લતા હિરાણી ~ ચટ્ટાનો * રાધેશ્યામ શર્મા
ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખ્ખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચારો
ફાટી આંખે જોઇ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં ? આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.
– લતા હિરાણી (‘ઝરમર’ પૃ. 58)
પથ્થર યુગની પુન: આગાહી કરતી સબળ કૃતિ – ચટ્ટાનો ખુશ છે
2015માં ‘ઝળઝળિયાં’ કાવ્યસંગ્રહ પછી 2016માં ‘ઝરમર’ સંગ્રહ આવ્યો ત્યારે કવયિત્રી લતા હિરાણીએ ‘સુગંધના અક્ષર સુધી’ની યાત્રાનો ઉલ્લેખ કર્યો. તેઓ અટલ અછાંદસવાદી ગણાય. ઝરમર ‘ફોરાં’ સમ નિવેદનમાં નિખાલસતાથી કબૂલ્યું છે, ‘મનમાં જ્યારે જ્યારે સંવેદનો ઊઠ્યાં ત્યારે એને કોઈ આકારમાં નથી બાંધી શકી કે નથી એના માટે કોઈ પ્રયાસ કરી શકી એટલે ગીત ગઝલ કરતાં અછાંદસ કાવ્યપ્રકાર મારા માટે વધુ સહજ છે, અનુકૂળ છે. મોટે ભાગે આ કવિતાઓ એક લસરકે લખાઈ છે.’
આમ છતાં ‘લીટી ભેગો લસરકો’ જેવું પરિણામ નથી ઉતર્યું. છંદરસિક ગુણગ્રાહી કવિ શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ તરત જોઈ શક્યા કે કવિએ ભલે કાવ્યોને અછાંદસ કહ્યા પરંતુ છંદોએ તેમને છોડ્યા નથી.
હવે અહીં તો રચના છંદના છંદે હોય કે અછાંદસનાં વાદે ચઢી હોય, આપણે તો મમમમથી કામ, ટપટપથી નહીં. કવિતાકળા છંદને નથી ગાંઠતી, નથી અછંદને. પ્રકારનું મહત્વ નથી. ભાવોર્મિત વસ્તુલક્ષી સંવેદનશીલતાનો મહિમા છે, માણીએ …
કોરાકટ્ટ ગદ્યમાં ચટ્ટાનોની ખુશાલી કર્તાએ એવી શબ્દાંકિત કરી કે ભાવકને કદાચ કિશોરી આમોનકરના કંઠમાંથી વહેલી સૂરધારામય પંક્તિ સાંભરે ‘ગીત ગાયા પથ્થરોને’ ! પ્રેમ-પ્રેમીના વિસાલેયાર મિલન ય શાશ્વત વિરહાગ્નિથી થીમના થડાની વંડીવાડ કૂદી કર્તા, ‘ચટ્ટાનો’ અથવા એક નક્કર અડીખમ પથ્થરસમા શબ્દને ઉપાડી લાવ્યા છે. અહીં પાછા ‘ચટ્ટાનો ખુશ છે’. ઓછું હોય તેમ ઉમેરે છે, ‘ખુશ છે પાણા પથ્થર’ ! ‘વધી રહી છે વસ્તી એની ગામ, શહેર, નગર …’ નગર શબ્દ પાછળ ત્રણ ડોટ – ટપકા નોંધશો તો સમજુ ભાવકને અંત વગરનો વસ્તીવધારો તરત વરતાશે.
રચનાની પ્રત્યેક પદાવલિના પગથિયામાં ગોઠવેલા શબ્દો સીધી લીટીમાં મૂકી શકાત પણ ત્યાં દૃશ્યાકનની અનિવાર્ય જરૂરિયાત સુજ્ઞોને સમજાઈ જાય. દા.ત.
પેલો પહાડ / હતો કેવો / જંગલ આડે સંતાયેલો
આ લખનારને તો લતાજીએ સંતાડેલા પહાડની પાછળ આલ્બેર કામૂનો સિસિક્સ કથાવાળો ટોચેથી વજનદાર પથ્થર ગબડાવતો અને વળી પાછો પહાડ પર જોશભર ચઢાવતો નાયક યાદ કરાવ્યો !
હવે આખ્ખેઆખ્ખો પર્વત (કેવો ?) નાગોપૂગો બિચારો (અહીં બિચ્ચારો લખ્યું હોત તો જોરૂકો જોરદાર લાગત) શું કરે છે?
ફાટી આંખે જોઈ રહ્યો / ને રોઈ રહ્યો / કોઈ નથી એનું તારણ..
ગિરિરાજ નગ્ન છે, બાપડો બિચારો બની ગયો છે. જે જંગલની આડશે એ સંતાયેલો હતો ભૂતકાળમાં. કોઈ કહેતા કોઈ ઉધ્ધારક, તારણહાર નથી તેથી રોવાવારો ત્રાટકશે.
યે ક્યા હુઆ ? યે કૈસે હુઆ ? સોચો.. તો પ્રતિશબ્દ છે.
‘હારી ગયા / હરી ગયા / ઝાડ પાન ને જંગલ’
અહીં કોણ હારી ગયું, કહેવાની જરૂર ખરી ? ‘ખુશ છે પાણા પત્થર’ (પાણા સાથે સમાનાર્થી પથ્થર શબ્દ શોખ ખાતર નથી, પણ એક આત્મલક્ષી પદલય, સબ્જેકટીવ રીધમ છે.)
જાણે અહલ્યાતારક રામ પધાર્યા, શલ્યાને અહલ્યાનું મૂળ સ્વરૂપ અર્પવા !
શાથી ? – વિશ્વાસ છે એમનો જબ્બર / કરશું અમે તો રાજ અહીં.
છાંદસ સોનેટ જેનરમાં અંતિમ પંક્તિ ઓચિંતી ચમકાવી દે એવી પ્રવિધિથી કવિએ જ ડ્રામેટીક નાટ્યાત્મક વિસ્ફોટ અંતે કરી બતાડયો છે.
વાર હવે ક્યાં ? / આમ જુઓ / આ માણસનાય પેટે / પાકી રહ્યા છે પથ્થર !
ઝાડપાન જંગલનું સત્યાનાશ, ઘેલી વિકાસવાદી સભ્યતાએ એવું કર્યું કે પહાડો પોતે માણસના જ પેટે નક્કર જડ પથ્થરરૂપ લઈ પાકવા માંડ્યા ! સગો પુત્ર કપૂત પાકે તો કહેવાતું, ‘માએ પથરો જણ્યો’. અહીં માણસ મર્દના (ઓરતના નહીં) પેટે પણ પથ્થર પાકી રહ્યા છે. બોલ, તેરે સાથ ક્યાં સુલૂક કિયા જાય ?
સુશ્રી લતા હિરાણીએ પથ્થરનું પર્સોનિફિકેશન કરી વ્યંગગંધિ વિધિવક્રતા (આઇરની)નું હિમ્મતભર્યું ઉદાહરણ ગદ્યકૃતિમાં પૂરું પાડ્યું છે વાસ્તે સલામ…
પ્રકાશિત >બુદ્ધિપ્રકાશ > ઓક્ટોબર 2017
મૂળ પોસ્ટિંગ 5.6.2021
પ્રતિભાવો