રમેશ પારેખ ~ વર્ષા પ્રજાપતિ Ramesh Parekh

ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામુ ર.પા. નું જોઈએ’ – વસુધૈવ કુટુંબકમની ભાવનાને સિદ્ધ કરતા આ કવિ તેમના ગઝલ શે’રમાં વ્યક્તિલક્ષી નહીં, સર્વમાં સ્થિત સામૂહિક ચેતનારૂપે મુખર બને છે. અમરેલી જિલ્લાના વતની અને તેની માટીની ગંધમાં જ હંમેશા સંવેદના અનુભવતા આ કવિએ પોતાના યુગમાં ‘સૌંદર્યરાગી’ કવિતાનું નવતર પોત પ્રગટાવ્યું છે.
રમેશ પારેખ વાર્તાઓ પણ લખતા. તેમના મિત્ર કવિ અનિલ જોશીની પ્રેરણાને લીધે તેઓ વાર્તા છોડી કવિતા તરફ વળ્યા. જે તેમના જીવનનો મોટો વળાંક કહી શકાય. બન્નેની મૈત્રી સાહિત્યગોષ્ઠિ સુધી વિસ્તરતી હોઈ અવારનવાર કાવ્ય વિશે, તેની રીતિ વિશે ચર્ચા પણ થતી. પરિણામે કવિ રમેશ પારેખના કાવ્યમાં નવીનતા, જીવંતતા પ્રગટી. ઈ.સ. ૧૯૭૦માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ પ્રગટ થયો.
કવિ રમેશ પારેખ એવાં કવિ છે. જેનો પ્રભાવ આજ સુધીના કવિઓની કવિતામાં ઝિલાય છે. રમેશ પારેખ પૂર્વેના કવિઓ રાવજી પટેલ, મણિલાલ દેસાઈ કવિ રમેશ પારેખ કરતાં જુદા પડતા કવિઓ છે એ દૃષ્ટિએ આ કવિ પોતાના સમયમાં એટલે કે ગુજરાતી ગીતકવિતાના સાતમા દાયકામાં લગભગ ઉત્તમ નોંધપાત્ર કવિ ગણાય છે.
ગીતકવિ તરીકે કવિ રમેશ પારેખની વિશેષ લાક્ષણિકતા જોઈએ તો તેમની રચનાઓમાં ભાવવિશ્વ અને ભાષાકીય અભિવ્યક્તિ બન્નેની વિલક્ષણતાઓ જોવા મળે છે. વેધક ભાવોર્મિ, લય, આલાંકારિક કલ્પનપ્રચુર ભાષા, પુરાકલ્પન, લાઘવ, પ્રતીક, પ્રાસ ઈત્યાદિ ગીતને ઉપકારક ઘટકતત્વો તેમના ગીતોનું આકર્ષણતત્વ છે. પ્રણય, વિષાદ, ભય, રીસ, પ્રણયવૈફલ્ય, પ્રકૃતિ, ઝાડ, વરસાદ, ફાગણ, ઈત્યાદિ તેમના ગીતોમાં સૌંદર્યની અનુભૂતિ કરાવનાર છે.
કવિ રમેશ પારેખનું હૃદય ‘સોનલ’, ‘મીરાં’, ‘હરિભાવ’ અને ખાસ કરીને ગ્રામકન્યાની વિધવિધ લાગણીઓ, સંવેદનાઓ તથા ઉર્મિઓને વાચા આપે છે. તેનાં ઉત્તમ ઉદાહરણ જોઈએ તો – ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા કે નાગલાં ઓછા પડ્યા રે લોલ / કમ્મખે દોથો ભરીને કંઈ ટાંક્યા કે, આભલા ઓછા પડ્યા રે લોલ’ જેવા ‘ક્યાં’ સંગ્રહની રચનામા ગ્રામ કુંવારકાના મનોભાવ ઝીલાયા છે. તો પ્રેમની નાજૂક સંવેદનાને રજૂ કરતા કવિ આમ પણ લખે-
‘અમને મોંહ્યા’તા – અમે તકતામાં જોઈ, એવા તમને ભાળીને અમે મો’યા
મુખની વરાંસે કરું તકતાને ચાંદલો, એવા રે સાનભાન ખોયાં’ (‘ક્યાં’)
‘ત્વ’ સંગ્રહમાં પ્રણય ઉલ્લાસની ભાવપ્રતીતિ આ રીતે છે. જેમકે,
‘મારા છ અક્ષરના નામ પછી હું ભૂલો પડ્યો હોજી, ?તું રસ્તે જાતા ઊભી રહી તે તને જડ્યો હો જી.
સુખનો અનુભવ કરાવતી અને કલ્પન-પ્રતીકથી અભિવ્યક્તિ પામતી રચનાનુ એક ઉદા.જુઓ.-
હંસો જેવા હારબંધ આ અવસર ફળિયે આવ્યાં. / બેઉ નેણ સાચાં મોતીનો થાળ ભરીને લાવ્યાં.
બીજા પણ અનેક ઉદાહરણ આપી શકાય. જેમ કે, ‘મારી છાતીના, રાફડામાં ચાહવું બનીને એક ગોટમોટ પોઢેલો નાગ છે’ એવું મદારીનું પ્રણય ગીત પણ ગુજરાતી કવિતાનું વિલક્ષણ કાવ્ય કહી શકાય. ‘ખડિંગ’ની રચનાઓમાં પરોઢિયું, ફળિયું, અંધારું, ઝાંડ, ફાગણ, પર્વત, પતંગિયુ, પાંદડું, દરિયો વરસાદ, આંગળીઓ, ગુલમ્હોર, પાંપણ, જેવા ભાવપ્રતીકો તો આંખે ઉડીને વળગે તેવા છે. ‘આજ મને મોરપીછના શુકન થયા’, ‘હરખઘેલીનું ગીત’, ‘કૂલના થાપા’, ‘દરિયું દરિયું તે વળી કેવડુક’, ‘વરસાદ ભીંજવે’, ‘એક ફાગણથી બીજા ફાગણ સુધી’, ‘તમને ફુલ દીધાનું યાદ’ વગેરે ‘ત્વ’ – ‘ખડિંગ’ની ઉત્તમ રચનાઓમાંની એક છે, ‘વિતાન સુદ બીજ’માં મુગ્ધયુવા પ્રણયી હૈયાઓને વાચા આપતા ગીતો છે. ‘એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધુઃ ‘લે ઝૂલ’’ જેવી રચના તો આજે પણ કોલેજીયન વર્ગમાં પ્રખ્યાત છે. ‘એક છોકરી ન હોય ત્યારે’, ‘છોકરી ઉર્ફે હથોડી’, ‘એક છોકરી પાસે એક છાકરો ગયો’, ‘એક છોકરીના હાથથી રૂમાલ પડે’, ‘એક છોકરીની ત્વચા તળે’, ‘એક છોકરો વંઠુ વંઠુ થાય’ ઇત્યાદિ ‘વિતાન સુદ બીજ’ સંગ્રહની મુગ્ધભાવ રચનાઓ છે. ‘મીરાં સામે પાર’ એ અન્ય સંગ્રહથી નોખી મુદ્રા સિદ્ધ કરતો સંગ્રહ છે. જેમાં વિશેષ કરીને મીરાં સંવેદનાઓ, મીરાંભાવ, હરિભાવ ઘૂંટાયો છે. ‘મારાં સપનામાં આવ્યા હરિ’, ‘મારાં ફળિયામાં આવ્યા હરિ’, ‘મારા ઓરડામાં આવ્યા હરિ’, ‘મારાં રુદિયામા આવ્યા હરિ’, ‘છીએ રમતી કેડી રાણાજી અમે છીએ રમતી કેડી’, ‘ગિરિધર ગુનો અમારો માફ’, ‘જોઈ દેજો જોશ હરિ’, ‘રે’શુ અમેય ગુમાનમો હરિસંગ નહીં બોલીએ, ‘અંધારે વાળ અમે ઓળીયે’ વગેરે ‘મીરાં સામે પાર’ની અમર રચનાઓ છે.
‘કે, કાગળ હરિ લખે તો બને અવર લખે તે, એકે અક્ષર નથી ઉકલતા મને’ વગેરે વિશેષ રચનાઓ છે. કવિ રમેશ પારેખની વિલક્ષણ રચનાઓની વાત કરીએ તો ‘છાતીમાં બારસાખ’, ‘સ્વગત પર્વ’, ‘ચશ્માના કાચ પર’, ‘લે. તિમિરા સૂર્ય’ માં પણ વિવિધરૂપે મળી આવે. ખાસ કરીને વરસાદના સજીવારોપણ કાવ્યો ‘લે. તિમિરા સૂર્ય’માં મળે છે જેમકે, દીવાની તેમજ ફોજદારી કોર્ટનો આરોપી વરસાદ,
બીજી એક નોંધપાત્ર વાત એ કે આ કવિના બે ગીતો ગુજરાતી ફિલ્મમાં લેવામાં આવ્યા. ફિલ્મ ‘નસીબની બલિહારી’માં ‘સાંવરિયો રે મારો સાંવરિયો હું તો ખોબો માંગુ ને દઈદે દરિયો’ ખૂબ લોકપ્રિય નીવડેલું. આ માટે કવિને ગુજરાત રાજ્ય ફિલ્મ અવૉર્ડ તરફથી 1982-83 વર્ષમાં અવૉર્ડ પણ મળેલો. બીજું એક ગીત ‘જૂનું જૂનું ઝૂરીયે’ જે માનવીની ભવાઈ ફિલ્મમાંપણ લેવાયું. આમ ‘ગીતકવિ’ રમેશ પારેખ એમ એક આખો મહાશોધ નિબંધનો વિષય બની શકે એટલું અમૂલ્ય પ્રદાન ગીતકવિ તરીકે રમેશ પારેખનું છે.
ગઝલની વાત કરીએ તો ‘ચશ્માના કાચ પર’ એ સંપૂર્ણ ગઝલસંગ્રહ છે. ‘ક્યાં’, ‘સનનન’, ‘ત્વ’ એમ ઘણાં બધા સંગ્રહમાં ગઝલ પણ સમાવિષ્ટ છે. ગીતની જેમ ગઝલમાં પણ ઈશ્કેમિજાજી અને અધ્યાત્મનો રંગ આ કવિની કલમથી ઉભર્યો છે. ‘સ્વગત પર્વ’ સંગ્રહમાં પણ માણસમાં જોવા મળતી ટેવ-કુટેવ, વિચાર, લાગણી, સપના, ગુણ-અવગુણુ જેવા સંવેદનો આલેખાયા છે. ‘અયણ’ ગણની પ્રયોગશીલ ગઝલો તો આજ સુધી બીજા કોઈ કવિઓએ રચી નથી એવું કહીએ તો અતિશયોક્તિ નથી. જે ખાસ કરીને ‘ખડિંગ’, ‘સનનન’મા સમાવિષ્ટ છે. ‘હસ્તાયણ’, ‘પગાયણ’, કાગડાયણ, ‘મમાયણ’, ‘રમેશાયણ’, ‘જાતરાયણ’, ‘ફોટાયણ’, ‘રામાયણ’ વગેરે નોંધપાત્ર છે. ‘નિંદ્રાયણ’ ગઝલનો એક શે’ર જુઓ-
‘કોણ વિક્ષેપ કરે ? શ્વાસ, ઘર, ગલી કે સમય ? / ઘડું છું રોજ હું કારણ છતાં હું સૂઈ ન શકું’
‘વૃત્તગઝલો’ રૂપે શાર્દૂલવિક્રીડિત, અનુષ્ટુપ, ગુરુવ્રજા, શિખરિણી, મંદાક્રાંતા, લઘુપૃથ્વી, પ્રલંબ ત્રોટક-પ્રલંબપૃથ્વી, પૃથ્વી એમ કુલ નવ છંદોની રચનાનો સમૂહ છે. જેમાં આધુનિકતાથી સર્જાયેલી ખિન્નતા, રોષ, ઉદાસીનતા, મથામણ, પીડાના ભાવો આલેખિત છે. ‘મંદાક્રાંતા’ છંદ રચનાનો એક ઉત્તમ શે’ર જુઓ-
‘કોને કોની સરહદ ગ્રસી જાય છે એ પૂછોમા,
શ્રદ્ધા આખ્ખા નગર પરથી ઊઠવાની કથા છે.’
ગઝલકાર તરીકે ર.પા. એ ગઝલોમાં રમલ, રજઝ, હજઝ મુત્તદારિક, ખફીફ જેવા ઉર્દૂ છંદપ્રયોગ પણ કર્યા છે. ગઝલમિજાજના એકાદ બે ઉત્તમ શે’ર.
આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ / એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
માણસથી મોટું કોઈ નથી, તીર્થ પ્રેમનું / હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
કવિ રમેશ પારેખના અછાંદસ કાવ્યો તરીકે ‘ખમ્મા આલા બાપુને’ એ પ્રખ્યાત ચર્ચિત કૃતિ છે. જો કે ‘ક્યાં’, ‘ત્વ’, ‘ખડિંગ’, ‘સનનન’ માં પણ અછાંદસ કાવ્યો છે જ.
રમેશ પારેખની સાચી ઓળખ તો ગીતકવિ તરીકે જ પરિચિત છે. પરંતુ ગઝલમાં જેમ તેમનો ઉદાસીન, ગંભીર અને એકલતા-પીડાનો ભાવ ઘૂંટાયો છે. એમ અછાંદસ કાવ્યોમાં પણ થોડાં કૃષિકાવ્યો જે ‘છાતીમાં બારસાખ’માં સંગ્રહિત છે અને વ્યક્તિલક્ષી કાવ્યો જે ‘લે, તિમિરા સૂર્ય‘ માં છે. તે બન્ને પ્રકારના કાવ્યો ભાવની સઘનતા અને રચનારીતિની દૃષ્ટિએ ઉત્તમ છે.
આમ, રમેશ પારેખના અછાંદસ કાવ્યો તેની રચનારીતિ, કથાઘટકો, લોકવાર્તા અને કથાતત્વની દૃષ્ટિએ વિશેષ છે. ‘ત્વ’મા ‘લાખા સરખી વાર્તા’, ‘ક્યાં’માં રાણી સોનાંદેનું મરશિયું, ‘ખડિંગ’માં હનુમાન પૃચ્છિકા, ‘વિતાન સુદ બીજ’માં ‘ઝાડ, નદી અને હોનારત’ વગેરે ઉત્તમ છે. મુક્તક અને હાઈકું કાવ્યપ્રકારમાં પણ ર.પા.ની કાવ્યત્મકતાનો પરિચય મળે છે. ‘સ્વગતપર્વ’ સંગ્રહમાં ૬૦ જેટલાં હાઈકું કવિએ રચ્યાં છે.
કવિ રમેશ પારેખે ખૂબ અલ્પપ્રમાણમાં લઘુકાવ્યો લખ્યા છે, ને એ શરૂઆતના કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ છે.
રમેશ પારેખે બાળકાવ્યો અને બાળવાર્તાઓ પણ લખ્યાં છે. તેમાંનું એક કાવ્ય એટલે ‘ઈટ્ટાકિટ્ટા’ કાવ્ય. એવું જ એક બીજું કાવ્ય એટલે ‘બાળપણનું રૂસણું’
‘જા, નથી પ્હેરવાં કપડાં મારે નથી પ્હેરવા / લે, ખમીસ… લે ચડ્ડી… કપડાં નથી પ્હેરવા’
આમ, કવિ રમેશ પારેખનું ભાવ અને ભાષા બન્નેમાં પ્રભુત્વ એજ તેમની ઉત્તમ સર્જકતા છે. માત્ર મેટ્રિક પાસ થયેલ આ કવિ જીવનની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ઉત્તમ સર્જન આપી શક્યા. તેમના જ નિવેદનમાંથી જાણવા મળે છે કે ‘સોનલ એટલે મનગમતી સ્થિતિ’. મોટા ભાગે ભાવકોને ‘સોનલ’ વિશે જાણવાની ઉત્સુક્તા હોય. ને કોઈ રહસ્યની જેમ તેને જાણવાય મથતા હોય, પણ ‘સોનલ’ એ માત્ર રમેશ પારેખની જ નહીં, લગભગ વ્યક્તિ માત્ર ચેતનામાં પડેલી ઝંખના છે. ગુજરાતી સાહિત્યમાં રમેશ પારેખ જેટલાં મુર્ધન્ય અને અમર કવિ છે એટલુ જ અમર નામ છે ‘સોનલ’. તેમણે અનેક ‘સોનલ’લક્ષી અમર રચનાઓ આપી છે. ગુજરાતી સાહિત્યના આ અમર કવિ માટે તેમના જ યાદગાર શે’રોથી નવાજીને મારી ભાવાજંલિ અર્પું છું.
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? / એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ ? / ને તમે સમજી શકો નહીં મૌનમા શુ બોલીએ ?
બ્હાર ઉભા હોત તો તસવીરની ચર્ચા કરત / આ અમે ઉભા છીએ તસવીરમાં શું બોલીએ ?
(ડો. વર્ષા પ્રજાપતિના મૂળ લેખમાંથી ટૂંકાવીને)
*****
સર્જન ક્ષેત્ર : કાવ્ય, વાર્તા, નાટક, નિબંધ, બાળસાહિત્ય
કવિના કાવ્યસંગ્રહો
- ક્યાં 2. ત્વ 3. સનનન 4. લે તિમિરા સૂર્ય 5. છાતીમાં બારસાખ 6. સ્વગત પર્વ 7. ચશ્માના કાચ પર
પુરસ્કૃત કાવ્યસંગ્રહો
- ખડિંગ – નર્મદ સુવર્ણચંદ્રક 1978, ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર 1978-79
- વિતાન સુદ બીજ – સાહિત્ય અકાદમી પુરસ્કાર 1994, રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર
- ખમ્મા! આલા બાપુને – ક્રિટીક્સ અવોર્ડ
- મીરાં સામે પાર – ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક 1988, શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર 1979, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક 1986, અને શ્રીમતી સુલેખાબહેન શાહ પારિતોષિક 1991
- છ અક્ષરનું નામ – (સમગ્ર) રમેશ પારેખ
સમગ્ર સર્જન માટે
કુમાર સુવર્ણચંદ્રક 1970 ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક 1983 રણજિતરામ સુવર્ણચંદ્રક 1986
નરસિંહ મહેતા પુરસ્કાર 2004 સંસ્કાર પુરસ્કાર 1988 કલા ગૌરવ પુરસ્કાર 1989
અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક 1989 અને બીજાં અનેક
ગુજરાત સ્ટેટ ફિલ્મ ગીતકાર એવોર્ડ (ફિલ્મ નસીબની બલિહારી 1982-83, માનવીની ભવાઇ 1993-94)
*****
કવિ રમેશ પારેખ
માતા-પિતા : નર્મદાબહેન મોહનલાલ જીવનસાથી : રસીલાબહેન સંતાનો : નેહા, નિરજ
જન્મ : 27 નવેમ્બર 1940 અમરેલી અવસાન : 17 મે 2006 રાજકોટ
*****
OP 27.11.20
કવિ રમેશ પારેખ : જીવન કવન વિષે તથા કવિના અવાજમાં કાવ્યપઠન
સૌજન્ય : ગુજરાત સાહિત્ય અકાદમી
પ્રતિભાવો