રઘુવીર ચૌધરી ~ નીલ ગગન * રમણીક અગ્રાવત * Raghuvir Chudhari * Ramnik Agrawat

વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી

નીલ ગગન પર્વત નીંદરમાં
ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.

યુગયુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઉઘાડ્યાં શંકરના,

જટાજૂટથી મુક્ત જાહ્નવી
રમે તરવરે સચરાચરમાં

ધરી સૂર્યનું તિલક પાર્વતી
સજે પુષ્પ કાનનમાં…..

શિલા શિલાનાં રન્ધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણકણમાં.

વરસ્યા બારે મેઘ ઝળૂંબી
ઊગ્યાં દેવતરુ રણમાં.

તાંડવની સ્થિર મુદ્રા આજે
લાસ્ય ચગે ત્રિભુવનમાં…..

~ રઘુવીર ચૌધરી

વહી જવું પવનની આંગળી સાહી… – રમણીક અગ્રાવત

એક પગે ઊભેલાં ઝાડને પણ ચાલતાં કરી દે પવન. પવનને હડદોલે જ ક્યાંય બંધાયેલાં વાદળો પહોંચે ક્યાંય. ક્યાંયનું જળ વરસે ક્યાંય. પરસેવે રેબઝેબ દેહને પવનની એક લહેરખી સમજાય છે તેવી કોઈને ન સમજાય. બધું ઉલટસૂલટ કરી દે પવન. બધું ખોતરી મૂકે પવન. ઊંડામાં ઊંડાં રન્ધ્રમાં પહોંચીને પહોળો થાય પવન. પવનના ઝીણા હાથથી જ સમેટાય ઘડીભરમાં વિખરાઈ ચૂકેલાં મન. વાંસળીનાં છિદ્રેછિદ્રને જગાડતો પવન ખુદ બની જાય એક નમણું ગીત. જડ બની બેસી રહેલા પગમાં થાય નર્તનનો સંચાર. પનવની આંગળી અડે ત્યાં સ્થિરજ્યોત ટમટમી રહેલો દીવો ટકી રહેવાની જહેમતે ચડે. લાખ વારો તો પણ પવન ન રહે સ્થિર. વૃક્ષોની જડતાને ચલાયમાન કરીને ખળખળ વહેણમાં મૂકી દે પવન. આ પવનની પાંખે ચડીને જ બોલતી થઈ જાય છે જગતભરની ગુપ્ત રહેવા ઈચ્છતી વાતો. સઘળું બોલતું કરી દે એ જ પવન!

નીલ ગગનની ગોદમાં નિરાંતની નીંદર માણતા પર્વતોને ડોકું ઊંચું કરીને જોવાનું મન થાય એવું મનોહર દ્દશ્ય સર્જાયું છે. વહેતાં પવનમાં ખળખળતી ચાલે નીકળી પડ્યાં છે વૃક્ષો. પવનની લહેરમાં જંગલ ચાલવા માંડે છે. આદિ તપસ્વી એવા શિવ પણ આંખ ઉઘાડીને આ દ્દશ્ય જોવાનો લોભ ખાળી શકતા નથી. શંકરના કાને વૃક્ષોનો ખળભળાટ પડી ચૂક્યો છે. બેધ્યાન બની ચૂકેલા શિવની જટામાંથી જાહ્નવીને મુક્ત થવાનું કારણ મળી ગયું છે. આ વહેતાં વૃક્ષોનો ખળભળાટ પોતાનાં વહેણોમાં ભરીને ગંગા મેદાનોમાં ઊતરી ચૂકી છે. સાક્ષાત સૂર્યને પોતાના લલાટે ચોડીને પાર્વતીએ ફરી એકવાર સરોવર જળમાં પોતાનું પ્રતિબિંબ નીરખી લીધું. પાર્વતીએ જંગલનાં પુષ્પોનો શણગાર સજી લીધો છે. વહેતાં પવનના ખળખળાટમાં આ નવીન આભા ઉમેરાઈ ચૂકી છે.

પર્વતોની કાયામાં પણ કોઈ અજાયબ સંચાર વ્યાપી વળ્યો છે. પર્વતની શિલાઓ વચ્ચે કોઈ ઉચ્છવાસની સુગંધ પ્રસરી રહી છે. તેને સૂંઘી લેવા માટે માટીનાં કણેકણ જાણે ઉત્સુક થઈ ચૂક્યાં છે. પવને વહેતાં મૂકેલા ખળખળાટે માટીને પણ ભીંજવી દીધી છે. ઠેર ઠેર પહોંચી ચૂક્યો છે ગતિનો આ વહેતો સંદેશ. વીજળીના ચમકારાઓ વચ્ચે વાદળોએ પણ વાંચી લીધો આ સંદેશ. જોતજોતામાં તો નીલ સન્નાટો વિંધતા બારે મેઘ સંપીને તૂટી પડ્યા ભૂમિની અબોલ ઉત્કટતા પર. આ મેઘપ્રહાર પણ કેવો, સૂકાભઠ રણપ્રદેશમાં કોઈ દેવતરુને ઊગવા માટે આતુર કરી દે એવો! રણની અફાટ વીજનતાને મેઘના સેંકડો મૃદંગોએ બોલતી કરી દીધી. ત્રણેય ભુવનો જાણે તાંડવની આ સ્થિર મુદ્રાથી ઝગઝગાટ થઈ દેખાઈ રહ્યાં છે. એ ઝળહળાટની વચ્ચે લીલા અક્ષરોમાં લખાતો વહેતા પવનનો ખળખળાટ અંકાઈ રહ્યો છે…

પવનની એક સ્વપ્નિલ લહેરખી સમું આ કાવ્ય વાંચતાં વાંચતાં આપણે પણ વહેવા માંડીએ છીએ. જાણે ભોજપત્ર પર આલેખાયેલું છે આ વહાવી લઈ જતું ગાન. કોઈક ભાવનાં રમ્ય ઢળાણ તરફનું એ વહેવું હોય છે. આ ખળખળાટ ક્યાંથી ક્યાં લઈ જાય એ તો ખુદ એના પર નિર્ભર છે અને થોડું નિર્ભર છે તેને હવાલે થઈ ચૂકેલું મન કેટલી નમનશીલતાથી એ ગતિને વશ થાય છે તેના પર! પવનનું કામ જ સંચારને વહેતો કરવાનું છે. આપણને ઘેરી રહેતી હવામાં કેટકેટલાય ધ્વનિસંચારો વહેતા હશે. વૃક્ષ જેવું વૃક્ષ જો પવનનું કહેવું માનતું હોય તો માણસના મનનું તો પૂછવું જ શું? પવનની આંગળીથી મનનું વાદ્ય જો બજવા માંડે તો એને સાંભળવું અથવા તેમાં વહેવું એ જ મજા!

મૂળ પોસ્ટિંગ 3.9.2021

1 Response

  1. ખૂબ સરસ, કાવ્યાસ્વાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: