પ્રફુલ્લ પંડ્યા ~ એક શીશીમાં * દિલિપ જોષી * Prafull Pandya * Dilip Joshi

એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટે
તો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું !

ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળે
અને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….
એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી આગળ વધતાં
પવનદેવને અધ્ધવચ્ચેથી કૈંક વરસની હાંફ નીકળે….

એક શીશીમાં પૂરી હાંફને, હાથથી એનો ઘા કરીએ ને આભ ફૂટે
તો માની લઈએ એક નદીનું મોત થશે એ સાચું !

એક નદી ચાલી જાશે તો એક માણસને તરસ લાગશે,
નગર નગર અંધાપે બળશે અને આભમાં ઋષિ બોલશે  ઑમ….
આ ધરતી પર રહેતાં સૌને હસવા જેવું કૈંક હશે તો
ઊલટસૂલટના઼ં તેજલિસોટે ફૂટશે તમને નવું તપસ્વી જોમ….

એક શીશીમાં પૂરી જોમને, હાથથી એનો ઘા કરીએ ને જીવ ફૂટે
તો માની લઈએ એક ક્ષતિનું મોત થશે એ સાચું !

~ પ્રફુલ્લ પંડ્યા

સર્જન- વિસર્જનનું અરૂઢ રહસ્ય ~ દિલિપ જોષી

કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા આપણી ભાષાના એક નીવડેલા કવિ છે.એમનો એક એક શબ્દ મંજાઈને આપણને આહ્લાદ આપે છે.પ્રસ્તુત ગીતમાં અપૂર્વ અને અદભુત રીતે આપણા અસ્તિત્વના ગૂઢ રહસ્ય પરથી એમણે ઘીમે ઘીમે પડદો ઊંચક્યો છે. પહેલી નજરે ખૂબ અટપટુ અને અરૂઢ જેવું લાગતું આ ગીત ઊંડાણથી તપાસતાં એના એક પછી એક પાસાંઓ ઉકેલતા અદ્ભુત અને આશ્ચર્યજનક લાગે છે.

સર્જન અને વિસર્જનનો ખેલ આ સૃષ્ટિમાં સદીઓથી ચાલી રહ્યો છે .આપણી અધોગતિનું કારણ આપણે જ છીએ. આપણે સુરીલાપણું,મીઠપ અને સંવાદને ભૂલીને વિકાસ માટે ધુમાડાની ગુંગળામણ અને વિસ્ફોટો કરીને સંહાર કરી રહ્યા છીએ. એ કેવળ આજનું વરવું સત્ય છે.

આપણે આપણા ઈશ્વરના નામે પથ્થરો અને પાશવતાને પોષી રહ્યા છીએ. એ અણસમજ, એ અજ્ઞાન આજે ઠેર-ઠેર જોવા મળે છે. પ્રકૃતિની સંવેદના અને સચ્ચાઈનો સ્પર્શ તો આપણે યુગોથી ગુમાવી દીધો છે. આપણું અસ્તિત્વ હવે હાંફી રહ્યું છે, ત્યારે એમાંથી છૂટવાની છટપટાહટથી આપણે ઘણું બધું ખોઈ રહ્યા છીએ. ક્યારેક આનાથી આપણા અસ્તિત્વનું આધારરૂપ જળ(પાણી) જ રહેશે નહીં એ પણ આજનું વરવું સત્ય છે.

આ જળ નહીં હોય તો એની તરસ માટે, તૃપ્તિ માટે વિશ્વમાં ઘોર અરાજકતા સર્જાશે અને એમાંથી જ ઋષિઓ, દાર્શનિકો મંત્ર દ્વારા મુક્તિનો માર્ગ ચિંધાડશે અને અસ્તિત્વનું ઉપનિષદ સમજાવશે. પુન: તહસનહસ થયેલી પ્રકૃતિ અને માનવજીવનમાં નવા ચેતનનો આવિર્ભાવ થાશે. આ તકે મને  કવિ કલાપીની પ્રખ્યાત કાવ્યપંક્તિ યાદ આવે છે. “જે પોષતું એ મારતું એ ક્રમ દીસે શું કુદરતી”

જો આ અસ્તિત્વ માટે ઝઝૂમવાનું જોમ જ ન રહે તો આ પૃથ્વી પણ ન રહે અને આપણો વિનાશ થાય એ પણ વરવું સત્ય છે.આમ કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા એ આ ગીતમાં અસ્તિત્ત્વ અને વિનાશનું અરૂઢ રહસ્ય આગવી રીતે ખોલી આપ્યું છે. કવિશ્રીને મારા વંદન સાથે અભિનંદન.

મૂળ પોસ્ટિંગ 3.8.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: