દાન વાઘેલા ~ માણારાજ * પ્રફુલ્લ પંડ્યા
માણારાજ…… (વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ)
માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ!
મંડપ મણિનગરમાં રોપ્યો;
ભરચક ખાલીપાને જોખ્યો
તડકા કેસરથી છંટાણાં;
ચોરસ કુંડાળે હોમાણાં.
અમને મીંઢળ-બાંધી વેચ્યાં,
અમને અજવાળે ઉલેચ્યાં.
સૈયર! કાલ બની છે આજ!
સૈયર! લૂંટ્યા મબલખ રાજ!
સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ!
માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ!
***
નીંદરમાં નખ્ખ બોળી આંજ્યો ઉજાગરો
ને છાતીઢક ઓઢ્યો છે ડૂમો…
હાથોમાં મહેંદીથી મહોરી છે હોળી
ને સ્પર્શોની લૂમઝૂમ લૂમો…
સૈયર! પલક – પાંપણે બોળ્યાં,
અમને રામણ – દીવે રોળ્યાં,
અમને ચોખલિયાળી ચૂંદડીએ ઢંઢોળ્યાં માણારાજ!
માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ!
***
પડતર પરસેવાની પડખામાં ગંધ
ક્યાંક ધસમસતા ડંખેલા ડાઘ…
સપનામાં અંગતના અણદીઠા રંગ
હવે ચીતરે છે આષાઢી આભ…
સૈયર ! ચપટીક શ્વાસે ઘોળ્યાં,
અમને હતાં–હશુંમાં ખોળ્યાં,
અમને તલાવડીની વડ – પૂજાએ ડહોળ્યાં
માણારાજ ! માણારાજ..માણારાજ..માણારાજ…માણારાજ!
~ દાન વાઘેલા
દાન વાઘેલા ~ માણારાજ – આસ્વાદ ~ પ્રફુલ્લ પંડ્યા
આ પૃથ્વીનાં ગોળ દડા પર આપણે સૌ માનવીઓ વિચરણ કરી રહ્યાં છીએ. મનુષ્ય માત્ર પછી તે સ્ત્રી હોય કે પુરુષ તેને એક ઝંખના કાયમ રહી છે, પ્રેમની! પ્રેમનું સ્વર્ગ ક્યારેક આ ગોળ દડાને ભૂલાવી દે તેવું આકર્ષક હોય છે! અહીં કવિશ્રી દાન વાઘેલાનું આ ગીત પ્રેમ તત્વનાં રંગે રંગાયેલી અને અંજાયેલી સ્ત્રીનું ગીત છે. ગીતને અનેક સન્દર્ભો અને સૂચિતાર્થો વળગેલાં છે. ગીતનો સૂર Socio- Tragic નો અર્થાત સામાજિક કરૂણતાને પણ ઉપસાવી આપનારો છે. ગીતનો વિષય અને શૈલી પારંપરિક પણ કાવ્યત્વ અને નાટયાત્મકતાથી સભર છે. શ્રી દાન વાધેલા આપણાં એક પરંપરાને પચાવીને અદ્યતન બનેલાં અને ‘ત્રિજ્યા’નાં કાવ્યો લક્ષ્યમાં લઈએ તો અદ્યતનમાંથી સદ્યતન બનેલાં કવિ છે. તેમની પ્રયોગશીલતા અને ભાષાકર્મ તેમને અનુઆધુનિક ગુજરાતી કવિતામાં અગ્રસ્થાને પ્રસ્થાપિત કરે છે. ગીતના સ્વરૂપમાં શ્રી દાનભાઈએ ધણો લાંબો સમય નકશીકામ કર્યું છે પરંતુ પોતે Low Profile (નમ્ર અને સાલસ )છે એટલે વિવેચકોને દૂર્લક્ષ્ય સેવવાનું ફાવ્યું છે! પરંતુ સાચી અને સારી કવિતા ક્યારેય ભૂંસી શકાતી નથી. તે કાળની ગર્તામાંથી પણ પોતાનું ડૉકું કાઢીને રહે છે! કવિતા સમજવા માટે કવિને પામવો પડે છે.
હવે મૂળ વાત : કવિશ્રી દાન વાધેલાની રચના ‘માણારાજ’ એક વિપ્રલબ્ધાનું આંતરજગત પ્રગટાવતી એક વિશિષ્ટ અને ભાવવાહી આસ્વાદ્ય રચના છે. ભારતીય (પૌરાત્ય) સાહિત્યમાં કવિતા અને કથામાં અનેક નાયિકાઓનો મહિમા ગવાયેલો છે, જેમ કે અભિસારિકા, વિપ્રલંભા, પ્રોષિતભર્તુકા વગેરે વગેરે. અહીં કવિ વિપ્રલબ્ધાની મન:સ્થિતિને કાવ્યનો વિષય બનાવી અદભૂત નાટ્યાત્મકતા અને લગ્ન પ્રસંગનો માહોલ ખડો કરી નાયિકાનાં મનોભાવનું કોરસ ગાન કરે છે.
આ નાયિકા વિપ્રલબ્ધા છે એટલે કે પોતાનાં પ્રેમીથી છેતરાયેલી છે. પ્રેમી આપેલાં સંકેતો કે વચનોને સાચવી શકયો નથી અને કોડભરી કન્યાને છેતરીને નાસી ગયો છે. એ પછી નાયિકાના઼ં લગ્ન લેવાય છે. મનગમતા માણિગરની છેતરામણી પછી કદાચ થોડાંક અણગમતાં પતિ સાથે પરણવું પડે છે. મન વગરની મજામાં પ્રવેશતાં નાયિકા ખચકાટ સાથે ધેરી વ્યથા અનુભવે છે.માણારાજ….માણારાજ એવું કોઇકને સંબોધતી સંબોધતી અને ગાતી ગાતી ફરિયાદનાં સૂરમાં કહે છે: મંડપ તો મણિનગર જેવી સમૃદ્ધ નગરીમાં રોપ્યો છે પણ “ભરચક ખાલીપાને જોખ્યો છે. તડકા કેસરથી છંટાણા છે પણ તેથી કરીને શું? છેવટે તો “ચોરસ કુડાળે હોમાણાં” છીએ. અમને મીંઢળ બાંધીને વેચી માર્યા છે અમને અજવાળે ઉલેચ્યાં છે. “સૈયર કાલ બની છે આજ! સૈયર લૂંટ્યા મબલખ રાજ” વિપ્રલબ્ધાનું હવે તો સર્વસ્વ લૂટાઈ ગયું છે. વિપ્રલબ્ધાનું મનોગત અહીં કવિનાં મનોગત સાથે કાવ્યને બખૂબીથી આગળ વધારે છે: સજાગ ગીતકવિએ લગ્નશૈલીનાં કોર્સ(સમૂહગાન)ની ભાવભંગિઓમાં જાણે કે અનેકાધિક સ્ત્રીઓનાં આંતરિક સમસંવેદન અષ્ટકલ લયમાં પ્રગટાવ્યાં છે. મણિનગર સ્ત્રી જગતની સમૃદ્ધિનું પ્રતિક છે. કેસરનો ગુણ ઠંડક આપવાનો છે પરંતુ સૂર્યએ આપેલ તડકા સમો ભીતરી વિરહાગ્નિ એનાથી શાંત પડે એમ નથી. વિશ્વનાં ચારેય ખૂણે સ્ત્રીઓ માટે રિવાજનાં સરખાં જ કુંડાળા છે. મીંઢળ કામદેવનું બાણ ગણાવાય છે. એના સાક્ષીભાવે (અજવાળે) અમે આંતરિક ઉલેચાયા છીએ જેથી અતીત આજે વાસ્તવિકતા દર્શાવે છે! આમ અમારો સમસ્ત વૈભવ લૂંટાઈ ગયો છે. હે સૈયર ! અનિરછાએ પણ સજીધજીને કપાળે કંકુ-ચોખા ચોડવા પડતાં હોય છે. આ રીતે આ ગીતનો પ્રલંબ મૂખડો મોધમ સંકેતોથી હર્યોભર્યો છે.
ગીતનાં બંને અંતરા ષટ્કલ લયમાં છે જેમાં અતીત (અતિથિ અને ભૂતકાળ બંને અર્થમાં) સાથે થયેલ રમણાંના પરિણામનું પ્રત્યક્ષિકરણ ઉભરે છે. કેટલાંક ઈન્દ્રિય વ્યત્યય કલ્પનો અઢળક અર્થધટનોથી સભર છે. એ તો જે માણે તે જાણે ! અંતમાં માણારાજ…માણારાજ કરતી વિપ્રલબ્ધ નાયિકા પોતાની વ્યથાને તીવ્ર બનાવતી બોલી ઉઠે છે:
“સૈયર ચપટીક શ્વાસે ધોળ્યાં;
અમને હતાં-હશુંમાં ખોળ્યાં ;
અમને તલાવડીની વડપૂજાએ ડહોળ્યાં માણારાજ….”
ગુજરાતી ભાષાને આવાં અનેક સુંદર ગીતોની ભેટ આપનાર અને અગ્રણી કવિશ્રી દાન વાધેલાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન!
~ પ્રફુલ્લ પંડ્યા
OP 26.9.22
*****
દાન વાઘેલા
29-09-2022
આજે મારા ગીતનો આસ્વાદ માણ્યો. કવિશ્રી પ્રફુલ્લ પંડયાએ ‘માણારાજ’ ગીતની પ્રત્યેક પંક્તિઓ / એના ભાવગુંફનના અધ્યાંસો પૂરા કરીને આસ્વાદ કરાવ્યો છે. પ્રતીક – કલ્પનને સ્પષ્ટ રીતે ઉઘાડી આપ્યા છે. શ્રી પ્રફુલ્લ પંડયાનો ખૂબ ખૂબ આભાર. લતાબહેનનો પણ આભાર.
છબીલભાઈ ત્રિવેદી
26-09-2022
માણારાજ શબ્દ અેટલો કર્ણપ્રિય અને મધુર છે તેના વિશે ખુબજ રસપ્રદ વિગતો જાણવા મળી અભિનંદન આભાર લતાબેન
પ્રતિભાવો