સર્જક મનોહર ત્રિવેદી
કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી

કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે
“ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે.
મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને, અંધારા ઉલેચતી, ખાડાખૈયામાં, ઝાડીઝાંખરામાં ભરાઈ ન જાઉં તેની ખેવના પણ રાખે છે. કવિતા મને ન પડકારે, ન ડારે. બચપણમાં મિત્રો સાથે ઉખાણાંની ત્રમઝીંક બોલતી. સાચા પડતાં તો પીઠ થાબડનાર મળતાં, ખોટા પડીએ તો નકરી હાંસી. ઠિઠોરી. ફાંસી ઓછી હોય એ વાતે ? બસ, એમ કવિતા ઉખાણાંની જેમ આવે, તાવે. વિચારતાં કરી મૂકે. એકાદ પંક્તિ અધરાતે-મધરાતે વીજ જેમ ઝબકે. ઊંઘમાંથી જગાડે. કાગળ પર ટપકાવી લેવા વિવશ કરે. લખી લઈએ પછી કોણ જાણે કેમ, એક વેંત પણ દોરો ન આપે. પ્રિય સખીની જેમ છેતરતી રહે. મરમમાં, આંખ મીંચકારી, કમાડ આડે લપાઈ જાય, એવું. વચ્ચે વચ્ચે કોઈ ગીતના મુખડારૂપે કે ગઝલના મત્લા સ્વરૂપે, છંદની અર્ધપંક્તિમાં કે છેવટ હાઇકુ-મુકતકના ચિત્ર બની દેખા દે. આવી રીતે ક્યારેક સડસડાટ, એક જ બેઠકે ઝાઝી ખેંચતાણ કર્યા વગર, કાગળ પર કલમની ટોચેથી ઊતરે પણ પેલી અધૂરી પંક્તિઓ મહિનાઓ સુધી બઠ ન માંડે. એકલા-એકલા મૂછમાં હસીને એવુંય વિચારીએ કે આવાં અસંખ્ય મુખડાં, એક જ સ્ટાન્ઝા લગી પહોંચી, વટકીને ઊભેલું ગીત, ગઝલના કૈં – કેટલા એકાદ-બે મિસરા, અઢી ત્રણ પંક્તિની સોડ ઠાંસીને સૂતેલી છાંદસી, અધૂરીપધૂરી અછાંદસ રચના : આનો જ એક સંચય ગુજરાતી ભાવકને પકડાવ્યો હોય તો ! પછી સમૂહમાં સૂત્રોચ્ચાર કરાવશું : વાંચે ગુજરાત ! પણ ના. એ અચાનક આગળિયો ઊંચકીને માલીપા આવે છે, રીઝવી-મનાવી લખાવે છે ને ન્યાલ કરી દે છે.
હા, હું પણ એનો છાલ નહીં છોડું. વેરવિખેર પૃષ્ઠો પર ફરીફરીને મળું. અતૂટ મૈત્રીને આંચ ન આવવા દેવાય. પરસ્પરની ધીરજ અમારો વિચ્છેદ નથી થવા દેતી. આમ સરળ. નહીંતર ટેવ એવી કે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘ઉદ્દેશ’, ‘સમીપે’ જેવા સામયિકોના રેપરને કાતરથી કાપીને મૂકી રાખ્યાં હોય મેં. કવિતાનું પ્રથમ અવતરણ આવાં ટુકડાઓ પર થાય. ગાંધીબાપુ આવીને મારે માથે હાથ ફેરવી જાય, આછોતરા સ્મિત સાથે.
પાછું વળીને જોઈએ તો એ કાંઇ પડકાર ન કહેવાય. આપણે જ આપણી મેળે શૂળ ઊભું કર્યું હોય. ઊઠ પાણા પગ ઉપર ! – ની ગત. આમ કરીએ તો કેમ થાય, એવું અનન્ય વિસ્મય એની પછવાડે હોય. એક પંક્તિ ઝિલાઈ : આંગણમાં આવીને વરસી રે તું : એ ક્યાંથી, કેમ કઇ રીતે આવે એનો જવાબ તો મારો વાલોજીયે નથી આપી શકે એમ. અંતર્યામી ખરો પણ તે છે અંતર્ધાન. અદૃશ્ય. એણે મને વાણી આપી પણ પોતે મૂક. હા, નામે અંતર્યામી, એક પંક્તિ આપી દે છે ને તે પછી તે છૂટ્ટો. એ પછી એ પંક્તિએ મને પાંચ વર્ષાગીત લખાવ્યાં.
આંગણમાં…
આંગણમાં આવીને…
આંગણમાં આવીને વરસી…
આંગણમાં આવીને વરસી રે…
આંગણમાં આવીને વરસી રે તું….
પ્રથમ પંક્તિ પૂરી આવી. પછી પ્રયોગ કરવાનું સૂઝયું ને એક એક શબ્દ વધારતો ગયો. એમ પાંચ ગીતોનું વર્તુળ પૂરું થયું.
આ પ્રથમ પંક્તિ તે કવિતા. એ કર્તા ઉર્ફે કિરતાર. કર્મ આપણાં હાથમાં મૂકીને અલોપ જ રહે છે. એક અર્થમાં તે મારું અને કિરતારનું સહિયારું સર્જન. કર્મ એ જ મથામણ, સરવાળે કૃતિને આકૃતિ પ્રાપ્ત થાય છે.
પ્રથમ કવિતા (?) લખાઈ ત્યારે તો હતી અમારી મુગ્ધાવસ્થા. હું સાવરકુંડલા તાબેના ખડસલી ગામની સામે પાર આવેલી લોકશાળાનો નવમી શ્રેણીનો વિદ્યાર્થી. નાનકડી ટેકરી પર અમારી સંસ્થા. યુનેસ્કો તરફથી સંસ્થાઓ માટે વિદ્યાર્થી માટે નોનફેટ દૂધના પાઉડરના ડબાઓ અપાતા. એનો ઉપયોગ થઈ ગયા પછી ઠેબે ચડે. લખી આ ગીતનામી રચના : આ નોનફેટનું ડબલું ! ગડબડતું-રડવડતું-પડતું-આખડતું … નાદવૈભવ સૌના રાજીપાનું કારણ, એ સિવાય ઉત્સાહિત કરવાની વૃત્તિ પણ ખરી. ગીતમાં બીજું તે શું હોય ! એ પણ નોનફેટ જ હોય ને ! છતાં એણે કવિ તરીકે મહોર મારી દીધી. બહારથી અતિથિઓ આવે ત્યારે મને રજૂઆત માટે અચૂક ઊભો કરે. કવિ તરીકે ઓળખાયા એટલે ઉપનામ તો જોઈએ ને ! પ્રારંભે ઓળાખાયા ‘દિલેર’ થઈને….
અમે લખલૂટ વાંચ્યું છે. ભૂખડીબારસની જેમ તૂટી જ પડતા અમે. વાચન પુખ્ત થતું ગયું. ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’, ‘મિલાપ’, ‘કોડિયું’ અને બીજા અનેક સામયિકો વાંચતાં. સમજાય તો મા કસમ, એવો ઘાટ ! પણ ના. સ્થૂળતા ઓગાળવાનું અદૃશ્ય કામ એના થકી થયું. ટેવ પડી. કવિતાના અનુશીલનની ; લય. તાલ, પ્રાસ-અંત્યાનુપ્રાસ, ગીતમાં વિષયગત ભાવ માટે સચવાવી જોઈએ તે સળંગસૂત્રતાની, સૂક્ષ્મતાની, લય-નાદના આવર્તનોની સમજ અને ચીવટ કેળવાઈ. ગીતનું સ્વરૂપ બરાબર ઝીલાઈ ગયા પછી કવિતાની આંતરઆવશ્યકતા હોય તો પ્રયોગો પણ થતા રહે. ગોઠવણ એવી હોય કે પ્રથમોદગાર સાથે એનો અનુબંધ – એનું અનુસંધાન જોખમાય નહીં. ગઝલમાં મતલાના શેર વચ્ચે ને તે પછીના કે મકતાના શેર વચ્ચે આવી સળંગસૂત્રતા – ભાવની જરૂરી નથી ગણાઈ. એને એકસૂત્રમાં પરોવી રાખે છે કાફિયા-રદીફ. ગીતકવિને પ્રયોગદાસ બનીને સ્વામીત્વ ખોવું ન પાલવે. જાત સાથે છેતરપિંડી કરવી હોય તો ‘કવિરાજા’ની મરજી !
બાળક પ્રથમ મા સાથે, પિતા અને પરિવાર સાથે, શાળા ને એમ ક્રમશ: સમગ્ર સમાજ સાથે સંપર્કમાં આવે છે. બોલીના જુદાજુદા લહેકા, કહેવત-રૂઢિપ્રયોગ, કથાનકોના સંસ્કાર જાણ્યેઅજાણ્યે એની ચેતનામાં ઝીલાય છે, આત્મસાત થાય છે. આંખ-કાન સાબદાં હોય, કેળવાતી કોઠાસૂઝ હોય, જાણવા-સમજવા-માણવાની આકંઠ તરસ હોય ને એ સૌ વાનાં સાથે પ્રતીતિપૂર્વકની સર્જકપ્રતિભા હોય તો ભાષા અને છંદોલય પાછળ પાછળ પગલામાં પગલું પરોવીને ચાલી આવે છે.
મારાં તડકાળ ગીતોનો ગુચ્છ ચોમાસાની મેઘલી રાતોમાં આકાર પામ્યો હોય, વર્ષાગીત લખાયાં હોય ત્યારે એકાદ ખૂણામાંય નાનકડી વાદળીનું ચિન્હ પણ ન હોય ! આમ ઋતુઋતુનાં, કુટુંબભાવનાં કે અન્ય રચનાઓ તત્કાલિન સામયિકતાનું પરિણામ હોય એવું નથી. એ ગમે ત્યારે સાતેય પાતાળ તોડીને બહાર ધસી આવે છે. સર્જક પોતાની ઋતુ સર્જી લે છે.
મારી રચનાઓમાં મેં મારી અંદર વસેલું જનપદ ખંડિત ન થાય તેની ચીવટ રાખી છે. બીજી બધી પ્રાપ્તિઓ એ આનંદ પાસે ક્ષુલ્લક છે. રમેશ જેવા સમકાલીનોનો પદસંચાર ક્યાંક ક્યાંક મારાં ગીતોએ ઝીલ્યો હોય તો પણ મારાં જનપદની માટીથી રજોટાયેલી મારી ચેતનાની સુગંધ મેં દોથે દોથે વેરી છે ને એ સુગંધના હિસ્સેદાર બીજાનેય બનાવ્યા છે. અને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે.
સૌજન્ય : શબ્દસૃષ્ટિ ઓક્ટોબર-નવેમ્બર 2011 દીપોત્સવી વિશેષાંક તંત્રી હર્ષદ ત્રિવેદી અને ગુજલિટ વેબસાઇટ
(મૂળ લેખમાંથી ટૂંકાવીને)
કવિ, સાહિત્યકાર મનોહર ત્રિવેદી
ગૌરવવંતા સન્માનો
1.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ સુરત – 2010
2. આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ 2015
કાવ્યસંગ્રહો (7)
1. છુટ્ટી મૂકી વીજ (1998-2012) ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત
2. વેળા (2012) ગુજરાત સાહિત્ય પરિષદ તથા ડો. જયંત પાઠક પુરસ્કૃત
3. મોંસૂઝણું (1967) 4. ડૂલની નૌકા લઈને (1981) 5. આપોઆપ (ગઝલસંગ્રહ 1987) 6. ઘર સામે છે તીર (2016) 7. મિતવા (2009)
અન્ય સાહિત્ય સર્જન
વાર્તાસંગ્રહ (2) નિબંધસંગ્રહ (2) લઘુનવલ (1) સંપાદન (2) બાળસાહિત્ય (3)
અન્ય વિગતો
કવિ મનોહર ત્રિવેદી
જન્મ : 4 એપ્રિલ 1944, હીરાણા (તા.લાઠી)
માતા-પિતા : માનકુંવર રતિલાલ જીવનસાથી : લીલા સંતાનો : અપેક્ષા, શિશિર, સમીપ, ગોરજ
અભ્યાસ : સ્નાતક (લોકભારતી ગ્રામવિદ્યાપીઠ) 1963 બી. એડ. 1965 એમ. એ. 1976
કર્મભૂમિ : સાવરકુંડલા, ત્રંબા, ઢસા જંકશન વગેરે વ્યવસાય : અધ્યાપન હાલમાં નિવૃત્ત
*****
કવિની રચના ‘ચાલું મોજ પ્રમાણે’ અમર ભટ્ટના સ્વરમાં સાંભળો.
OP 4.4.21
***
ડો.પુરુષોત્તમ મેવાડા, સાજ
16-10-2021
ખૂબ સરસ માહિતી સભર લેખ, ગમ્યો.
છબીલભાઈ ત્રિવેદી
16-10-2021
મનોહર ત્રિવેદી સાહેબ ની સર્જન યાત્રા વિશે ની માહિતી ખુબ રસપ્રદ રહી કાવ્ય વિશ્ર્વ નાબધાજ વિભાગો ખુબજ રસપ્રદ બની રહે છે લતાબેન આપના પરિશ્રમ ને પ્રણામ કવિ શ્રી ને વંદન આભાર લતાબેન
પ્રફુલ્લ પંડ્યા
16-10-2021
આપણા અગ્રણી કવિશ્રી મનોહર ત્રિવેદીની પોતીકી સર્જન પ્રક્રિયા વિશેની કૅફિયત ખૂબ જ રોચક,રસપ્રદ અને નવોદિત કવિઓને પ્રેરણા પૂરી પાડે છે.શ્રી મનોહરભાઈ ( ગુરુજી) નું અનુભવ વિશ્વ એટલું વ્યાપક અને વેધક છે કે ક્યાંયથી પણ સાચી અને નરવી કવિતા લ ઈ આવે છે.શબ્દની શોધમાં કેવી કેવી મુશ્કેલ પરિસ્થિતિઓ પાર કરવી પડે છે તેનું બયાન કવિની મૂંઝવણ પ્રક્રિયામાંથી મળે છે.. ખૂબ જ સરસ લેખ ! મનોહર ભાઈને વંદન સાથે હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
પ્રતિભાવો