કાવ્યબાની : સુમન શાહ
કાવ્યબાની ~ સુમન શાહ
કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય !
સાચું, પણ સાવ એમ નથી, એમાં ઊંડું વિચારવાની જરૂર છે.
પ્રાચીનકાળથી સાહિત્યકલાના ચિન્તકોએ સાહિત્યની ભાષા તેમજ કાવ્યબાની વિશે ઘણું વિચાર્યું છે.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, અલંકારવાદીઓ અલંકારને ‘સર્વસ્વ’ ગણે છે. કેમકે બાનીમાં અલંકાર એક ઉપકારક તત્ત્વ છે. કુન્તક વક્રોક્તિને રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણે છે. કેમકે વક્ર ઉક્તિની પણ બાનીમાં ચૉક્કસ ભૂમિકા છે.
હું હમેશાં એક વાત ખાસ કહેતો હોઉં છું કે રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો મુખ્યત્વે સાહિત્યકલાના અનુભવની વાત કરે છે. અલંકાર સમ્પ્રદાય અને વક્રોક્તિવિચાર સવિશેષે કાવ્યભાષાની વાત કરે છે. આપણે યાદ રાખવું જોઈશે કે એથી સંસ્કૃત કાવ્યમીમાંસામાં કલા અને તેને પ્રગટાવનારી ભાષા બન્નેનો વિચાર થયો છે. કહો કે એથી શાસ્ત્રીય પરિપૂર્તિ થઈ છે.
“ઑન ધ સબ્લાઇમ”-માં લૉન્જાઇનસ કહે છે કે ઉત્કૃષ્ટ વિચારનો પ્રકાશ સુન્દર શબ્દોથી પ્રગટે છે. એમણે કહ્યું છે કે તુચ્છ વિષયો માટે ભવ્ય રીતિ પ્રયોજશો નહીં. સાહિત્યભાષાનો કે કાવ્યબાનીનો મિથ્યા મહિમા થતો હોય તો એને પડકારજો, ચલાવી લેશો નહીં.
“પોએટિક્સ”-માં ઍરિસ્ટોટલે કાવ્યબાની વિશે એક સરસ વિધાન કર્યું છે : કાવ્યબાની ‘સરેરાશ’ હોવાને સ્થાને ‘વિશદ’ હોવી જોઈએ : પછીની સદીઓમાં, કવિઓએ વિશદતા માટે ઘણું કર્યું. ઉપરાન્ત, પુરાકાલીન કવિઓએ પ્રયોજેલાં eftsoons (તુરન્ત બાદ), prithee (સવિનય પ્રાર્થું છું કે), oft (બહુશ:) અને ere (આ પૂર્વે) જેવાં આર્કેઇક -કાલગ્રસ્ત- લટકણિયાં જોડીને પોતાની અભિવ્યક્તિઓને તેઓએ વધારે પડતી ભારે કરી નાખી. આપણા કેટલાક પણ્ડિતો ‘તત્ પશ્ચાત્’ ‘વારુ’ ‘તદપિ’ ‘તથાપિ’ ‘કદાચિત્’ પ્રયોજતા હતા, લગભગ એના જેવું.
“લિરિકલ બૅલેડ્સ”-ની પ્રસ્તાવનામાં વર્ડ્ઝવર્થ એ પ્રયોગોને ‘inane phraseology’ કહે છે -શબ્દગુચ્છો વડે વાતને વ્યર્થ લંબાવવી તે; એક જાતનો વાગાડમ્બર.
કાવ્યસામગ્રીરૂપ હરેક વિષયમાં મનુષ્યચિત્તને રસ પડે તે સિદ્ધિને વર્ડ્ઝવર્થે કવિતાનું મહિમાવન્ત લક્ષણ ગણ્યું છે. કહ્યું છે કે કવિઓનાં સર્જનોમાં એ દેખાશે, નહીં કે વિવેચકોનાં લખાણોમાં. વર્ડ્ઝવર્થે આલંકારિકતાનો વિરોધ કર્યો અને ભાષાથી કાવ્યભાષાની વ્યાવર્તકતા કે જુદાઇ પર ભાર મૂક્યો. એ માટે એટલે લગી કહ્યું કે વિવિધ પરિસ્થતિઓમાં માણસો પ્રયોજે છે એવી ભાષા કવિઓએ કાવ્યોમાં પ્રયોજાવી જોઈએ. એ અર્થમાં તેઓએ કાવ્યબાનીના વિચારને વાણી સાથે સાંકળેલો.
યાદ આવે છે કે સંસ્કૃત કાવ્યાચાર્યોએ સ્વાભાવોક્તિનો કાવ્યપરક મહિમા કર્યો જ છે, વળી, ક્યારેક અલંકૃતિ ન પણ હોય, એટલે લગી પણ કહ્યું છે.
પરન્તુ સૅમ્યુઅલ ટેલર કૉલરિજે “બાયોગ્રાફિયા લિટરેરિયા”-માં વર્ડ્ઝવર્થનાં મન્તવ્યોની સમીક્ષા કરતાં જણાવ્યું કે તેઓ મુદ્દાને વધારે પડતો વિકસાવી રહ્યા છે; તેમનાં પોતાનાં ઉત્તમ સર્જનો તેમની જ એ વાતથી વિરુ્દ્ધ જતાં વરતાય છે. એટલું જ નહીં, માણસોની ભાષામાં લખાયેલી તેમની કેટલીક કૃતિઓ તો કાવ્યના સ્તરે પ્હૉંચતી જ નથી.
હું સાદા વિચારો રજૂ કરું :
ધારો કે, કાવ્ય ગુજરાતી ભાષામાં લખાયું છે, તે છતાં, તે કાવ્ય રસોડામાં કે છાપાંમાં વપરાતી ગુજરાતી ભાષામાં નથી હોતું. તે હંમેશાં કાવ્યની ભાષામાં હોય છે. એથી આગળ, કાવ્યની ભાષા વડે કાવ્યબાની -એક જાતની વાણી- પ્રગટતી હોય છે.
દાખલા તરીકે, નિરંજન ભગતનું “પ્રવાલદ્વિપ” ગુજરાતી ભાષામાં લખાયું છે. પણ તે, ‘ચલ મન મુમ્બઇ નગરી’ જેવી કાવ્યભાષામાં છે. એથી એવી બાની પ્રગટી છે જેમાં કાવ્યનાયકનો અવાજ અને કવિની આધુનિક સર્જનપદ્ધતિની આગવી અસર પણ અનુભવાય છે.
અનેક કાવ્યોના સર્જકની નિજી વાણીને બાની કહેવાય. બાની ભાવકે અનુભવવાની વસ છે. દાખલા તરીકે, નામ ન જણાવ્યું હોય તો પણ ગમ પડી જાય કે આ પંક્તિ તો નિરંજન ભગતની છે, નહીં કે કોઈ બીજાની. આ સૉનેટ તો ઉમાશંકરનું છે, ન તો કોઈ અન્યનું. આ ગીત તો રાજેન્દ્ર શાહનું જ છે. વગેરે.
એથી આગળ, સમર્થ કવિની બાની છેવટે એની શૈલીની, સ્ટાઇલની, સિગ્નેચરની, પૂર્વભૂમિકા બને છે. એટલે પછી, જેમકે, આપણે કહી શકીએ છીએ કે આ શૈલી તો નિરંજન ભગતની છે, આ તો ઉમાશંકર છે, આ તો રાજેન્દ્ર શાહ છે. વગેરે.
શૈલીથી સાહિત્યકારની ઓળખ બને છે, પરન્તુ હરેક ભાષાસાહિત્યમાં ઓળખ વગરનાઓની વસતી મોટી હોય છે.
શૈલીની ઉપપત્તિ રૂપે કહેવાવા લાગે છે કે ઉપમા તો, કાલિદાસની જ; બાણની “કાદમ્બરી”નું ગદ્ય કવિનામ્ નિકષમ્ છે; શ્રીહર્ષનું “નૈષધ૦” વિદ્વદૌષધ છે; પ્રેમાનંદના પૅંગડામાં…વગેરે.
સમર્થોની શૈલી અનનુકરણીય હોય છે અને હમેશાં એમ જ રહે છે. રવીન્દ્રનાથ, શેક્સપીયર કે બૅકેટનું અનુકરણ શક્ય નથી. કોઈ કીર્તિઘૅલો અનુકરણ કરવા જાય તો હાંફી જાય, ઉપહસનીય લાગે, ગાંડો, અને એમ પુરવાર પણ થાય.
આપણા અમુક જ સમકાલિક કવિઓની રચનાઓ કાવ્યબાનીનો અને તેમના અવાજનો તેમજ શૈલીનો અણસાર આપે છે.
સારું છે કે તેઓ આપણી સમક્ષ છે.
OP 6.10.22
***
આભાર
05-11-2022
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર મેવાડાજી, વિપુલભાઈ અને સૌ મુલાકાતીઓ.
Vipul pandya
17-10-2022
વાહ
ખૂબ જ ઉપયોગી
સાજ મેવાડા
15-10-2022
સરસ માહિતી, સમજવા યોગ્ય, છતાં કાવ્યમાં કંઈક નવું મન હ્રદયને સ્પર્ષે એવું હોવું જોઈએ.
આભાર
08-10-2022
આભાર છબીલભાઈ, કીર્તિભાઈ
‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.
Kirtichandra Shah
06-10-2022
The remark that one should not use beautiful or nice words for base matters or events are 100 percent right. I HV seen poem about sounds from The seat of camode.
છબીલભાઈ ત્રિવેદી
06-10-2022
ખુબ ખુબ અભિનંદન સરસ કાવ્ય બાની આભાર લતાબેન
પ્રતિભાવો