લતા હિરાણી * સતીન દેસાઇ ‘પરવેઝ’ Lata Hirani Satin Desai

તડકો ~ લતા હિરાણી 

કદી કોઈ વાતે અમસ્તો અછડતો
ન’તો આસપાસે ફરકતો ય તડકો

જરી ઘાવ અમથા ખોલે-વલોવે
અને રોજ પીડા ખડકતો જ તડકો

હતા પાસ એને ધક્કાઓ દઈને
પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો

પછી છાંયડા કાજ ધમસાણ માંડ્યું
ઠરે કેમ, બાળે એ બળતો જ તડકો

હવેલી અજબની, શી રોનક ગજબની
અહમનો અડે જો અકડતો જ તડકો

બને શૂન્યતાનું એ ખંડેર કેવું
કે પથરાય ચોગમ ગરજતો જ તડકો

સફરના મિજાજે, ઊંમરના પડાવે
હતો દર વળાંકે વળગતો જ તડકો

ઢળ્યો જ્યારે છાંયો, સીમાડો કળાયો
જણાયો પછી તો સરકતો જ તડકો.

આસ્વાદ ~ સતીન દેસાઇ ‘પરવેઝ’

‘કવિલોક’ નવે-ડિસે. 2019માં પ્રકાશિત  

પ્રસ્તુત ગઝલમાં ગઝલનાયિકા લતાહિરાણીએ ‘તડકો’ રદીફનું નિર્માણ કરી ભાવકને પ્રતીકાત્મક રીતે માનવીય સંવેદનથી અધ્યાત્મના ગેબી સંકેતોના કાવ્યાત્મક દર્શન કરાવ્યાં છે. આવા પ્રાકૃતિક રદ્દીફને લક્ષ્યમાં રાખી આ પૂર્વે અનેકાનેક ગઝલકાવ્યો રચાયાં છે જે પૈકી ગઝલકાર મનોજ ખંડેરિયાનું ‘પીછું’ અનોખું સર્જન છે, આવા દૃષ્ટાંતો ટાંકી શકાય પણ અત્રે લતાબેને આ ગઝલમાં તડકાની જે વ્યંજનાઓ ઉકેલી છે તેનો ઊઘાડ કેન્દ્ર સ્થાને છે. આમે મત્લાવિણ ઊઘડતી આ ગઝલ સૂર્યના અગ્નિશસ્ત્ર, તડકામાં આપમેળે ‘લગાગા’ના પ્રવાહીત આવર્તનમાં ઊઘડે છે.

આઠ શેરની આ ગઝલમાંથી પસાર થતાં ભાવકને જે સારગર્ભ આકર્ષે છે એ તડકાનું અદ્ભુત સજીવારોપણ છે, જેનું નાયિકા માનવીકરણ કરી ધીરેધીરે અગમના તારે સફર કરાવી મોક્ષપંથે સ૨કાવે છે. વળી આઠ શેરમાં નાયિકા મહદઅંશે બે ક્રિયાપદ, ક્યાંક ત્રણ અને અંતિમ શેરમાં ચારનો ઉપયોગ કરી તડકાની ચતુર્ભુજતાના દર્શન કરાવી અલૌકિક ચિત્રણ કરે છે.

પ્રથમ ચાર શેર તડકાનું પૂર્ણ નકારાત્મક માનવીય કરણ કરી, આરૂઢ અગ્નિની વિવશતાના ચિત્રો દોરે છે. તડકાના મિજાજને શેર-બ-શેર આંદોલિત કરી આપણને દુર્ગમ અરુચિકર માનવીય આનુસંધાન સાથે જોડે છે. ચાલો ગઝલસાર માણિયે.

પ્રથમ શેર….

કદી કોઈ વાતે અમસ્તો અછડતો / ન તો આસપાસે ફરકતો ય તડકો.’

તડકાના માનવીય અગ્નિતાપના અલોપવાદી વલણને કોઈ અગમ્ય રીસામણાં રૂપે છતું કરે છે. અત્રે એકે ઘટના વિના તડકાનું અછડવું નાયિકાને કેવું કઠે છે! આમ તો નાયિકામાં ઇચ્છાગર્ભનાં હૂંફાળા તડકાની સ્પર્શ સંવેદના જાગૃત છે, પણ આકાર પામી અવતરતી નથી કે આસપાસે ફરકતી પણ નથી. એ સંબોધી નાયિકા નૈરાશ્યની મૌનવાચાને ફફડાવે છે. ગઝલ હવે આગળના ચરણમાં તડકાની અભિવ્યક્તિ સઘનતા પામે છે. તડકો બીજા શેરમાં આંતરબાહ્ય વિહાર કરે છે. બીજો શેર…

જરી ઘાવ અમથા જ ખોલે વલોવે / અને રોજ પીડા ખડકતો જ તડકો.

કોઈ કાળે પોતાની અતૃપ્ત અવાંછિત ઇચ્છાથી જ વીંધાવી ઝખ્મી થઈ, તડકાના રૂપી એક આંતરતત્ત્વ એની પીડાના ઘાવને અકારણ ખોલી-વલોવી વિસ્તૃત કરે છે. આપણી ખોટી ઇચ્છાનો તાપ કેવો હોય એના બૃહદ્ અણસાર ચીંધી, કમાલ કરે છે. પરિણામસ્વરૂપ અતૃપ્ત સંવેદનઘાવના વલોવાટ એવા પીડાના ખડકો રચે છે જે સમયાંતરે અસહ્ય થતા જાય છે.

નાયિકા ત્રીજા અને ચોથા શેરમાં તડકાના પ્રતીક દ્વારા નિરર્થક કાવ્યસંજીવનીની તલાશના મર્મ ઊઘાડે છે. ત્રીજા શેરમાં એક એવું અવકાશી બ્રહ્મ નિર્માણ કરે છે જેમાં અસંખ્ય શાતાકારક તત્ત્વના પરિસરમાં પણ પોતાની અજ્ઞાનતામાં રાચતો તડકો એ શીતતત્વોને અર્થાત્ લાગણીની હૂંફને ધક્કા મારી વ્યાપક તડકાતો અગ્નિ પથારે છે.

આ અગ્નિ આમ અધ્યાત્મ સ્વરૂપ સૂર્યરૂપી પીંડમાંથી પ્રગટી તડકાના સ્પર્શમાંય શીતળતા લ્હેરાવતો હોય, દુર્ભાગ્યે એ જ ભીતર અહમ-અજ્ઞાનને પોષી આસપાસના શીત પ્રદેશોને મૂળસોતા ઊખેડી સ્વ-આધિપત્ય કાજે કાળ-ઝાળ રણ વિસ્તારે છે નાયિકાની આ બળબળતી ઉક્તિ, આજના યુગના માનવની વિષમતાનો સળગતો અહાલેક જગવે છે.

અહીં ઊર્દૂ શાયર નીદા ફાઝલીનો આ શેર નાયિકાની તડકા સંદર્ભ ધક્કાબાજીને સમર્થન આપશે.

યહાઁ કિસીકો કોઈ રાસ્તા નહીં દેતા, / મુઝે ગિરાકે અગર તુમ સંભલ સકો તો ચલો.

ચોથો શેર હવે અવળ વ્યંજનાને વલોવી નવ્ય પરિમાણ સર્જે છે. હવે અજ્ઞાનથી સહેજ જ્ઞાન લાધે છે. હવે તડકો એના ગુણને શેષ કરવાની વિવશતામાં છાંયારૂપી તત્ત્વને યાચે છે. ફંફોસે છે. છાંયા પામી શાતાને પામવા ઘમસાણ માંડે છે. જે તડકો પ્રથમ ત્રણ શેરના ગર્ભમાં લાવા પ્રલયનો અધિકારી હતો તે ચોથા શેરમાં ઠરીઠામ થવા તપઅગ્નિ ગ્રહણ કરવા મિથ્યા યત્ન કરે છે. જે સ્વયં કાળઝાળ બની અન્યનેય તાપે છે. આ શેર દ્વારા નાયિકાએ આજના યુગના માનવીને ભીતરી ક્રોધ સંક્રમણ કેવા ગ્રસી જાય છે, તેનો સચોટ આલેખ કર્યો છે.

હવે પછીના ચાર શેરમાં નાયિકા આપણને ઊર્ધ્વગમન કરાવે છે. નાયિકાનું લક્ષ તડકાના આવિર્ભાવને પ્રગટ કરી મોક્ષગામી કડીઓનું નિર્માણ કરવાનું છે. આમે અધ્યાત્મલક્ષી ગઝલકારનું ચૈતન્ય વાસ્તવવાદને સાધી ચરણ માંડવાનું હોય છે.

પાંચમો શેર જોઈએ.

હવેલી અજબની, શી રોનક ગજબની / અહમનો અડે જો અકડતો જ તડકો

‘એક અજબ તડકાની હવેલી’ ‘નૂરમહેલનું’ અર્થાત્ અગમ્ય પરમાત્માનું ગેબી સ્થાન ચિત્રણ પામે છે. ત્યાંથી ઊતરી અવતરતા એ તડકારૂપી નૂરને ઝીલવાનું માનવીય અસામર્થ્ય કેવું વિચિત્ર ઝળકે છે. જ્યાં આત્મનૂર ઝીલવાનું હોય ત્યાં જ માનવીનું અહમવાદી બ્રહ્માષ્મીપણું કેવું નડી જાય છે. આત્મઉજાસ તો હોવાના ભાવ પ્રાગટ્યનું જ સમીકરણ રચે છે. પણ એને જ્યારે અહમ્વાદી ઇન્દ્રિય અહંકારની પરિભાષામાં ઝીલે ત્યારે એ અક્કડ અકડીને વિનાશની દિશામાં જ ગતિ કરે એ સ્વાભાવિક છે.

જ્યારે 6ઠ્ઠા શેરમાં ‘તડકાનું’ અજવાસી તત્ત્વનું સંમોહગ્રસ્ત વ્યક્તિત્વ જે આજ સુધી સ્પર્શજન્ય ને ધ્વનિજન્ય હતું, એ હવે નાદસ્વરૂપે પડઘાય છે. તડકાને પણ એનો અંગત નાદ હોય છે. એ ઇન્દ્રિયવ્યત્યય આ નાયિકા સુપેરે કરે છે. જ્યાં શૂન્યથી અતિશૂન્યમાં પ્રશાંત આત્મગતિ થતી હોય, જ્યાં મંદ-મંદ ઝીણા ઝીણાં કબીરી ઉજાસના તાર વણાતાં હોય, એવા શૂન્ય પ્રદેશને ન લોપવાની હઠને વરેલો અસ્તિત્વવાદી તડકો, ખંડેર કરી મહાગર્જન કરી કંઈ હાંક મારે છે.

મને અત્રે એમ કહેવું ગમશે કે લતાબેનનું આ કાવ્ય ‘કવિલોક’માં વાંચતા જ મારા ભીતરના તમામ ચૈતન્ય સૂર્ય શિરસ્થ થયા. મને મારી તડકા રદીફ વિષયક આઠ ગુરુની ગઝલનું સ્મરણ જાગ્યું, જેની પ્રતીક વ્યંજનાઓએ મારી હૂંફાળી કલમને સહજ વ્હેતી કરી, મને આ આલેખ કરવા પ્રેર્યો છે. એથી જ મારા આ શેરના ટાંકણ અહીં અસ્થાને નથી.

તડકો આંગણ મલકે-છલકે, તડકાના તોરણ બંધાવો!

સમળી પાંખે તરતો ભાળું, તડકાનો ભમ્મર ચકરાવો.

કારણ લતાબેને અંતિમ શેરોમાં તડકાની વ્યવસ્થા પરિક્રમ્માની વાત કરી છે. હવે તડકો માત્ર કોઈ એક સ્થાનનો મોભી ન રહેતા, અનંત મુસાફર થાય છે. જે આયુષ્યના હર પડાવે ભીતર ચૈતન્યને જ વળગી આગેકૂચ કરે છે. એક એવા સનાતન પંથ પર નાયિકા આપણને દિવ્ય અજવાસની આંગળી ચીંધી દોરે છે.

કાવ્યનાયિકા અંતિમ શેરમાં ચાર ક્રિયાપદો પ્રયોજે છે. સાંજની ઝાંખપમા ડોકિયું કરી જીવનના વાસ્તવવાદને એ મોક્ષવાહક કાળને આમંત્રી જીવનની અંતિમ સરહદ કઈ છે એની સૂઝ પમાડે છે. ‘તડકો’ (અજવાસ)ના પ્રતીકમાં જન્મથી મરણ સુધી જીવન સ્વરૂપ વૈવિધ્ય નકાર ને હકારની વચ્ચે કેવી ગતિ કરાવે છે, એનો મનનીય ચીતાર લતાબેન કરાવે છે.

અહીં ધન્યતાની ક્ષણો તો એ જ છે કે જ્યાં મૃત્યુ પશ્ચાત જ્યારે સકલ અજવાસ શમી જાય છે ત્યારે નાયિકા આપણને એક એવા વળાંકે લાવી દૃષ્ટારૂપે ગોઠવી દે છે, કે જ્યાંથી તડકારૂપી આત્મઉજાસ કશુંય ન હોવાની અનુભૂતિમાં પણ ધીમેધીમે સરકી કશાક અગમ્ય લોકમાં લોપાતો જોવાય છે. જે લોક એના નવ્ય ઘાટ નિર્માણ માટે કટિબદ્ધ છે.

લતાજીની સરળ જણાતી ‘તડકાગઝલ’ આપણને ઉર્ધ્વગામી ઊડાનો કરાવી નવ્ય તડકો આપણી આંખમાં આંજે છે. લતાજીને મુબારકબાદી દઉં છું.

OP 8.10.22

***

દર્શક આચાર્ય

11-10-2022

સરસ ગઝલનો સરસ આસ્વાદ . અભિનંદન લતાબેન

Kirtichandra Shah

09-10-2022

This Gazal by Lataben is thourly loudable and meaningful plus enjoyable Dhanyvad

આભાર

08-10-2022

આભાર છબીલભાઈ

છબીલભાઈ ત્રિવેદી

08-10-2022

વાહ ખુબ સરસ રચના અને અેટલોજ ઉત્તમ અનુવાદ બન્ને રચનાકારો ને ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

8 Responses

  1. વાહ, તડકાનું પ્રતિક લઈ ખૂબ સુંદર ભાવાભિવ્યકતિ કરી છે. ડો. કવિ સતીન દેશાઈ જેવા હોનહાર આંતર રાષ્ટ્રીય કવિએ ખૂબ સરસ આસ્વાદ કરાવ્યો છે.

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    કવિતા પણ સુંદર અને કાવ્યાસ્વાદ લેખ તો તેના મર્મને ખોલતો એવો અપૂર્વ અને અનન્ય.

  3. કવિતા ખુબ ગમી આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક રહ્ર્યો ખુબ ખુબ અભિનંદન

  4. વહીદા ડ્રાઈવર says:

    ઉત્તમ રચના,
    વાહ લતાજી,,,, બેનમૂન

Leave a Reply to Kavyavishva Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: