જયંત મેઘાણી ~ સુભાષ ભટ્ટ

શ્રી જયંતભાઈએ દેહમાંથી વિદાય લીધી અને મન સૂનું પડી ગયું હતું.
‘હું છેલ્લે ક્યારે એમને મળી? – ના જવાબમાં પાર વગરનો વસવસો રહેતો.
અનેક લોકોએ એમના માટે લખ્યું છે અને મારી પાસે એમના સ્મરણો ખરાં પણ લખવા માટે પૂરતાં થઈ પડશે ? એ એક પ્રશ્ન. શું લખું ? એ બીજો.
શ્રી સુભાષભાઈનો આ લેખ નવનીત સમર્પણમાં વાંચ્યો અને લાગ્યું કે દરેક વાક્ય જાણે મારા મનની વાત છે. અનેકને આવું થયું હશે. – લતા હિરાણી
મારી નજરે તરે છે…….
ફોનથી જ પરિચય થયો હોવા છતાં મારા ‘ઉજાસનું પ્રથમ કિરણ’ પુસ્તક માટે પૂરું માર્ગદર્શન આપતા જયંતભાઈ,
‘પ્રસાર’ના નાનકડા રૂપકડા પુસ્તકો મોકલતા જયંતભાઈ,
એમણે કરેલા રવી-કાવ્યોના અનુવાદો ઈમેલમાં શેર કરતા જયંતભાઈ,
ભાવનગર ગઈ ત્યારે સ્નેહથી મને બસસ્ટેન્ડે લેવા આવેલા જયંતભાઈ,
પ્રસાર બતાવતા અને પુસ્તકોનો ખજાનો ખોલી આપતા જયંતભાઈ,
એમના ઘરે પત્ની લતાબહેન સાથે પ્રેમથી જમાડતા જયંતભાઈ,
કેટલી ના છતાં, એમનો જ રૂમ મારા આરામ માટે ફાળવી આપતા જયંતભાઈ,
કાર્યક્રમોમાં અનેકની વચ્ચે પણ જાણે મને એકલીને જ મળતા હોય એમ પૂરા ભાવથી મળતા જયંતભાઈ
અને મારા પર તૂટી પડેલા અસહ્ય દુખ વખતે કરુણાથી ભરપૂર, વ્હાલા મોટાભાઇ થઈ મને મળવા આવેલા અતિ પ્રિય જયંતભાઈ….
ફરી આ ક્ષણો આંખમાં ઝળઝળી ઉઠી છે જયંતભાઈ !!
તમારો આત્મા ક્યાંક તો મારું આ વ્હાલ ઝીલતો જ હશે…
**
આત્મીય જયંત મેઘાણી : આમી સખા માત્ર – સુભાષ ભટ્ટ
મારી નાની નમણી વસ્તુઓ
વ્હાલાઓ માટે મુકતો જાઉં છું
મોટી જણસો સર્વને સમર્પિત હશે. – રવીન્દ્રનાથ ટાગોર
આ પંક્તિના અનુવાદક છે પ્રિય અને પૂજ્ય જયંતભાઈ મેઘાણી (1938-2020). આ કથન જાણે કે તેમની અંતિમ ઇચ્છા સમું છે. તેઓ અત્યંત ઉદાર ચિત્ત કલ્યાણ મિત્ર હતા, તેથી સૌ પાસે – દરેકના ભાગમાં નાની નમણી વસ્તુઓ અને મોટી જણસો આવી છે. તેમના સંપર્કમાં આવેલ દરેક પાસે તેની પોતાની એક સ્મરણ જ્યોત છે.
*
લાવ, પરમ શાંતિમાં સમાઈ જાઉં ને
મૌનની આતમ-અટારીએ તારી વાણી ઝીલું. – ટાગોર
ઈ.સ.1972માં ‘પ્રસાર’ની સ્થાપનાથી આરંભીને ઈ.સ.2017માં તેના વિશ્રામ સુધી જયંતભાઈએ આમ જ કર્યું. તેમનું કામ બોલે પણ તેઓ ભાગ્યે જ બોલે. ઈ.સ.2008માં ગુજરાતાના અનોખા પુસ્તક ભંડાર તરીકે ભારતીય પ્રકાશક સંઘે ‘પ્રસાર’ને સન્માનિત કર્યું. તેમના થકી જ ‘પુસ્તકોની નાનકડી દુનિયા’ને અમારું નાનકડું નગર પુસ્તક માર્ગે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને લાયબ્રેરી ઓવ કોંગ્રેસ સાથે જોડેલું રાખ્યું. તેમની મૌન તન્મયતામાં તેમના આનંદ અને સૌંદર્ય છુપાયેલ રહ્યાં.
ભારતીય શબ્દની ધારામાં એમ પૂછાયું છે, ‘કોની વાણી અમોઘ નીવડે છે ?’ તો તેનો ઉત્તર છે, જે મૌન છે, જે શાંતિ રાખે છે, એની વાણી અમોઘ હોય છે. મને અંગત રીતે એમ લાગે છે કે જેમને સત્ય જ બોલવું હોય તેમને બોલકાપણું ન પોષાય. જયંતભાઈ આ મૌન ગોત્રના શબ્દપ્રેમી હતા. સાહિત્યકારનો પ્રભાવ,
માત્ર વાણીનો નથી, મૌનનો પણ છે
માત્ર વિચારનો નથી, જીવનનો પણ છે,
માત્ર જ્ઞાનની લંબાઈ-પહોળાઈનો નથી
પણ મૌન-એકાંતની ઊંડાઈનો પણ છે.
તેઓ અલિપ્ત, અનાસક્ત અને અનુશાસિત હતા પણ જગતથી વિમુખ ન હતા. તેમનામા તાટસ્થ્ય હતું પણ ઉદાસીનતા ન હતી. તેઓ શબ્દ અને વિચારને જીવનના અનેક સ્તરે અને આયામો થકી સ્પર્શતા, તેઓ સંગ્રાહક અને સંપાદક, પ્રસારક અને પ્રકાશક, વિચારક અને વિક્રેતા, અનુવાદક અને લેખક એવા અનેક સ્વરૂપે શબ્દને આરાધતા પણ હા, 82 વર્ષની તેમની અંદર અને બહાર સમાંતર યાત્રા દરમિયાનની તેમની પ્રતિબદ્ધતા અને નિસબત હતી, જીવનમાં પણ.
*
મારા આ જીર્ણ જીવન પર
સૌંદર્ય અને માધુર્ય છાંટી દે. – ટાગોર
જયંતભાઈના જીવનવહેણમાં માત્ર સૌંદર્ય અને માધુર્ય જ નહીં પણ જીવનનો આનંદ અને આસ્તિકતા પણ વહે છે. સાહિત્યનો આત્મા વસે છે જીવનરસમાં. તેમની જીવનઆસ્થા રેતાળ નથી, રસાળ છે. તેમના શબ્દો અને વિચાર જીવનસૌંદર્યમાં ઝબોળાઈને આવે છે. તેમના દરેક વ્યવહારમાં સાહજિકતાનું સૌંદર્ય પણ છે, સહૃદયતાની સુગંધ પણ છે. તે દરેકને મળે ત્યારે તેમની સંપૂર્ણ સમગ્ર ઉપસ્થિતિ હોય તેથી તેમણે મળનાર દરેક માટે તે પળ અવિસ્મરણીય બની જાય. તેથી જ પ્રસારમાં એકવાર આવનાર પણ નિરંતર આવ્યા કરે. જયંતભાઈને રબિ ઠાકુર ગમતા. તેનું કારણ એ કે લાગે છે કે બંનેમાં આત્મનિષ્ઠતા અને હૃદયનિષ્ઠતા, કાવ્યમયતા અને મૈત્રી સરખી છે. બંને માને છે કે આનંદધારા અને સૌંદર્યધારા બહિ છે ભુબને. જયંતભાઈની સંવેદનશીલતા સ્થળ-કાળની સીમાઓને લાંઘે છે.
ઈ.સ.1862માં રવીન્દ્રનાથ તેમના પ્રવાસ દરમિયાન બીરભૂમની વેરાન ભૂમિ પર બે સપ્તપર્ણી વૃક્ષોની છાયામાં વિશ્રામ અર્થે થોભ્યા હતા. ઈ.સ.2018માં એટલે કે 158 વર્ષ પછી જયંતભાઈ રવીન્દ્રનાથની કબિતિકાઓની ‘સપ્તપર્ણી’ નામક પુસ્તિકાના અર્પણમાં લખે છે; સપ્તપર્ણીઓની એ ક્યારીએ આ અલ્પ જળસિંચન.
તેમનું આ સત્વશીલ પાવક અને અનુશાસનમય એસ્થેટિક્સ વંદનીય છે.
*
આપણા મૂલના સાચા હિસાબ ન સાચવી શકનાર
ગાફેલ પરમાત્મા જ સૌંદર્યની લહાણ કરતો હોય છે. – ટાગોર
અને અસ્તિત્વની સૌથી મોટી લહાણ છે; પ્રેમ-મૈત્રી. ભલે આપણે પેરિસની સીન નદીતટની ‘શેક્સપીયર એન્ડ કંપની’ કે ઓક્સફર્ડની ‘બ્લેકવેલ’ બુકશોપમાં ન ગયા હોઈએ પણ‘પ્રસાર’ તેનાથી સહેજ પણ ઓછો અનુભવ નથી. પ્રસારમાં જ્ઞાનપિપાસુ, જ્ઞાનસેવી અને જ્ઞાનરસિકોને તો નિત્ય આવકાર મળ્યો જ પણ સમાન રીતે જીવનપ્રેમી, જીવનમરમી અને જીવનધરમીનો પણ સત્કાર થયો. કારણ કે પ્રિય જયંતભાઈને મળનારા અગિયારથી એકાણુ વયજૂથના મિત્રો હતા. તે સૌ માટે પ્રસાર એટલે આત્મીય સંવાદો માટેનું અભયારણ્ય. એક એવો પાવક ખૂણો કે જ્યાં જીવનની વાતો જીવનભર થઈ શકે. અહીં આવનાર દરેક પોતાનો અંગત અંધકાર અને પાવક ઉજાસ તેમની સાથે શેર કરતા. યુવક પોતાની વસંતની વાતો કરતો તો વૃદ્ધ પોતાની પાનખરની વિગતો આપતા. કદાચ, જીવનના ડહાપણનું આ જ કાર્ય છે. જ્યારે વ્યાસપીઠ શોભાવનાર આટલા સહજ રીતે હાથવગા નથી હોતા ત્યારે દરેકના કલ્યાણપ્રિય સમા જયંતભાઈ સાવ સહજ રીતે મળી જતા. તેમના શબ્દ અને વિચાર, અભિપ્રાય અને સૂચન, સંવેદનશીલ મૈત્રી અને માનવીય નિસબતથી ભીનાં ભીનાં રહેતા. તેમની પ્રેમ અને મરમથી છલકાતી ઉપસ્થિતિમાં સધિયારો અને બાંહેધરી હતાં. જ્ઞાન અને પ્રેમ એ વ્યાકરણમાં ભલે નામ કહેવાય પણ જયંતભાઈએ તેને ક્રિયા-કૃત્ય બનાવેલાં.
વિલ દૂરાંના ગ્રંથોમાં મને રસ હતો તે જાણતાં જ તેમણે મને ‘સ્ટોરી ઓવ સિવિલાઇઝેશન’ના અગિયાર વોલ્યુમ્સ ભેટ આપી દીધેલા. અસંખ્ય લોકો પાસે તેમની અનન્ય છબી-પ્રતિમા હશે/છે.
*
કાળના કાટમાળમાં એક દુખિયારા ઉદગારે માળો બાંધ્યો છે;
રોજ રાત્રે અંધારા ઊતરે ને ગાન ગુંજયા કરે; ‘મેં તને ચાહ્યો છે.’ – ટાગોર
કોઈ શબ્દ કે વિચારનો, જ્ઞાન કે જીવનનો પ્રેમી આવશે તેમ માનીને સવારે આઠથી રાત્રે આઠ સુધી, પ્રસારમાં બેસીને પ્રાર્થના સમી પ્રતીક્ષા કરવી અને તે પણ જીવનના સાડા ચાર દાયકા સુધી, તે માત્ર નિષ્ઠા નથી, ઉપાસના છે. અન્યના સૌના કલ્યાણ અને માંગલ્ય માટેની તેમની આસ્થા અને આરાધનાને વંદન.
*
આત્મીય શ્રી જયંતભાઈ મેઘાણીના પુત્ર નીરજ મેઘાણીએ ‘બુક પ્રથા’ નામ સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા આરંભી છે. મેઘાણી પરિવારનો આ ત્રીજો અધ્યાય છે. સૌને વંદન.
(શ્રી રવીન્દ્રનાથ ટાગોરના દરેક અવતરણના અનુવાદક શ્રી જયંત મેઘાણી છે.)
સુભાષ ભટ્ટ
(નવનીત સમર્પણ જાન્યુઆરી 2021માંથી સાભાર. સુભાષભાઇની મંજૂરી લઈને લેખ થોડો ટૂંકાવ્યો છે.)
OP 11.1.21
***
સુભાષભાઇએ જયંતભા
ઇના વ્યકિતત્વનો અને જીવનનો યથાર્થ પરિચય સાર્થક ભાષામાં આપીને યોગ્ય અંજલિ આપી છે. હું ભાવનગર લગભગ અઢાર વર્ષ રહ્યો અને અમારા ઘરની નજીક જ પ્રસાર. તેથી ઘણીવાર જવાની તક મળી હતી અને જયંતભાઇના સૌમ્ય સ્વભાવનું એ વખતે પણ આકર્ષણ હતું.