અસાઇત પહેલો ગુજરાતી કવિ
ગુજરાતી કવિતામાં આપણે નરસિંહ મહેતાને આદિ કવિ ગણીએ છીએ પણ એની એ પહેલાં લગભગ 200 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે કામ શરૂ થઈ ગયું હતું અને શરૂઆત જૈન સાધુઓથી થઈ હતી એટલે જૈન સાધુઓ નરસિંહ મહેતાના પુરોગામી છે.
વસંતવિલાસ નામનું સુંદર રસિક ફાગુ કાવ્ય જૈન સાહિત્યમાં મળે છે. જોવાની વાત એ છે કે અન્ય જૈન કૃતિઓની જેમ અહીંયા એટલે કે આ કાવ્યમાં ધર્મોપદેશ નથી પણ ઊછળતા ઉલ્લાસથી ભરપુર શૃંગારની છોળો છે. જૈન કવિઓ બારમાસી કે ફાગુ કાવ્યમાં શૃંગારનું આલેખન કરતા, એના સાધન તરીકે પ્રકૃતિનું વર્ણન કરતા અને છેવટે તેનું શમન તપ સંયમ અને સાધુ વ્રતમાં બતાવતા.
આપણે જૈનેતર એટલે કે જૈન સિવાયના ગુજરાતી કવિની વાત કરીએ તો નોંધપાત્ર નામ કે જેને આપણે પહેલો ગુજરાતનો જૈનેતર કવિ ગણીએ એ છે અસાઈત.(ઇ.સ.1361 કે 1371)
આ અસાઈતની વાત બહુ મજાની છે એ સિદ્ધપુરનો ઔદિચ્ય બ્રાહ્મણ હતા અને જુવાન વયમાં રસિક કથાકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા. એકવાર ઊંઝાના વતની અને તેના શિષ્ય હેમાળા પટેલની પુત્રીને સુબેદારના માણસો ઉપાડી ગયા ત્યારે આ બ્રાહ્મણે હિંમત કરીને તેને પોતાની દીકરી તરીકે ઓળખાવી અને સુબા પાસે તેને છોડી દેવા માટે માગણી કરી..
સુબાએ શરત કરી કે કે જો તે કણબીની છોકરી જોડે એક ભાણે જમે તો પોતે તેને છોડે. અસાઈતે પાટીદાર કન્યા સાથે બેધડક એક ભાણે ભોજન કર્યું અને તેને છોડાવી. એને લીધે કાયમ માટે સિદ્ધપુરની ઔદિચ્ય જ્ઞાતિએ તેનો બહિષ્કાર કર્યો તે તેણે હસતે મુખે સહન કર્યો. ઊંઝાના પટેલોએ તેને જાગીર આપી એટલે એણે ઊંઝામાં વસવાટ કર્યો. તે બ્રાહ્મણજ્ઞાતિથી જુદો પડ્યો એટલે કથાકારનો ધંધો બંધ થયો. આ સંજોગોમાં અસાઈતે ભવાઈના વેશ લખીલખીને પોતાના ત્રણ પુત્રો સાથે ગામેગામ ફરીને ભજવવા માંડ્યા. આમ તેણે 360 વેશો લખ્યા એમ કહેવાય છે. તેના ત્રણ પુત્રોના ત્રણ ઘરનો પરિવાર ત્રિઘરા તરીકે ઓળખાયો. જેમાંથી તરઘરા અને તરગાળા રૂપાંતર થઈને ગુજરાતમાં ભવાઈ અને નાટક ભજવવાનો ધંધો કરનારી તરગાળાની જ્ઞાતિ ઉત્પન્ન થઈ. આમ અસાઈતનું નામ ગુજરાતના લોકનાટ્ય સાથે હંમેશને માટે જોડાઈ ગયું છે આ ઉપરાંત હંસ અને વચ્છ નામના બે રાજકુમારોના જુદા જુદા ભાવની લોકકથાઓને પણ તેણે હાસ્ય, કરુણ અને અદ્ભુત રસ થી છલકાતી હંસાઉલી નામની કાવ્યકૃતિમાં સફળપણે ઉતારી છે.
આ પછી શ્રીધર વ્યાસનું ‘રણમલ્લછંદ’ (ઇ.સ.1399) મળી આવે છે. વીરરસનું આ કાવ્ય છે. લોકકથામાંથી બીજ લઈને ભીમે (ઇ.સ.1410) સદેવંત સાવળંગાના આઠ ભવની પ્રેમકહાણી સુણાવતું ‘સદયવસ્તચરીત’ રચ્યું. અબ્દુર રહેમાન નામના એક કવિએ અપભ્રંશની છાંટવાળું ‘સંદેશકરાસ’ (ઇ.સ.1420) નામનું મેઘદૂત શૈલીનું કાવ્ય લખ્યું છે.
લતા હિરાણી
સંદર્ભ : ગુજરાતી સાહિત્યની વિકાસરેખા – ધીરુભાઈ ઠાકર
OP 13.9.22
પ્રતિભાવો