નિરંજન ભગત ~ ઘડીક સંગ * મનસુખ સલ્લા * Niranjan Bhagat * Mansukh Salla

ઘડીક સંગ ~ નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણી ઘડીક સંગ !
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,
વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાયવેળા,
તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળીગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ !

નિરંજન ભગત

ક્ષણને શાશ્વતીમાં પરિવર્તિત ક૨વાનો ચમત્કાર : ઘડીક સંગ ~ મનસુખ સલ્લા

નિરંજન ભગતની કવિતા ‘ઘડીક સંગ’માં વર્ણવાયેલા જીવનભાવો ઉપનિષદ અને ગીતામાં બહુ સૂક્ષ્મતાથી વર્ણવાયેલા છે, એટલે કે પરિચિત છે, પણ કવિતા સિત્તેર વર્ષથી ગુજરાતી ભાવકોને હૈયે છે. એનું અનેક વાર પઠન અને ગાન થયું છે.

અન્ય રીતે જોઈએ તો આ જીવનભાવો સૂત્રોરૂપે, ઉપદેશરૂપે અનેકોએ અનેક રીતે પ્રગટ કર્યા છે. તો આ કવિતાની મોહિની શી છે? એની પ્રાસયોજના ? એની પદાવલિ ? એનાં જીવનમૂલ્યો ? આ કાવ્યને ભાવક હૃદયમાં જીવંત રાખવામાં આ સઘળાંનો પણ ફાળો છે, પરંતુ એને કવિતા બનાવનાર છે એનાં ભાવચિત્રો. ભાવ અનુભવનો વિષય છે, અપ્રત્યક્ષ હોય છે, પરંતુ ઉત્તમ કવિ એને ચિત્રરૂપે પ્રત્યક્ષ કરાવે છે. રૂપક અને કલ્પન કવિનાં હાથવગાં માધ્યમો છે. નિરંજન ભગતની કવિ તરીકેની વિશેષતા છે આવાં મૂર્તિકરણમાં.

કોઈ પણ મોટા કવિની ખૂબી એ હોય છે કે તે બે અસામાન્ય અંતિમો, ઘટનાઓ કે વસ્તુઓને એવી રીતે જોડી આપે છે કે એનું નૂતન રૂપ અનુભવાય છે. ભાવક પણ એવો કલ્પનવિહાર કરે છે. એ સઘળું પરિચિત હોય છે, પરંતુ એમાં અંતઃસ્થ એવું અપરિચિત તત્ત્વ કવિ પ્રત્યક્ષ કરી આપે છે. નિરંજન ભગત આ સાધી શક્યા છે માટે આ કાવ્ય દાયકાઓ પછી પણ તાજું રહી શક્યું છે.

કાવયના ઉપાડની પંક્તિમાં વિરોધ મૂર્ત થાય છે : ‘કાળની કેડીએ ઘડીક સંગ.’ આ હકીકત પરિચિત છે પણ નૂતનતા છે ‘કાળની કેડી’માં. કાળનું સ્વરૂપ, એની સાથેનો સંબંધ ‘કેડી’માં પ્રગટ થાય છે અને બીજી પંક્તિ કેવળ પુનરાવર્તન નથી, સંબંધની અલ્પતા ‘રે ભાઈ’ દ્વારા પ્રગટ કરી છે. પછીની પંક્તિમાં ઘડીકમાં સામેનું ચિત્ર છે ‘જનમોજનમ’નું. હરણફાળ છે આ ઘડીકના સંગનો રંગ આત્માને લાગી જશે એમાં. “રંગ લાગવો’ રૂઢિપ્રયોગ કેટકેટલા અર્થો સૂચવે છે? આત્માને લાગેલો રંગ અમીટ હોય છે તે પણ સૂચવાય છે.

કાળની કેડી છે તો ધરતીનું આંગણું છે. આંગણું (ઘર) સ્નેહભાવનું ધરુવાડિયું છે. કાળની અનંત પ્રવાહ અને ધરતીઆંગણાના ઘડીકના મિલનમેળા એ બે બિંદુ વચ્ચે જે સંબંધવ્યાપ સૂચવાય છે એમાં છે કાવ્યની મૂળ સૂક્ષ્મતા છે. કવિ વિદાયની અપરિહાર્યતાથી અવગત છે, એનોય સ્વીકાર છે.

મેળા અને વેળા માત્ર પ્રાસયોજનાથી નથી શોભતાં, પણ મિલન મેળો બની જાય છે. ‘મેળો’ દ્વારા કેટકેટલા ભાવસંદર્ભો સૂચવાય છે, પ્રત્યક્ષ થાય છે? મેળામાં મહાલતા હોઈએ એમ આ ક્ષણને જીવવાની છે. કાળ ગમે તેટલો અપરિમેય હોય, પરંતુ આવું ઘડીકનું મિલન મેળારૂપ હોવાથી કાળ પણ એને નહિ ભૂલી શકે, કારણ કે આપણે મેળાની જેમ ભેળાં ભમીશું, રહીશું, જીવીશું ફરીશું વગેરે ક્રિયાપદોની જગ્યાએ ભમીશું ક્રિયાપદ સાભિપ્રાય છે. ‘ભમીશું’માં સ્વૈરલીલા છે, નિર્દેતુક આનંદ છે. એને કાળ પણ નહિ ભુલાવી શકે,

પ્રચલિત રૂપકો કવિએ અર્થસાધક રીતે યોજ્યાં છે. આ મળવું સંબંધહીન કે સ્નેહવિમુખ નથી. હૈયું સંકુચિત, સ્વાર્થી, સ્વકેન્દ્રી બની જાય ત્યારે બધું ઠરી જાય છે, અગતિક થઈ જાય છે. હૈયાનો હિમાળો છે, પરંતુ આ વરદાન સ્વકેન્દ્રિતાને કારણે નિષ્ફળ બની ગયું છે, જડ થઈ ગયું છે, નિરર્થક બની ગયું છે. આ ઘડીકના સંગમાં હિમાળાને ગાળવાનો છે, ઓગાળવાનો છે. તો એમાંથી હેતની ગંગા વહેતી થાય. ગંગાને પૃથ્વી પર લાવવાની ભગીરથની તપશ્ચર્યા અહીં યાદ આવશે. હૈયાનો હિમાળો ગાળવા આવી સાધના કરવાની છે. જેના પરિણામે હેતની ગંગા વહેતી થાય. તો સ્વકેન્દ્રિતામાંથી મુક્તિ મળે. ગંગાનું એક અવિસ્મરણીય સ્વરૂપ પાવની, મુક્તિદવિની છે, એ સંદર્ભ પણ અહીં લેખે લાગશે.

કવિ જીવનની વિષમતાઓ, પ્રતિકૂળતાઓથી અજાણ નથી. પગલે પગલે પાવક જાગશે, પરંતુ એનો ઉત્તર છે – નેણમાંથી ઝરતી સ્નેહઝારી એ જ વિષમતાના પાવકને બુઝાવશે. કંટકપંથનો અર્થ છે એ વાવેલાં ગમે તેણે હોય, પણ આપણા સંગની સાર્થકતા હશે વેદનાની જગ્યાએ ફૂલની ક્યારી ઉગાડવામાં.

મનુષ્યજીવનનો મહા અભિશાપ છે સ્વકેન્દ્રિતા. જાતમાં બદ્ધ રહેવું. એ જ ઠરી ગયેલો હિમાળો છે, બાળતો પાવક છે, કંટકનો પંથ છે. એનાથી મોક્ષ કરવો હોય તો જાતને હારવી અને એકબીજાને જીતવા. સામાના ઉત્કર્ષમાં જાતને પાછળ મૂકવી. અહીં કવિએ ફરી ‘રે ભાઈ’નો પ્રયોગ કર્યો છે. પહેલી વખત સંગની અલ્પતા માટે જાણે કે નિસાસો પ્રગટ થતો હોય એમ આ પ્રયોગ થયો છે, પરંતુ છેલ્લે ‘રે ભાઈ’નો પ્રયોગ જાણે સંકલ્પદઢ નિર્ણાયકતા સૂચવે છે. હારીને જીતવું, ત્યાગીને ભોગવવું, જાતના પિંજરામાંથી નીકળીને વિશ્વને પામવું એવાં અર્ધવર્તુળો વિસ્તરતાં રહે છે.

આ સઘળામાંથી પ્રાપ્તિ છે ઉરમાં ન માય એટલો ઉમંગ. હેતની ગંગાનો પ્રાસ ઉરના ઉમંગમાં મળે છે. ઉમંગ શબ્દ કેવળ પ્રાસ માટે નથી, એ દ્વારા કવિ Joy, delight, Pleasure એવા અર્થસંકેતો સૂચવે છે.

એક ગીતમાં કવિ કેવી વ્યાપક ફાળ ભરીને સ્નેહનો મહિમા પ્રગટ કરી શકે છે, અલ્પમાંથી વ્યાપકમાં ગતિ કરી શકે છે, ક્ષણને શાશ્વતીમાં પરિવર્તિત કરી શકે છે એની આ કવિતા છે. એનો આનંદ-ઉમંગ કેવો અવર્ણનીય, અપરિમેય (ક્યાંય ન માય રે એટલો) હોય એવી શ્રદ્ધાના રણકારની આ કવિતા છે. મંત્ર કવિતારૂપે પ્રગટ થાય ત્યારે એ કેવો સ્પર્શક્ષમ, અનુભૂતિક્ષમ અને પ્રત્યક્ષવત્ બની શકે છે એનું દૃષ્ટાંત પણ આ કવિતા છે.

સૌજન્ય : બુદ્ધિપ્રકાશ, ઑક્ટોબર 2022

OP 2.11.22

***

સાજ મેવાડા

05-11-2022

“કાળની કેડીએ ઘડીક સંગ

રે ભાઈ, આપણી ઘડીક સંગ !”
આ ધૃવ પંક્તિમાં કાવ્યનો સાર આવી જાય છે, અદ્ભૂત કવિતા.

Dipak valera

03-11-2022

બહુ સરસ

છબીલભાઈ ત્રિવેદી

02-11-2022

સરસ આસ્વાદ બન્ને દિગ્ગજ રચનાકારો ને સલામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: