સાંઇ મકરંદ દવે Makarand Dave

સાંઇ મકરંદ દવે

સાંઈ મકરંદ દવેની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થઈ રહ્યું છે. સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપેલું. કવિના કાવ્યોમાં સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, સહજસંવેદના અને સરળતાનો સમન્વય છે. ગરવા ગીતોમાં સૌરાષ્ટ્રના તળપદા શબ્દભંડોળથી એક મીઠાશ પ્રગટે છે.

સાંઈની અનેક રચનાઓ ખૂબ લોકપ્રિય બની છે અને ગવાતી રહી છે. ‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ’ આ પંક્તિ તો જાણે કહેવત બની ગઈ છે. ‘વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે.’ કે પછી ‘પંખીના ટહૂકાનું તોરણ બાંધે છે કોઈ ઊગતી પરોઢના બારણે’ ગઝલોમાં કવિનો મસ્તરંગી મિજાજ વર્તાય છે. મસ્તી, ખુમારી અને પ્રકૃતિ….. જીવમાં રહેલું અલગારી તત્ત્વ કવિની ગઝલોનું વિશેષ છે.

સાંઈ મકરંદ દવે અનુગાંધી યુગના કવિ છે. એમના સમયના કવિઓની જેમ એમની કવિતામાં પણ સૌંદર્યરાગ પમાય છે. એમના ગીતોમાં ભાવપ્રતીકો અને કલ્પનોની તાજગી અને નવ્યતા નોંધપાત્ર છે.

સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે, “સ્વાતંત્ર્યોત્તરકાળમાં સંત કવિતાના સહુથી મોટા વારસદાર મકરંદભાઈ છે. એ ક્યારેક જ્ઞાનમાર્ગી અને મોટેભાગે પ્રેમમાર્ગી લાગે છે…. મકરંદભાઈ સાચા સાધક છે અને સાચો આત્મસાધક સર્વસાધક હોય છે તેથી તેઓ ગાય છે,

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી

કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી….   

એમની કવિતામાં આગમનો અણસાર છે.

દૂરદૂરેથી આવતું સૂણું કોઈનું ધીમું ગીત

લહરીએ ત્યાં ઊઠતું ઝૂલી ફૂલશું મારું ચિત્ત.

કવિની કવિતામાં એક જાતની નિરાંત ને હળવાશ છે. એમના કાવ્યોમાં દર્શન છે, અધ્યાત્મ છે પણ એનો કોઈ ભાર નથી. નિજાનંદે મસ્ત ઝરણની જેમ એમની કવિતા વહ્યે જાય છે.

સૂરજ ડૂબે સાવ તે પહેલાં ઊજળા દિનનું ગીત

આપણે ધીમે ગાઈ એકાદું, આછરી લેશું ચિત્ત

જીવનના આ વહેતા પ્રેમનું દોરશું આછું ચિત્ર

કો’ક દિ’ તો નવરાશ વેળાએ આવો અજાણ્યા મિત્ર !

કવિની કવિતા અફસોસની કવિતા નથી. લીધા-દીધાનાં લેખાં એમાં નથી. ભીતરની દુનિયામાં જીવનાર આ કવિ છે.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી, કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?

કવિએ સરસ સોનેટ પણ આપ્યા છે. ‘અશ્વ’ એનું ઉદાહરણ છે. એમનાં મુક્તકો પણ એટલાં જ સચોટ છે. ભજન એમના આત્મા સાથે જડાયેલો, એમનો મૂળ ભાવ છે.

અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા સરદાર

તરબોળી દ્યોને તારને, વીંધો અમને વ્હાલા આરપાર

આવો રે આવો હો જીવણ આમના…

કે પછી

પગલાં માંડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ…    

સુરેશ દલાલ લખે છે કે કવિ શબ્દના ઉપાસક છે અને મૌનના સાધક છે. એમના કોઈપણ લખાણમાં શબ્દની સાધના અને સાધનાનો શબ્દ પ્રતિબિંબિત થયા વિના રહેતો નથી.

કવિ મકરંદભાઈના પિતાજી સ્વામિનારાયણના અનન્ય ભકત હતા અને એમણે કવિને કવિતાની ઓળખ કરાવેલી. જિંદગી આખી ગોંડલમાં રહીને કવિએ માતાની સેવા કરી. કવિએ જાણીતા સાહિત્યકાર કુંદનિકા કાપડિયા સાથે લગ્ન કર્યા પછી 1987માં બન્નેએ વલસાડ-ધરમપુર વચ્ચે વાંકલની સીમમાં ‘નંદીગ્રામ’ની સ્થાપના કરી અને આદિવાસીઓની સેવામાં પ્રવૃત્ત થયાં.

કવિના આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોશી અને છેક સુધી તેઓ ગુરુના સંપર્કમાં અને પ્રભાવમાં રહ્યા.

કવિના કાવ્યસંગ્રહો

‘તરણાં’ (1951), ‘જયભેરી’ (1952), ‘ગોરજ’ (1957), ‘સૂરજમુખી’ (1961), ‘સંજ્ઞા’ (1964), ‘સંગતિ’ (1968) જેવા ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955) બાળકાવ્યસંગ્રહ છે. ‘શેણી વિજાણંદ’ (1956) ગીતનાટિકા છે.

‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે.

ગદ્યમાં પણ કવિનું ખેડાણ ઘણું છે અને પુસ્તકો પણ એટલાં જ. એમણે નાટક લખ્યાં છે, નવલકથા લખી છે. ચિંતન લેખોના સંગ્રહ પણ તેમણે આપ્યા છે.

એવોર્ડ

1979માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર(1997), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર મળ્યા હતા.

*****

કવિ મકરંદ દવે ‘સાંઈ’

જન્મ : 13 નવેમ્બર 1922, ગોંડલ

માતા-પિતા : વજેશંકર દવે

જીવનસાથી : કુંદનિકા કાપડિયા  

અવસાન : 31 જાન્યુઆરી, 2005 નંદીગ્રામ, વલસાડ

*****

સૌજન્ય : ‘કવિ-વિશ્વ’ – સુરેશ દલાલ  ‘તિલક 1 – રઘુવીર ચૌધરી  શબ્દના મલકમાં – મણિલાલ હ. પટેલ  

OP 13.11.22

***

છબીલભાઈ ત્રિવેદી

13-11-2022

ખુબજ તલસ્પર્શી માહિતી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: