ચિનુ મોદી ‘ઈર્શાદ’ ~ હું રાજી * અંકિત ત્રિવેદી * Chinu Modi * Ankit Trivedi  

હું રાજી રાજી ~ ચિનુ મોદી

હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈને
સપનાઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં,
ખાલીપો હુંય પામ્યો છું મારાઓ કોઈને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું?
આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને

અમને જીવાડવા તો એ રાજીનો રેડ છે
તારા વગર શું હોઈ શકું હોઈ હોઈને!

‘ઈર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને

~ ચિનુ મોદી ‘ઈર્શાદ’

તજવીજ સાથેની ગાજવીજ…~ અંકિત ત્રિવેદી

રાત માથે લે અને સવારને એનો થાક ન લાગે ત્યારે સમજવું કે સપનાઓને આપણી આંખોમાં રહેવાની મઝા પડે છે! રાજી થવાય એવી ઘટનાઓ દિવસ પાસે હોય એના કરતાં વધારે રાત પાસે હોય છે. અંધરારમાં જ દીવો વધારે પ્રજવલિત લાગે છે. અંધારું જ અજવાળાને છતું કરે છે. તમસથી જ જ્યોતિ તરફની ગતિ છે. સપનાઓ આંખોમાં નાહી-ધોઈને ત્યારે જ આવે છે જ્યારે થોડાંક આંસુઓથી દ્રશ્ય ભીંજાયેલા હોય. થોડાંક સ્મરણોથી રાજી થઈને આંખોને અવસર ઊગે!

આકાશને તાકવાની અનેરી મઝા છે. ખાલીપો બહુ ઓછા લોકોને પોસાય છે. ખાલીપા સાથે દોસ્તી કરવી એ નાનીસૂની વાત નથી! મૂળમાં તો જીવન સદી જવું જોઈએ. ગુમાવેલા સ્વજનોને આકાશમાં બંધાયેલા વાદળોમાં ઊપસાવતા આવડવા જોઈએ.

ગુસ્સો આવતો ત્યારની વાત જુદી હતી! ગુસ્સો જેની ઊપર કલવાતો એ વ્યક્તિ અંગતની પણ અંગત હતી! હવે એવું નિકટતમ કોણ છે? ક્યાં કોઈ રહ્યું છે? સમાધાન કરીને ગુજરાન ચલાવવાની આદત ઊંમરને માફક આવી ગઈ છે. હવે આંખો લાલઘૂમ છે પણ રહી રહીને લાલ થયેલી છે. ભીખુભાઈ ચાવડા ‘નાદાન’નો શેર છે.

“સારા સમયની એકે નિશાની રહી નથી

આવ્યો સમય બૂરો તો અહંકાર પણ ગયો”

જીવવાનું મન તો છે. જીવાડવા માટે કોઈ અદ્રશ્ય તાકાત પણ કામ કરે છે. પણ ગમતી વ્યક્તિ સાથે હોય ત્યારે ‘જીવવું’ યથાર્થ થાય છે. ‘સાર્થક’તો એકલાપણાની ગુફ્તગુ છે. જોકે, સ્મરણ સાથે જીવવામાં સાર્થક અને યથાર્થ બંને સંકળાય છે.

ચિનુ મોદી ‘ઈર્શાદ’ ગુજરાતી ગઝલના મહત્વના ગઝલકાર છે. એમની કવિતાઓ અને સાહિત્ય વિશે ખૂબ ઓછું અધ્યયન થયું છે. ગઝલના ‘ફોમ’ને એમણે ગઝલકારોના ઉ.દા. સાથે બહુજન સમાજ સુધી પહોંચાડ્યું છે. એમની ગઝલમાં તજવીજ સાથેની પ્રામાણિક ગાજવીજ છે. છેલ્લા શેરમાં એમણે આપણને જે કહ્યું છે. એ એમના માટે પણ લાગું પડે જ છે. એમને મળ્યા પછી સાંજ સીધી રાત થઈને સવારના ખુલ્લા આકાશને સૂરજ ભેટમાં આપે છે.

જીવનના હકારની આ કવિતામાં એવી નવિનતા છે જેને વાંચીને આપણા હરખને હૂંફનું સરનામું મળે છે.

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 9.3.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: