માધવ રામાનુજ * Madhav Ramanuj

કાવ્યલેખનની શરૂઆત

‘કવિતાના બીજ વવાયાં બાળપણમાં. મારી આસપાસ બધે જ, ઘરમાં, શેરીમાં લોકસંગીત ગુંજતું રહેતું. ગાતાં ગાતાં કામ કરતાં બા કે દર બીજે ત્રીજે દિવસે ઢોલીને બોલાવીને શેરીમાં થતાં બહેનોના ગરબા – આ સંગીત કાનમાં રેડાયા રાખ્યું જેનાથી મારા કાન કેળવાયા અને મનમાં લય ઘુંટાયો.

કવિ કહે છે, ‘હું નવમા-દસમામાં ભણતો હતો ત્યારની વાત. કવિ અને નિવૃત સરકારી કર્મચારી જેઠાલાલ ત્રિવેદીએ એ સમયે એક મેગેઝીન શરૂ કરેલું અને એના માટે મારી પાસે કવિતા માંગી. બે કવિતાઓ આપી જેમાં પહેલી હતી

‘ઉઠ હો ભારતબાળ, ભાઈ રે આ તો શયનનો નહીં કાળ….’

અને બીજી સોનેટ રચના હતી.

‘ભલે મને પથ્થર દેહ આપ્યો, અરે ભલે પથ્થરથીયે શુષ્ક હૈયું આપ્યું

એ જ ગમ્યું તને તો છો ને મને શુષ્ક રણે સ્થાપ્યો …. ‘

કાવ્યસર્જનના યાદગાર પ્રસંગો  

કવિ કહે છે – ‘કોઈ માગે તો ઝટ લખાઈ જાય !

* સુરેશભાઇનો (સુરેશ દલાલ) ફોન આવ્યો કે અગિયાર કાવ્યસંગ્રહ કરવાના છે. દસ તૈયાર છે. એક મોકલી આપો. મારી પાસે એટલી કવિતા હતી જ નહીં. પણ એમનો આગ્રહ થયો,

ફંફોસો, મળી જશે.

છે જ નહીં, લખવા બેસું તો થાય.

બેસી જાઓ.

અને વીસ દિવસમાં સંગ્રહ તૈયાર થઈ ગયો જેનું નામ ‘અનહદનું એકાંત’ ! મારું  પ્રિય ગીત ‘મૂળ તો ભીનું ભીનું ખસે’ એમાંનું એક. 

* દર ગુરુવારે અમે કવિઓ હોટલ પર મળતા. કવિ ચીનુ મોદીએ નિયમ કરેલો કે જે કવિતા ન લાવે તેણે બધાને ચા પાવી. એકવાર કવિતા ન થઈ. વિમાસણ એ રહી, ‘જવાનું ટાળવું કે બધાને ચા પાવી ?’ અચાનક મનમાં કવિતા સ્ફૂરી,

‘એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશાય કારણ વગર જઈ શકું…..’

આખું ગીત સળંગ કડીબદ્ધ ઉતારી આવ્યું. કાગળ પર ઝડપથી ઉતાર્યું અને વાંચ્યું !

* નરેન્દ્રભાઈએ (નરેન્દ્ર મોદી, ત્યારે એ સંઘના કાર્યકર હતા) મને ‘સંઘગાન’ લખી આપવા આગ્રહ કરેલો. એના અનુસંધાનમાં મને સંઘ વિશે ઘણી વાતો પણ કરી. આખરે મેં એ લખ્યું, 

‘આજ યૌવનયજ્ઞમાં આહૂતિ આપો’ અને લગભગ 5000 સ્વયંસેવકોએ એ ગાન ગાયેલું.

* ટીસીરીઝ તરફથી પ્રસ્તાવ આવ્યો,

“શ્રી મહાવીરપ્રભુના જીવન પર તાત્કાલિક નક્કી થયેલાં સાઉન્ડટ્રેક પર દીર્ઘ રચના લખી આપો ! અનુરાધા પૌંડવાલ કંઠ આપવાના છે” ફોન આવ્યો અને બે દિવસમાં લખી, ત્રીજે દિવસે ફાઇનલ કરી, પૂરી ચારસો પંક્તિઓમાં ‘શ્રી મહાવીર અમૃતવાણી’ ત્રણ દિવસમાં એમને મોકલી આપી અને એનું રેકોર્ડિંગ થઇ ગયું !

આનાથી પ્રભાવિત થઈ ખ્યાતનામ જૈન સાધુ  પ્રદ્યુમનસૂરિજીએ ડાયરી અને પેન ભેટ મોકલાવી અને મળવાનું આમંત્રણ આપ્યું. મળતી વખતે પ્રસ્તાવ મૂક્યો – ‘શાસન સમ્રાટ’ નેમિસુરીજી વિશે લખી આપો. લખાયું.  

આ પછી ટીસીરિઝ માટે જ ‘શ્રી સાંઇ અમૃતવાણી’ પણ નિર્ધારિત સાઉન્ડ ટ્રેક પર ચારસો પંક્તિઓમાં તાત્કાલિક લખાઈ અને ‘શ્રી દશામા અમૃતવાણી’ એમ જ ચારસો પંક્તિઓમાં લખાઈ. 

* એ સમયે કવિ હરીકૃષ્ણ પાઠક શનિવારનું ગ્રૂપ ચલાવતા. એમાં હું જતો. એ વખતે 1968માં ત્રણ કાવ્યો લખ્યાં અને રઘુવીરભાઈને બતાવ્યાં. એમણે એમાં બે ત્રણ સુધારા પણ સૂચવ્યા. ‘વિશ્વમાનવ’માં એ છપાયાં. એમાનું એક કાવ્ય હતું – ‘તું આવે તે પહેલાં’ (પ્રતીક્ષાના ભરપૂર ભાવનું, જે હંમેશા રહ્યો છે) અને સુખદ સંયોગ એ બન્યો કે અને બીજા જ મહિને ‘મિલાપ’માં એ કાવ્યો રીપ્રિન્ટ થયાં ! મારી કવિતાઓ બતાવવાનું પહેલી અને છેલ્લી વારનું થયું. એ પછી આજ સુધી મેં મારાં કાવ્યો કદી કોઈને બતાવ્યાં નથી કે રદ પણ કર્યા નથી. બુધસભામાં હું જતો અને કવિ પિનાકીન ઠાકોરનો એ અભિપ્રાય હતો “બુધસભામાં અનેક કવિઓ આવે છે, તૈયાર થાય છે અને સારું લખતાં થાય છે. પણ આ એક કવિ એવો છે જે તૈયાર થઈને જ આવ્યો છે !”

* મારી બે રચનાઓ ‘ગોકુળમાં કો’કવાર આવો તો કા’ન હવે રાધાને મુખ ના બતાવશો’ અને ‘એકવાર યમુનામાં આવ્યું‘તું પૂર…’ મેં અનુક્રમે ‘કુમાર’માં મોકલેલી અને ‘બુધસભા’માં વાંચેલી. સુધારો કરવાના સૂચન મળ્યાં.  સુધારો તો ન કર્યો પણ એ રચનાઓ અનેક કલાકારોએ ગાઈ છે અને લોકોને ખૂબ પસંદ પડી છે.

સાહિત્ય સિવાય પસંદગીના અન્ય ક્ષેત્રો  : ચિત્રકળા અને સંગીત.

શેઠ સી. એન. વિદ્યાવિહારના ફાઇન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા.

તેઓ ગાંધર્વ સંગીત વિદ્યાલય ટ્રસ્ટના અધ્યક્ષપદે રહ્યાં હતાં.

અમદાવાદના ઇસ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરના તેઓ માનવ સંસાધન વિભાગના અધ્યક્ષ પદે કાર્ય કર્યું હતું. તેમણે ત્યાં કિડની સંબંધિત રોગોની જાગૃત્તિ માટે ‘કિડની થિયેટર’ની સ્થાપના કરી.

માધવભાઈ સરસ ગાય છે. એમના અવાજમાં એમના ગીતો સાંભળવા એક લ્હાવો છે. તેઓ ગીતોના ટ્યુનમાં મુખેથી સિટી વગાડી સરસ સંભળાવી શકે છે.  

કવિના ગીતોનું સ્વરાંકન  

શ્યામલ-સૌમિલ મુનશી સંગીત નેજા હેઠળ હસ્તાક્ષર આલ્બમમાં અને ગુજરાતનાં અનેક સુપ્રસિદ્ધ સંગીતકારો- ગાયકોએ કવિના અનેકના સુંદર સ્વરાંકન કર્યા છે, ગાયા છે. મને લાગે છે કે જેમના વધુમાં વધુ ગીતોનું સ્વરાંકન થયું હોય અને ગવાયાં હોય તો એ કવિ માધવ રામાનુજ !   

સર્જન અને સન્માનો    

કાવ્યસંગ્રહો 

તમે – (1973)  રાજ્ય સરકાર તરફથી વર્ષનો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ     2. અક્ષરનું એકાંત (1997)    3. અનહદનું એકાંત (2013)    4. અંતરનું એકાંત (સમગ્ર કવિતા)  **  અન્ય સર્જન – બે નવલકથા, આઠ નાટકો

સન્માનો

એકલવ્ય – લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ  

સૌથી પહેલી ગુજરાતી ટેલીફિલ્મ ‘રેવા’ લખવાનું સન્માન  

પીઠી પીળી ને રંગ રાતો (1974) અને દેરાણી જેઠાણી (1999) ગુજરાતી ફિલ્મો માટે લખાયેલા ગીતો   રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત

નરસિંહ મહેતા પુરસ્કાર (2012)

સાહિત્ય ગૌરવ પુરસ્કાર (2016)

પિંજરની આરપાર  (નવલકથા સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત)

**

કવિ માધવ રામાનુજ 

સર્જનના ક્ષેત્રો : કાવ્ય, નવલકથા, નાટક, ફિલ્મ, પત્રકારત્વ

જન્મ : 22 એપ્રિલ 1945, પચ્છમ (તા. ધંધુકા જિ. અમદાવાદ)   

માતા-પિતા  : ગંગાબા ઓધવદાસ

જીવનસાથી  :  લલિતાબહેન 

સંતાનો : દિપ્તી અને નેહા

કર્મભૂમિ : અમદાવાદ (હાલમાં કિડની હોસ્પીટલમાં HR હેડ તરીકે સેવા આપી રહ્યા છે, લખ્યા તા. 26.9.2020)  

OP 1.2.21

***

Purushottam Mevada, ,Saaj

13-04-2021

મા. કવિશ્રી માધવ રામાનુજ ની કેફિયત માણી.

6 Responses

  1. વાહ ખુબ સરસ પરિચય રામાનુજ સાહેબ નો ખુબ ઉમદા માહિતી જાણવા મળી ખુબ ખુબ અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    કવિ માધવ રામાનુજને જન્મ દિવસની વધાઇ હો.

    • અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

      કવિશ્રી માધવ રામાનુજ…..
      કલમ હાથમાં લે અને કાવ્ય રમતું રમતું આવે એવી
      સર્જન-શક્તિ…..!!!
      કાવ્યશૈલી અને જીવનશૈલી બન્ને હૃદય-સ્પર્શી….
      ભાવનગર શિશુવિહારમાં કવિશ્રીને રૂબરૂ માણવાનો એકવાર લ્હાવો મળી ગયો….એ વખતે જ બહુ મોટા લાગ્યા હતા….
      એનાં કરતા આજે તેઓશ્રી અનેકગણા મોટા જણાયા….
      કાવ્ય-વિશ્વ માતૃભાષાનાં ઉપાસકોની ઓળખ આપીને ખૂબ મોટું કાર્ય કરી રહ્યું છે…..
      આભાર કાવ્ય-વિશ્વ….આભાર લતાબેન….

  3. એક દિગ્ગજ કવિનો સુંદર પરિચય પામી ધન્યતા અનુભવી. 🙏

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    સરસ જીવનકથા .ઈશ્વર અનુગ્રહ આ માધવને પણ મળતો રહે.

Leave a Reply to Sarla Sutaria Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: