કવિ કાગ ~ અરવિંદ બારોટ

સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે. નક્કર અનુભવવાણી છે. ધરતીનું ધાવણ પામીને ઉછરેલી વાણી છે એટલે જ એમાં સચ્ચાઈનો રણકો છે. એ જિવાતા જીવતરનું ગાન છે એટલે દરેકને સ્પર્શે છે.

ઝવેરચંદ મેઘાણીએ કાગવાણી ભાગ-૧ની પ્રસ્તાવનામાં લખ્યું છે,  “દુલાભાઈ બીજાઓને માટે માત્ર કવિ હશે, હું એમની કવિતા-બાજુને એમના જીવન-બાજુથી નોખી નથી પાડી શકતો.એમનું કાવ્ય-ઝરણું કાલ સુકાઈ જાય, તો પણ હું એમને કવિ કહેતો ન અટકું. મારી નજરે દુલાભાઈની ખરી કવિતા એમના જીવન-પથમાં પડી છે.”

‘કાગવાણી’ ભાગ પહેલામાં ૯૧મા પાને ‘સાંભર્યા’ નામે કાવ્યમાં કાગબાપુ લખે છે-

“હું પહાડી જીવડો છું, શહેરી નથી.આખી ગીરને પાંદડે પાંદડે ફર્યો છું. હાથે હાથ ન સૂઝે એવી રાત મળી હોય, ડુંગરને ગાળેગાળેથી મેઘમહારાજનાં નીર કિકિયારા કરતાં હોય, ક્યારેક ક્યારેક વીજળી ઊંધે માથે પહાડ પર પછડાતી હોય, નદીઓએ મરજાદા મેલી હોય, બેઉ કાંઠે કોગળા નાખતાં ડો’ળાં પાણી ઘૂઘવતાં હોય. પડછંદ અવાજે આભ ગાજતો હોય-એવી ગીરમાં પોતાના જીવથી પોતે બીએ એવી ભયંકર રાતે મને બહાર ફરવાના કોડ થતાં ‘લખી’ નામની મારી ઘોડીને તૈયાર કરી એના પર સવાર થઈ એ નદીઓમાંથી સામે કાંઠે કાઢતો. નાની અવસ્થાના મારા એ દિવસો મને સાંભર્યા વિના કેમ રહે ?”

પ્રકૃતિના રમણીય અને ભયાનક- બન્ને રૂપને જાણ્યાં હોય, ચિત્તમાં ઝીલ્યા હોય એવા સર્જકની આંખોમાં જ વિસ્મય હોય અને અગોચરને જાણવાની ઝંખના હોય.

આકાશના ઘડનારનાં ઘરને ઘડ્યાં કોણે હશે ? / આકાશની માતા તણા કોઠા કહો, કેવડા હશે ?

અધરેચકે પ્રલયો ગયા, પૂરકે લયો કેટલા જશે ? / અબધૂત એ યોગી તણાં, આસન અખંડિત ક્યાં હશે ?’

ઉઘાડા પગે અને ઉઘાડા માથે ગાયો ચારવાનું એમનું નીમ. કૂવામાંથી સીંચી સીંચીને ગાયોને પાણી પાવાનું. ગાયો ચાલે તો ચાલવાનું, અટકે તો અટકવાનું.. આવી આકરી ગૌસેવાનો વ્રતધારી કિશોર દુલો વગડામાં રામાયણ વાંચે છે, માળા ફેરવે છે, સ્નાન કરીને ગજાનન ગણપતિની નાની મૂર્તિની સેવા-પૂજા કરે છે. 

દીકરાના આ ભક્તિમય આચાર-વિચારનું એના ભારાડી બાપ ભાયા કાગને જરાય પોસાણ નહોતું. ભક્તિના રંગે રંગાયેલા દીકરાને પાપના પંથે વાળવા ભાયા કાગે ઘણા ઉપાયો કર્યા પણ દુલાનીની નમ્ર મક્કમતાને કોઈ ડગાવી શક્યું નહીં. આખરે થાકી-હારીને પિતા ભાયા કાગે દીકરાને પીપાવાવની જગ્યામાં રહેતા સંત મુક્તાનંદજીને સોંપ્યો. ચારેક વરસ સુધી પૂર્ણ નિષ્ઠાથી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સંત મુક્તાનંદજીની આજ્ઞાથી ૧૭ વર્ષના દુલાએ કલમ ઉપાડી. એક સવૈયો લખ્યો.

‘દોડત હૈ મૃગ, ઢૂંઢત જંગલ, બંદ સુગંધ કહાં બન બાસે ?

જાનત ના મન નાભિમેં હૈ બંદ, ત્યૂં હી વિચારી મન મૃગ ત્રાસે;

ક્યૂં ત્યાં નર શઠ રહે હરિ ખોજત, ભ્રમ થકી ચિત્ત જ્ઞાન ન ભાસે !

‘કાગ’કહે યે ગુરુ મુક્તાનંદ, આપ હી આતમ જ્ઞાન પ્રકાશે !’

ડુંગરની છાતી વીંધીને જેમ ઝરણું ફૂટે એમ દુલા કાગની કવિતાનું ઝરણું ફૂટ્યું. કાવ્યના વેગ, બળ અને  ધસમસતા પ્રવાહના જોરે એ ઝરણું ધોધ બનીને વહેતું થયું. વગડાના વાયુ રૂપી તાનપુરા સાથે નિજાનંદી રિયાઝના કારણે કંઠમાં વશીકરણ કરે એવી ગૂંજ પેદા થઈ. કોઈ પણ વાદ્યના આધાર વિના પણ કાગબાપુમાં સૂરની પકડ અદભૂત હતી. મેઘાણીભાઈ કહે છે એમ કવિ કાગના કંઠમાં ‘ ઘૂમટના ઘંટનો રણકાર’ હતો.

ભાવનગરમાં મેઘાણીભાઈએ પહેલી વાર કાગને સાંભળ્યા. ચારણી શૈલીના ઝડઝમકિયા છંદો, જડબાતોડ શબ્દગૂંથણીને આસાનીથી રમાડતી જીભ અને મંદિર-ઘૂમટના ઘંટના રણકાર જેવો ઘેરો, ગંભીર, કંઠ. એવું ઝવેરચંદ મેઘાણીએ ‘કાગવાણી’ ભાગ પહેલાની પ્રસ્તાવનામાં નોંધ્યું છે. પછી તો કાગ-મેઘાણીના સંબંધો અંતરંગ મૈત્રીથી વધીને ભાઈ જેવા બની ગયા.

મેઘાણીભાઈને કવિ કાગની કવિતાની પૂરી પરખ હતી. એટલું જ નહીં, પણ કાગની કવિતાનો મહિમા પણ એમણે જાણ્યો અને વખાણ્યો છે.મેઘાણી લખે છે- “એ ગીતો નહીં, પણ ગીતોમાં ગૂંથેલી આખ્યાયિકાઓ છે. ભારતવર્ષના રાષ્ટ્રભાવોને, માતૃભૂમિની મનોવેદનાને દુલાભાઈએ નાનાં કાવ્યાખ્યાનોમાં ઉતારેલ છે.”

આપણા આદરણીય સારસ્વત ‘જયભિખ્ખુ’એ કાગની કવિતાને લોકાભિમુખ અને શ્રેયકર ગણાવતાં સરસ વાત કરી છે.- “દુલા કાગના કવિત્વને કાશીની કોઈ મહોરછાપ મળી નથી.પણ, માનવીના અંતરના ગંધાતા ચર્મને આવળના ફૂલની જેમ કોમલ કરનારી ને સુગંધરજે તારનારી એ કવિતા છે.” આંજી નાખે એવી ઝડઝમકને ઓગાળીને કાગબાપુની કવિતાએ સાદાં અને સોયલાં રૂપ ધર્યાં. સરળ લોકઢાળોમાં અનુપમ ભજનો- ગીતોથી ગુજરાતના લોકજીવનમાં એક નવા પ્રાણની ઝાલર વાગી. કાગબાપુના કાવ્યોએ નવયુગના મંડાણના એ સંક્રાંતિકાળના ધબકારને ઝીલ્યો, નવભારતની ઊર્મિઓને ઝીલી.

ઈ.સ.૧૯૩૫માં કાગવાણીનો પહેલો ભાગ પ્રકાશિત થયો. અસાધારણ લોકપ્રિયતા અને પ્રસારને કારણે હજારો નકલો સમાજ સુધી પહોંચી. ત્રણેક દાયકાના સમયગાળામાં કાગવાણીના આઠ ભાગ પ્રકાશિત થયા.

ભજનો, ગીતો, છંદો અને ગઝલ સ્વરૂપની પાંચસોથી પણ વધારે રચનાઓ પુસ્તક રૂપે હજારો લોકો સુધી પહોંચી .’બાવન ફૂલડાંનો બાગ’ નામે પાંચમા ભાગમાં ૨૬૧૫ જેટલાં સાચાં મોતી જેવાં સુભાષિતોનો એક ખજાનો છે. ભાગ ૬માં ભૂદાન સંબંધિત કાવ્યો છે. સાતમા ભાગમાં માતૃશક્તિની ભક્તિની રચનાઓ છે.આઠમા ભાગમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મહાપ્રતાપી સંત યોગીજી મહારાજની સ્તુતિનાં પદો છે. અલગ અલગ ભાગમાં ૭૦૦થી વધારે દુહાઓ છે. એમાં ઘણા દુહા એવા છે જે કવિઓ-કલાકારો દ્વારા જાહેર કાર્યક્રમોમાં રોજેરોજ ગવાય છે.

પોતા  સૌ પોતા તણા, પાળેય પંખીડાં; / બચળાંય બીજાનાં,કોક જ સેવે,કાગડા !

આપ બળે, પર ઓલવે, લેતાં લડથડિયાં; / ઘડનારે ઘડિયાં, કોક કોક માણસ, કાગડા !

કવિ કાગની કવિતા નિજાનંદની કવિતા છે. એમાં નર્યો કલ્પના વિહાર નથી, કે નથી ચાતુરીપૂર્વકની કાવ્યપ્રયુક્તિઓ. નથી પાંડિત્યનું પ્રદર્શન  કે નથી કોઈને આંજી નાખવા માટે રચાયેલો આડંબર. પોતે અયાચી ચારણ છે એટલે કાવ્યનું પ્રયોજન ક્યારેય કોઈની વ્યક્તિગત પ્રસન્નતા નથી રહ્યું. શબ્દની ઉપાસનાનો હેતુ લોકસેવા જ રહ્યો છે અને એટલે જ દુલા કાગની વાણી સમાજને માટે પોષક રહી છે. કાગબાપુના ભીતરનો ભગવો રંગ એ એમની કુળપરંપરામાં કદી નહોતો કે નથી એ અચાનક સાંપડેલો રંગ. આ તો પરમતત્વની જ કોઈ યોજના હશે.

૧૩મી સદીમાં જૂનાગઢના રા’ ડિયાસે જેનાં કાવ્ય અને સંગીત પર ઓળઘોળ થઈને પોતાનું મસ્તક સમર્પિત કરેલું એવા તુંબેલ ચારણ બીજલ કવિની ૩૭મી પેઢીએ ભાયા કાગ થયા. ભાયા કાગના ખોરડે આઈ  ધાનબાઈ માની  કૂખે  વિ.સં.૧૯૫૮ના કારતક વદ ૧૧ને શનિવારે સોડવદરી ગામે મહાપ્રતાપી પુત્રરત્ન દુલાનો જન્મ થયો.

સામાજિક મૂલ્યોની વાત હોય કે સંબંધોના ગૌરવનું મહિમાગાન હોય, કર્તવ્ય અને નિષ્ઠાની વાત હોય કે પરંપરાની ગૌરવગાથા  હોય; કાગબાપુએ સરળ અને ગામઠી બાનીમાં જ એનું નિરૂપણ કર્યું છે. જીવનના અટપટા પ્રશ્નો કે સૃષ્ટિના અકળ રહસ્યોની વાતોને પૌરાણિક સંદર્ભો અને રૂપકાત્મક રચનારીતિ અને દૃષ્ટાંતો દ્વારા એવી સરળ અને પ્રભાવક શૈલીથી રજૂ કર્યા કે સરેરાશ માણસને પણ ચિંતન-મનનની અઘરી લાગતી વાતો ચોખ્ખા ઘીના શીરાની જેમ ગળે ઊતરી જાય. જિવાતા જીવતરની પરંપરા, ઉપદેશાત્મક અને નીતિગત વાતો,ચિંતન અને આત્મમંથન, પૌરાણિક કથાસંદર્ભો, અહોભાવ, વિસ્મય અને રાષ્ટ્રભાવના – કેટકેટલા વિષયોમાં કાગબાપુની કવિતા વિસ્તરી છે ! ગાંધીજીની સમર્પિત રાષ્ટ્રભક્તિ, વિનોબાજીની ભૂદાન પ્રવૃતિ અને રવિશંકર મહારાજનો સેવાયજ્ઞ-આ ત્રણેયનો કાગબાપુની સાહિત્યયાત્રા પર  ઘણો ઘાટો પ્રભાવ પડ્યો છે.

માણસ ગમે તેટલો જ્ઞાની બને, વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે..પણ, કુદરતની કેટલીયે કરામતો એવી છે કે જેની ચાવી કદી ન મળે.એ રહસ્યોનો તાગ કદી ન આવે. માનવની મતિ ટૂંકી પડે, જ્ઞાન લાચાર થઈ જાય, એવા પ્રશ્નોની સામે કવિ કાગ ઊભા છે, અચરજ લઈને..

‘અણુમાં આખો વડ સંકેલ્યો,એનાં મુખ ઊંધા મોરાર જી !

કીડીનાં આંતર કેમ ઘડિયાં, સૃષ્ટિના સરજનહાર ? / એવી તારી કળા અપરંપાર જી..’

અનંત બ્રહ્માંડની સામે માણસનું ગજું કેટલું ? અસીમની હદ કે અતળનાં તળ તાગવા એ તો સર્વથા અસંભવ જ છે; અને માણસજાત એ જાણે છે; તોય કુતૂહલ તો થાય જ.

આ કવિનું મૂળ પોત જ આધ્યાત્મિક છે એટલે એમાં અગોચર પ્રત્યે અહોભાવ છે, પોતીકું ચિંતન છે અને શરણાગતિ છે. સામાજિક વિસંગતિઓ, દંભ, શોષણ અને પાખંડ સામે કવિની નારાજગી વ્યક્ત કરતી રચનાઓ પણ છે, જેમાં આક્રોશ કે કડવાશ નથી. પહેલા ભાગમાં  ‘દીનદયાળુનો વાસ નથી’ એ આ પ્રકારની રચના છે.આવી અન્ય રચનાઓ પણ છે.

ભગતબાપુની કવિતામાં કલ્પનો, પ્રતીકો, રૂપકો, ભાષાવૈભવ, અલંકારો અને વિષયોમાં પોતાની આગવી છાપ, લઢણ અને રજૂઆતનું બળ છે. એટલે એ કાવ્યો ચિરંજીવી બન્યાં છે. સામાજિક  નિસબત, આધ્યાત્મિકતા,ચિંતન ઉપરાંત આત્મમંથનની રચનાઓ પણ ઊંચું કાવ્યત્વ સિધ્ધ કરે છે.

અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે..  / ચડનારા કોઈ નો મળ્યા રે…

અમે દાદરો બનીને ખીલા ખાધા રે.. / તપસ્યાનાં ફળ નો મળ્યાં રે..

રામાયણ, મહાભારત અને ભાગવતના પ્રસંગો અને પાત્રો ઉપર પણ કવિ કાગની ઘણી રચનાઓ દાયકાઓથી ખૂબ ગવાય છે. કાગવાણીમાં સમાવિષ્ટ છંદોમાં સારી એવી વિવિધતા છે. સવૈયા, ત્રોટક, ભૂજંગી, ત્રિભંગી, હરિગીત, ઝૂલણા, દુમિલા, રેણકી, ચર્ચરી, સારસી, રેખતા, કુંડળિયા અને દુહા..ડિંગળી ગીતોમાં સપાખરું મળે છે.

લોકઢાળમાં ઊતરેલાં ભજનો તરત લોકજીભે ચડતાં.એમાં પણ સરળતાથી કંઠે ચડે એવા ઢાળમાં વિશેષ રચનાઓ છે. ‘કર મન ભજનનો વેપાર જી’ એ ઢાળમાં લગભગ ૪૩ જેટલાં ભજન છે. ‘આવકારો મીઠો આપજે..’ એ ઢાળમાં ૩૮ જેટલી રચનાઓ મળે છે. ધીરાના પદની તરાહમાં તેમજ ઘણાં દેશી ભજનના ઢંગમાં પણ ઘણી કવિતાઓ છે. ગઝલ સ્વરૂપમાં ૩૪ જેટલાં કાવ્યો છે. રાગધારી ભજનોમાં ભૈરવી અને આશાવરીમાં ઠીકઠીક રચનાઓ છે.

કોઈ કવિકૃત રચનાને લોકગીત જેવી લોકમાન્યતા અને સર્વકાલીનતા મળે એવું બહુ જ ઓછું બનતું હોય છે. કવિ કાગની ઘણી રચનાઓમાં એ વાત છે.

OP 25.11.20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: