પન્ના નાયક ~ સરોવરના – આસ્વાદ ભાગ્યેશ જહા * Panna Nayak * Bhagyesh Jaha

સરોવરના

નિષ્કંપ જળમાં

ચંદ્રની

પ્રદક્ષિણા ફરતી

માછલીને

કુતૂહલ થાય છે

તરતો કેમ નથી?

~ પન્ના નાયક

આસ્વાદ ~ ભાગ્યેશ જહા

પન્નાબેનની કવિતાઓમાં અભિવ્યક્તિ અણિયાળી બનવાને કારણે એની કવિતાકલા આકર્ષે છે.  મને કવિતાકલાનું એક સરસ ઉદાહરણ કહી શકાય એવી નાની કવિતા મને ખુબ જ ગમી છે. જુઓ, કેવી ચમત્કૃતિ સર્જે છે, આ કવિતા. આ કવિતા બહુ નાની છે પણ એની ભાવપ્રક્રિયા સમજવા જેવી છે. પ્રત્યેક પંક્તિ વાંચવાની સાથે જ એનું ભાવાવરણ બદલાય છે. સરોવર વાંચતાં જ આપને એક ભીનાશ અનુભવીએ છીએ. તુરત જ ખબર પડે છે એનાં જળ નિષ્કંપ છે. એક પ્રકારની શાંતિ અનુભવાય છે પણ એકાંતની થોડી બીક લાગે છે, કવિ સરોવરકાંઠે  લાવીને આ ‘નિષ્કંપ જળ’થી શું કરાવશે એવી ચિંતા કરાવે છે. પણ તરત જ ‘ચંદ્ર’ આવે છે, ચંદ્રની આ સરોવરમાં ઉપસ્થિતિ આપણને વાસ્તવ અને પરાવાસ્તવ અથવા તો રીયાલિટી અને વર્ચ્યુઅલ-રીયાલિટીનું એક નવું ભાવવિશ્વ રચી આપે છે, નિષ્કંપ જળથી ઉભું થયેલું એકાંત નંદવાય છે. અને આ તો કવિનું કામ છે. હવે નિષ્કંપ જળમાં પધરાવેલા આ ચંદ્રની કોઇ પ્રદક્ષિણા કરે છે, એ ‘કોઇ’ એક માછલી છે, પણ કવિ એને તરત જ પ્રગટ નથી કરતા. ખાલી પ્રદક્ષિણા કરે છે એવું ચિત્ર દોરીને ચંદ્રની પ્રેમ-પ્રોત્સાહક ઉપસ્થિતિ દ્રશ્યને રોમાંચક બનાવે છે ત્યારે એક માછલી આવે છે, માછલી એ રંગીનતા, ગત્યાત્મકતા અને જીવંતતાનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે કવિ એક માછલીનો અચંબો પ્રગટ કરે છે, ‘કુતુહલ’ શબ્દથી.

આમ જુઓ તો નિષ્કંપ જળ, સ્થિર ચંદ્રબિંબ અને પ્રદક્ષિણા કરતી માછલી બધા પ્રતીકો પોતપોતાની અર્થછાયાઓ સાથે ભાવકને કવિતાના દ્રશ્યમાં જગાડે છે, પણ દરેક ભાવકનું ચિત્ત એના પોતાના સંદર્ભમાં કવિતાને અર્થાવવા મથે છે.

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 28.12.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: