કવિ શ્યામ સાધુ * Shyam Sadhu

કવિ શ્યામ સાધુ

1955માં ‘શ્રીરંગ’માં કવિનું એક મુક્તક છપાયું અને એમના સર્જનની સરવાણી શરૂ થઈ.  

તું કમળને જળની વચ્ચે શું જુએ છે ?

પારદર્શક એક સગપણ દઈ દીધું છે.

અહીં કવિ દ્વૈતમાં અદ્વૈતની વાત કરે છે. રજનીકુમાર પંડ્યાએ કવિ સાથેની એક મુલાકાતમાં પૂછ્યું,

“શ્યામ તમને આવી જ્ઞાનમાર્ગી કવિતા કેવી રીતે સૂઝે છે ?”

કવિ શ્યામ સાધુનો જવાબ હતો,

“અમે મૂળ ત્રિકમપંથી સંપ્રદાયના સાધુ. અમે રામદેવપીરના પાઠ ભરીએ. પાઠ એટલે શું ? એક ઓરડામાં અમે ગુરુ તરીકે બેસીએ અને એમાં માત્ર શિષ્યોને જ આવવાની છૂટ. પછી જ્યોત પ્રગટાવીને ધ્યાન ધરવામાં આવે. એ ધ્યાન દરમિયાન કોઈ એવો સ્ફોટ થાય કે જેનાં મૂળ આકાશમાં છે અને શાખા ધરતીમાં છે એવા ઊર્ધ્વમૂલ વૃક્ષની જેમ બે નાડી વચ્ચે ચાલતી ચેતનાની ધારા ઊભરાઈ જાય એટલે બ્રહ્મસાક્ષાત્કાર થાય અને બ્રહ્મસાક્ષાત્કાર થાય એટલે અનુભવવાણી પ્રગટે, જે કાવ્યરૂપે હોય.

ત્રિકમપંથી સંપ્રદાયમાં રવિ, ભાણ, ખીમ, દાસી જીવણ, ભીમ દરબાર, મોટાર, પ્રેમહંસ જેવા અનુભવવાણી પ્રબોધનારા કવિઓ થઈ ગયા. મૂળ કબીરની પરંપરામાંથી આ પરંપરા નીકળી. મારા પિતા મૂળદાસ અને દાદા પણ કવિતા લખતા. દાદી ગજબના ભજનિક અને ગ્રામોફોન સિંગર હતા. દાદી અમને ગાતાં શીખવાડતાં પણ કંઠ જામ્યો નહીં. એમાં એક કામ થયું. ગાતી વખતે ગોખેલું નહીં પણ જે શબ્દ અંદરથી પ્રગટતો તે ગવાતો. આમ કવિતાના કોંટા ફૂટવા માંડ્યા.”

પછી શ્યામ સાધુ જૂનાગઢનાં કવિઓ સાથે બેસવા માંડ્યા અને કાવ્યધારા આગળ વધી. એમાં લાભશંકર ઠાકરના ‘રે મઠ’માં એમને અદકેરું સ્થાન મળ્યું અને એમની કાવ્યાયાત્રા ચાલી…..

છઠ્ઠા-સાતમા દાયકામાં કવિતાક્ષેત્રે નોંધપાત્ર કામ કરનાર કવિઓમાંના એક શ્યામ સાધુ. જૂનાગઢના આ કવિએ જીવનને જોયું છે, જાણ્યું છે. પોતે દલિત હોવાને કારણે હૈયાસૂના સમાજની ઉપેક્ષાઓ, અભાવ સહ્યા છે. આધ્યાત્મિકતા રગેરગમાં હોવાથી ગિરનારની કંદરાઓ એમના માટે બાહુ ફેલાવ્યા કરતી. અને કવિને પણ ગિરનારની ગેબી ગુફાઓમાં જીવનનો અર્થ મળી આવતો.

પિતા પાસેથી આધ્યાત્મિકતા અને દાદી પાસેથી સંગીત એમને પ્રાપ્ત થયાં હતાં. કવિના દાદીમા મોતીબાઈ સુંદર ગાતાં. એમની એક રેકોર્ડ ‘બાઈ મોતી ઓફ જુનાગઢ’ નામે એચ.એમ.વી. એ બહાર પાડેલી.

ગઝલ પછીથી ‘પ્રિયજન સાથેની વાતચીત’ના દાયરામાંથી બહાર નીકળી ગઈ હતી. કવિ શ્યામ સાધુએ પણ સંખ્યાબંધ પ્રયોગશીલ ગઝલો આપી છે, તત્ત્વચિંતન એમની ગઝલોમાં ઠેર ઠેર વેરાયું છે અને પ્રણયભાવથીયે  એમનું હૈયું રંગાયેલું છે. અનેક ગઝલમાં પ્રણયની મુગ્ધતા કે વેદના એમના શેરોમાં પડઘાય છે.

પ્રેમસભાઓ મેં જ ભરેલી, મેં જ ખમ્યો છે પ્રેમવટો

તોય અમસ્તું લોકો એનું નામ વટાવે શું કરવું ?

માત્ર એના આવવાની અટકળે / મનના ચોકે મોતીઓ વેરાય છે.   

અંગત સંવેદનને કવિએ પ્રકૃતિ સાથે કેટલી સુંદર રીતે જોડયું છે !

પતંગિયાઓ મારા ફળીયે આવો, આવો, મને કહો રે

આ ટહુકાનું ટોળું જઈને કોનું ઘર રળિયાત કરે છે !

અતિ ઋજુ સ્વભાવ અને એવી જ અભિવ્યક્તિ ધરાવતા આ કવિની કવિતામાં ઉદાસી અને અભાવ ઉડીને આંખે વળગે એવી તીવ્રતાથી વ્યક્ત થયાં છે.

વસ્ત્ર ભીનાં હો, નિતારી નાખીએ / પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ !

ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે / ક્યાંક તારી યાદની મોસમ રડી છે.

કવિનું કવિકર્મ ઊંડાણભરી વાણી ઋજુતાભરી ગઝલોમાં પમાય છે.

એની શેરી તો છે અઢળક ત્યાં પહોંચ્યાની શોધી લે તક

નભ-નાભિ તક વિલસે વ્હાલો જોઈ શકે તો જોજે બેશક

કવિની ભાષા અને પ્રતીકો તાજગી અને નાવીન્યથી ભર્યા ભર્યા છે.   

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી / ઘરમાં ઉદાસ મૌનના ટોળાં હળી ગયાં.

સહજ સરળ પ્રતિકોમાં કલ્પનાનું ઉડ્ડયન અને ભાવસૌંદર્ય જુઓ. 

સૂરજનો વણઝારો હમણાં નભના ઘરમાંથી નીકળશે

સોનહરણ સપનાં દોડાવો, રાત અચાનક રણમાં ઢળશે !

પોતાની ભાષાનું મહિમાગાન કવિ કેવી રીતે કરે છે !

એ જ ઘટના અર્થનું કારણ બને / મારી ભાષા જાણે દૂઝણી ગાય છે.

તો એમની અભિવ્યક્તિમાં રહેલી સાધુતા જીવનના તમામ પાસાંને લાક્ષણિક રીતે સ્પર્શીને આવે છે. આવા તો અનેક શેર…. 

મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ / તો પછી શબ્દ કંઇ જેવું બોલીએ.

જળ પવન જંપ્યા પછી સાધુજને / મુક્તિપળ માંગી હશે મધરાતના !

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી / આંખો મીંચી અંદરનો આધાર બની જા.

એમના અછાંદસનું ઊંડાણ જોઈએ.  

થોડા હશે

પરંતુ શક્તિશાળી લોકો હશે

કે જેઓ

ફૂલો વિષેની વાતો કરી

ધરતીકંપને સમજાવતા હશે !

કે પછી

ટૂંકા પડેલા અરીસામાં

વૃક્ષોની કવિતાઓ નથી મળી આવતી !

મન અરીસામાં ટૂંકું પડે છે

એટલે મને

વેંઢારવા પડે છે ગણી ન શકાય એટલાં

અનિશ્ચિતતાનાં વર્ષો !

તેમના ચાર સંગ્રહો અને વિવિધ સામયિકો-સંપાદનમાં સ્થાન પામેલી પણ પુસ્તકોમાં ન લેવાયેલી એમની રચનાઓની ગણતરી કરીએ તો કુલ 181 ગઝલો અને 43 અછાંદસ રચનાઓ મળે છે. સંખ્યાની દૃષ્ટિએ ઓછી ગઝલો હોવા છતાં પણ આ કવિનું સમૃદ્ધ કવિત્વ ઉડીને આંખે વળગે એવું છે.

નરસિંહનાં વારસાને સાચવીને બેઠેલા કવિની અભિવ્યક્તિમાં કબીરનો મિજાજ છે. 

ખટઘડીએ જાગો રે સાધુ / જુગજૂની છોડી દો નીંદર

છાપ-તિલક અબ ક્યા કરના જી / અંદર અંદર તાલી લાગી. 

“કવિતાનો આનંદાનુંભુવ એ જ કવિની મોટી મિરાત છે. આ કવિને મન કવિતાની અનુભૂતિ નિષ્પતિનું સાધન નહીં પણ સાધના છે.” – સંજુ વાળા

શ્યામ સાધુની ગઝલોની ભાવસૃષ્ટિ અને રચનાકૌશલ, ગુજરાતી ગઝલના ઈતિહાસમાં એમને પોતીકું સ્થાન અપાવે છે. – નીતિન વડગામા    

કવિના કાવ્યસંગ્રહો

1.યાયાવરી  2. થોડા બીજાં ઇંદ્રધનુષ  3. આત્મકથાનાં પાનાં

4. સાંજ ઢળી ગઈ – સં. નિતિન વડગામા   5. ઘર સામે સરોવર (શ્યામ સાધુની સમગ્ર કવિતા) – સં. સંજુ વાળા   

એવોર્ડ

1.‘કવિ શેખાદમ આબુવાલા એવોર્ડ અને 2. ‘બાબાસાહેબ આંબેડકર એવોર્ડ’

*****

કવિ શ્યામ સાધુ (શામળદાસ મૂળદાસ સોલંકી)  

જન્મ : 15.6.1941 જૂનાગઢ

માતા-પિતા : દેવુબાઈ – મૂળદાસ સોલંકી

જીવનસાથી : શાંતાબહેન

વતન અને કાર્યક્ષેત્ર : જૂનાગઢ

અવસાન : 16.12.2001

*****

સંદર્ભ : ‘શબ્દનાં સગાં’ ~ રજનીકુમાર પંડ્યા

‘ઘર સામે સરોવર’ ~ સં. સંજુ વાળા

‘સાંજ ઢળી ગઈ’ – નીતિન વડગામા 

OP 18.6.22

***

છબીલભાઈ ત્રિવેદી

16-06-2022

આપે ખુબ સુંદર રીતે શ્યામ સાધુ ની રચના ઓ તથા તેમના સમગ્ર જીવન નો પરિચય કરાવ્યો અમારા જુનાગઢ નુ ગૌરવ તેમની અેક રચના,,, વાંસળી વાગી હશે મધરાત ના, રાધીકા જાગી હશે મધરાત ના,,, ઘર સામે સરોવર કાવ્ય સંગ્રહ ના લોકાર્પણ મા હાજર રહેવા નો લાભ મળ્યો હતો આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: