્થ ચિંતન રજૂ કરતા કવિ અહીં જે નિરાડંબર, વેધક, સરળ, નિખાલસ, ઊંડા વિષાદભર્યા ને ખાસ તો કાવ્યાત્મક ઉદગાર કાઢે છે તેથી ચિંતનની ચીલાચાલુ નીરસતા ટળે છે. એમની પાસે બૌદ્ધિક સજ્જતા, કલ્પનાશીલતા, ભાષા-છંદ આદિ ઉપાદાનો પર પ્રભુત્વ છે, પરંતુ ભાવોદ્રેકભરી મુગ્ધતા કે વિસ્મયને બદલે સ્વસ્થતા અને ભાવ કે ભાવનાના બળને મુકાબલે અમુક પ્રકારની વિચારશીલતા ને તેને અનુષંગે આવતો પ્રસતારશેખ પણ છે, જે એમની ઘણી કૃતિઓને નિર્બળ કે નીરસ બનાવે છે.

આ મર્યાદા અને પરંપરાપરાયણતા અમેરિકાનિવાસ દરમિયાન લખાયેલી ‘ડૂમો ઓગળ્યો’ (75)ની કવિતામાં પણ વર્તાઈ આવે છે. ઘણી કૃતિઓ એકાદ તરંગ કે વિચારના તંતુને નભાવતી ને કાંઈક ઊર્મિની મંદતાવાળી રચનાઓ છે. ‘કળતર’ અને ‘જાઉં ક્યાં?’માં અનુક્રમે હળવા અને ગંભીર રીતે આધુનિક બનવાના પ્રયાસ દેખાય છે પરંતુ પહેલામાં સામાન્ય રાજકારણી કટાક્ષકથા કહેવાઈ છે જ્યારે બીજામાં વૃદ્ધત્વમાંથી છૂટવાની મૂંઝવણ માર્મિક રીતે રજૂ થઈ છે. ‘અવળો એકડો’માં કેટલીક પંક્તિઓ આકર્ષક બની આવી છે.

આદિથી અવળો એકડો રામ ! જીવને….

રે રે ! મેં કાટલે ખોટે રાખ્યા કૂટયે જ વેપલા ! (ડૂમો ઓગળ્યો 23)

આધુનિકોના પ્રિયપાત્ર ‘ઈશુ’ને વિશે કવિ અછાંદસમાં લખે છે પરંતુ અંતે જૂનો ભાવનાવાદ ડોકું કાઢે છે. ‘પાંદડું’, ‘મારા સંતાનોને’માં વિશિષ્ટ વિચાર રજૂ થાય છે પણ નિરૂપણરીતિ પરંપરાગત છે. કવિની દૃષ્ટિ તુલનાત્મક જણાય છે. એ પોતાની સ્થિતિ-સંવેદનાઓને અન્યની સાથે તુલનાવ્યા કરે છે ને અભિવ્યક્તિ અત્યંત મુખર બની રહે છે. કેટલીક વાર તો પદ્યમાં પણ ગદ્યનો અનુભવ થાય છે.

કાલિદાસની સિદ્ધિઓ હાંસલ કરવાની મહત્વાકાંક્ષા દાખવતું ‘ચંદ્રદૂત’, ‘ફૂલદોલ’ અને ‘આરાધના’નાં કુરુક્ષેત્રવિષયક કાવ્યો ; સંસ્કૃતશૈલીનાં પ્રકૃતિવર્ણનો અને પ્રણયકવિતા : ‘અભિસાર’ અને ‘અનુભૂતિ’નાં ભાવમધુર ગીતો ; હથોટીયુક્ત સોનેટ-ગઝલ તથા દીર્ઘત્વદોષને ભાગ્યે જ અવકાશ આપતાં મુક્તકો જેવા સમૃદ્ધ ફાલને લક્ષમાં લેતાં ‘ડૂમો ઓગળ્યો’માં તો કવિપ્રતિભાનો ચોખ્ખો રકાસ જ ગણાય. ગાંધીયુગીન ભાવનાઓને ઝીલતા કવિની પ્રણય અને જીવન મૃત્યુ-વિષયક કૃતિઓમાં એમના વ્યક્તિત્વનો સાચો અને ઘેરો રંગ ઉતર્યો છે. એમની કવિતાનો મુખ્ય સૂર વિષાદ છે કે નિરાશાનો છે. એમાં ઊર્મિશીલતા કરતાં ચિંતનપરાયણતા વિશેષ પ્રમાણમાં જણાય છે.    

(સૌજન્ય : દક્ષા વ્યાસ – ‘સ્વાતંત્ર્યોતર ગુજરાતી કવિતા : પૂર્વરંગ’) 

*****

સાહિત્યક્ષેત્ર : કવિ, વિવેચક, સાહિત્યિક ઇતિહાસકાર

કાવ્યસંગ્રહો

1.આરાધના 2. ચંદ્રદૂત 3. ફૂલદોલ 4, અભિસાર 5. ડૂમો ઓગળ્યો

વિવેચન, સંપાદન અને અનુવાદના અનેક પુસ્તકો  

*****

કવિ મનસુખલાલ મગનલાલ ઝવેરી

જન્મ : 3 ઓક્ટોબર 1907 જામનગર જીવનસાથી : હસમુખગૌરી ઝવેરી

સંતાનો : અનુ ગઢિયા પુત્રી

અવસાન : 27 ઓગસ્ટ 1981 મુંબઈ

OP 29.10.20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: